યુકેમાં ભારતના 75મા પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી

લંડનમાં ઇન્ડિયા હાઉસના પ્રાંગણમાં ધ્વજવંદન સમારોહ યોજાયો, બોલિવૂડના એક્ટર બોમન ઇરાની સહિત ડાયસ્પોરાના 300થી વધુ લોકો જોડાયાં

રૂપાંજના દત્તા Tuesday 30th January 2024 11:36 EST
 
 

લંડનમાં 26 જાન્યુઆરીના રોજ ભારતીય હાઇ કમિશન દ્વારા ભારતના 75મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરાઇ હતી. ઇન્ડિયા હાઉસના પ્રાંગણમાં ધ્વજવંદન સમારોહ યોજાયો જેમાં બોલિવૂડના એક્ટર બોમન ઇરાની સહિત ડાયસ્પોરાના 300થી વધુ લોકો જોડાયાં હતાં. યુકે સ્થિત ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીએ તિરંગો ફરકાવીને સલામી આપી હતી. તેમણે આ પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ દ્વારા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ અપાયેલા દેશજોગ સંદેશાના કેટલાક હિસ્સાનું પણ પઠન કર્યું હતું. આ પ્રસંગે ભારતીય ફિલ્મ અભિનેતા બોમન ઇરાની અને તેમની પત્ની ઝેનોબાઇ ઇરાની પણ હાજર રહ્યાં હતાં.

લંડન સ્થિત ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીએ આ પ્રસંગે સંબોધન કરતાં ભારતની વિકાસગાથાથી માંડીને તાજેતરમાં બ્રિટિશ વડાપ્રધાન રિશી સુનાકની ભારતમાં જી-20 બેઠકમાં હાજરી અને ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર તથા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની બ્રિટન મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો. નવી દિલ્હીમાં રિપબ્લિક ડે પરેડના કેટલાંક અંશોના નિદર્શન બાદ મુખ્ય અતિથિ એવા લોર્ડ ચાન્સેલર અને સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર જસ્ટિસ એલેક્સ ચાકે ભારતમાં તેમના શૈક્ષણિક કાર્યના અનુભવો વર્ણવ્યા હતા. એલેક્સ ચાકે જણાવ્યું હતું કે, પ્રજાસત્તાક તરીકે ભારતનું આગવું મહત્વ છે. પ્રજાસત્તાક દિવસ ભારતને મહાન બનાવતા તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને વૈવિધ્યતાની ઉજવણીનો દિવસ છે.

પ્રજાસત્તાક દિવસની સંધ્યાએ લંડનના ગિલ્ડ હોલ ખાતે ભવ્ય સમારોહ યોજાયો હતો જેમાં 600 જેટલાં ગણમાન્ય હસ્તીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં લોર્ડ્સ, સાંસદો, કાઉન્સિલરો તેમજ હરપ્રીત કૌર ચાંડી તેમજ બોલિવૂડ સ્ટાર બોમન ઇરાની પણ સામેલ હતાં. સમારોહમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરાયાં હતાં.

ફોટો સ્ટોરી

લંડનમાં ઇન્ડિયા હાઉસના પ્રાંગણમાં ધ્વજવંદન સમારોહ યોજાયો જેમાં યુકે સ્થિત ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીએ ધ્વજ વંદન કરાવ્યું હતું. પ્રજાસત્તાક દિનની સંધ્યાએ ગિલ્ડ હોલ ખાતે આયોજિત સમારોહમાં મુખ્ય અતિથિ લોર્ડ ચાન્સેલર અને સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર જસ્ટિસ એલેક્સ ચાક સહિત લોર્ડ્સ, સાંસદો, કાઉન્સિલરો તેમજ હરપ્રીત કૌર ચાંડી તેમજ બોલિવૂડ સ્ટાર બોમન ઇરાની પણ સામેલ હતાં. સમારોહમાં ગુજરાતી ગરબા સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરાયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter