લંડનઃ યુકેમાં બેરોજગારીમાં સતત વધારો થઇ રહ્યો છે. 2023ના પ્રથમ 3 મહિનામાં બેરોજગારીનો દર 0.2 ટકા વધીને 3.9 ટકા પર પહોંચી ગયો છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના જણાવ્યા અનુસાર છેલ્લા એક વર્ષથી નોકરીમાંથી બહાર હોય તેવા કામદારોની સંખ્યામાં વધારો નોંધાયો છે. સતત 10મા ત્રિમાસિકમાં નોકરીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. અર્થતંત્રમાં પ્રવર્તતી મંદીના કરણે કંપનીઓ ભરતી કરવાનું ટાળી રહી છે. ફેબ્રુઆરી 2021 પછી એપ્રિલ 2023માં પેરોલ પર રહેલા કર્મચારીઓની સંખ્યા 1,36,000 ઘટીને 29.8 મિલિયન થઇ છે. આગામી મહિને નવા આંકડા મળ્યા બાદ આ આંકડામાં નવો સુધારો આવશે.
એકતરફ યુકેમાં બેરોજગારીનો દર વધી રહ્યો છે ત્યારે લાંબા ગાળાની બિમારીનું કારણ આપીને નોકરી નહીં કરનારા લોકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ઓએનએસના જણાવ્યા અનુસાર બિમારીના કારણે યુકેમાં 25 લાખ લોકો કામ પર જઇ રહ્યાં નથી. યુવાઓમાં માનસિક બિમારીની સમસ્યા વધી છે. વર્ક ફ્રોમ હોમના કારણે પીઠ અને ગરદનની સમસ્યાઓમાં પણ વધારો થયો છે.


