લંડનઃ બ્રિટન બ્રેક્ઝિટ પછીની નવી યોજનાઓના ભાગરુપે નોન-ઈયુ પ્રોફેશનલ્સ માટે વાર્ષિક ભરતી મર્યાદામાં સુધારો કરી રહ્યું છે જેના પરિણામે, ભારતીય નિષ્ણાતો અને પ્રોફેશનલ્સ માટે યુકેમાં નોકરીની તકો વધી શકે છે. બ્રિટન નોન-ઈયુ પ્રોફેશનલ્સ માટે ૨૦,૭૦૦ની એન્યુઅલ રિક્રુટમેન્ટ મર્યાદામાં પીએચડી સ્તરના વ્યવસાયોને બાકાત રાખવાનો સુધારો કરી રહ્યું છે. આ સુધારાથી આવા ઉમેદવારોની ભરતી માટે કોઈ મર્યાદા રાખવામાં નહિ આવે. બ્રિટિશ પાર્લામેન્ટમાં બ્રેક્ઝિટ સંબંધિત ડેવલપમેન્ટના ચિત્રમાં થેરેસા મેની સરકારે આ પ્રકારની ઘોષણા કરી હતી.
ચાન્સેલર ફિલિપ હેમન્ડે હાઉસ ઓફ કોમન્સને જણાવ્યું હતું કે પીએચડી લેવલના વ્યવસાયોને દૂર કવા માટે નોન-ઈયુ પ્રોફેશનલ્સ માટે ૨૦૭૦૦ની એન્યુઅલ રિક્રુટમેન્ટ કેપ રિવાઈઝ કરવામાં આવશે, જેથી આવા ઉમેદવારોની ભરતી કરવા માટે કોઈ મર્યાદા રખાશે નહિ. હેમન્ડે કહ્યું હતું કે, ‘ઓટમ-૨૦૧૯થી પીએચડી લેવલના વ્યવસાયોને ટિયર-ટુ (જનરલ) મર્યાદામાંથી માફી અપાશે અને સરકાર સાથોસાથ ૧૮૦ દિવસની ગેરહાજરી મુદ્દે ઈમિગ્રેશન નિયમોને સુધારશે, જેથી દરિયાપાર ફિલ્ડવર્ક કરતા રિસર્ચર્સ યુકેમાં સ્થિર થવા અરજી કરે ત્યારે તેમને સહન કરવું પડે નહિ.
માઈગ્રેશન એડવાઈઝરી કમિટીએ સપ્ટેમ્બર ૨૦૧૮માં વર્તમાન વાર્ષિક મર્યાદા દૂર કરવા ભલામણ કરી હતી. યુકેમાં આંતરરાષ્ટ્રીય સંશોધકોની મુખ્ય નોકરીદાતા યુનિવર્સિટીઓ દ્વારા આ ઘોષણાને આવકાર અપાયો હતો. ભારતીય નિષ્ણાતો અને પ્રોફેશનલ્સને તમામ વર્ક સંબંધિત વિઝાના ૫૪ ટકા વિઝા અપાયા છે. નવા ફેરફારથી યુકેની યુનિવર્સિટીઝમાં પીએચડી સ્તરના અભ્યાસક્રમોમાં સામેલ ભારતીય વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયે કામ મેળવવાનું સરળ બનશે તેમજ ભારતમાંથી વધુ નિષ્ણાતોની ભરતી કરવા યુકેની કંપનીઓને મદદ મળશે.
યુનિવર્સિટીઝ યુકે ઈન્ટરનેશનલના ડાયરેક્ટર વિવિઅન સ્ટર્ને કહ્યું હતું, ‘આ ભારતીય સંશોધકો અને યુકે યુનિવર્સિટીઝ માટે મહત્ત્વપૂર્ણ સમાચાર છે. બાયોમિકેનીક્સથી લઈને જેન્ડર પોલિટિક્સ સુધીના ક્ષેત્રમાં યુકેના અગ્રણી સંશોધકોમાંથી ઘણાં ભારતથી આવે છે. યુરોપની બહાર, યુકેમાં એકેડેમિક સ્ટાફ પૂરો પાડતો ત્રીજો વિશાળ દેશ ભારત છે.’ બ્રેક્ઝિટ પછી મહત્ત્વની અસરોમાં યુકેના રોજગાર બજારમાં ઈયુ નાગરિકોને મળતી પ્રાથમિકતાનો અંત આવશે તેમજ ઈયુ અને બિન-ઈયુ અરજદારોને એકસમાન મહત્ત્વ મળશે.