યુકેમાં ભારતીય ડાયસ્પોરાનું અભૂતપૂર્વ યોગદાન

ભારત અને યુકે વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ મંત્રણાને યુકે બિઝનેસીસનો આવકાર

શેફાલી સક્સેના Wednesday 09th March 2022 03:47 EST
 
યુકેસ્થિત ભારતીય હાઇ કમીશનના ફર્સ્ટ સેક્રેટરી (ઇકોનોમિક) રોહિતભાઇ વઢવાણા, ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર સુજિત ઘોષ, ભારતીય હાઈ કમિશનર ગાયત્રી ઈસ્સાર કુમાર, FICCI ના અધ્યક્ષા બેરોનેસ ઉષા પ્રાશર CBE, ગ્રાન્ટ થોર્ન્ટન UK LLPના પાર્ટનર અને સાઉથ એશિયા ગ્રૂપના વડા અનુજ ચાંદે, FICCI (UK)ના ડિરેક્ટર પરમભાઇ શાહ અને ગ્રાન્ટ થોર્ન્ટન UK LLPના સાઉથ એશિયા ગ્રૂપના બિઝનેસ ડેવલપમેંટ હેડ ચંદ્રુ ઐયર.
 

લંડનઃ ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર (Free Trade Agreement-FTA) માટે મંત્રણાનો આગામી તબક્કો શરૂ થઈ રહ્યો છે ત્યારે અગ્રણી બિઝનેસ અને ફાઈનાન્સિયલ એડવાઈઝર ગ્રાન્ટ થોર્ન્ટન UK LLPના રિપોર્ટ અનુસાર યુકે બિઝનેસ અગ્રણીઓ ભારત સાથે ઊંડા વેપાર સંપર્કોના નિર્માણના વિચારથી ઉત્સાહિત છે.

ગ્રાન્ટ થોર્ન્ટનના ‘બિઝનેસ આઉટલૂક ટ્રેકર’ના તારણો મુજબ આશરે 32 ટકા યુકે બિઝનેસ લીડર્સ આગામી 6 મહિનામાં આંતરરાષ્ટ્રીય બજારોમાં વધુ ઈન્વેસ્ટમેન્ટ કરવા વિચારી રહ્યા છે અને 65 ટકાનું માનવું છે કે ભારત સાથે FTA ના પરિણામે તેમને આ બજારમાં વધુ તક શોધવાનું પ્રોત્સાહન મળશે.

ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI)ના સહયોગમાં 7 માર્ચે લોન્ચ કરાયેલા ‘ઈન્ડિયા ઈન ધ યુકેઃ ધ ડાયસ્પોરા ઈફેક્ટ’ની બીજી આવૃત્તિમાં યુકેમાં ભારતીય ડાયસ્પોરાના પ્રાધાન્યને દર્શાવવા ઉપરાંત, બિઝનેસ, આર્ટ્સ, સાયન્સ, સ્પોર્ટ્સ અને પોલિટિક્સ ક્ષેત્રોમાં બ્રિટિશ ભારતીયોની નવી પેઢી પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. રિપોર્ટમાં સ્થાપિત બિઝનેસીસ ચલાવતા તેમજ નવી સફળતા હાંસલ કરતા, એમ બંને પ્રકારના અગ્રણી ડાયસ્પોરા એન્ટ્રેપ્રીન્યોર્સના શ્રેણીબદ્ધ ઈન્ટરવ્યૂઝ સામેલ છે. ભારતીય ડાયસ્પોરા બિઝનેસીસ પ્રથમમાંથી બીજી પેઢીમાં કાર્યરત થયા છે ત્યારે તેમની સમક્ષ વારસાઈના આયોજનની સંકુલતા, સમાવેશિતા અને વૈવિધ્ય સબબે બદલાતાં પરિમાણો અને પડકારો પર રિપોર્ટમાં પ્રકાશ પડાયો છે.

ગ્રાન્ટ થોર્ન્ટન UK LLPના પાર્ટનર અને સાઉથ એશિયા ગ્રૂપના વડા અનુજ ચાંદે કહે છે કે, ‘યુકે માટે ભારત મહત્ત્વનું પાર્ટનર છે અને તેથી સંબંધો વધુ મજબૂત બનાવવા FTA સ્વાભાવિક પગલું છે. ભારત વિશ્વમાં સતત મહત્ત્વપૂર્ણ પરિબળ તરીકે ઉપસી રહ્યું છે અને યુકે ભારત સાથે તેના દીર્ઘકાલીન સંબંધોને મજબૂત બનાવવાની ઈચ્છા દર્શાવી રહ્યું છે ત્યારે ભારતીય ડાયસ્પોરા બંને દેશો વચ્ચે સંપર્કસેતુ તરીકે ટેકો આપવા તેમજ બંને દેશોના આર્થિક વિકાસમાં યોગદાન આપવાનું ચાલુ રાખવા બરાબર ગોઠવાયેલું છે. વર્તમાન પેઢીઓ-જનરેશન્સને ભારતમાં બ્રિટનના શ્રેષ્ઠ દૂત તરીકે ઓળખાવી શકાય અને તેઓ ભારતમાંથી યુકે માટે અને યુકેમાંથી ભારત માટે ઈન્વેસ્ટમેન્ટ આકર્ષવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.’

FICCI ના અધ્યક્ષા બેરોનેસ ઉષા પ્રાશર CBEએ જણાવ્યું હતું કે,‘ ભારતીય ડાયસ્પોરા ભારતને વિશ્વ સાથે સાંકળે છે. આપણા વિશાળ ડાયસ્પોરાના સભ્યો તેઓ જ્યાં કામ કરે છે અને વસે છે તે દેશો અને સમાજોમાં જે રીતે એકરસ થઈ ગયા છે તે જોઈને હૈયું ગદગદ થાય છે. દાયકાઓમાં બદલાતાં રાજકીય અને આર્થિક ચડાવઉતારની સામે પણ ભારત અને યુકે વચ્ચેના સંબંધો વિકસ્યા છે. આજે ભારતીય ડાયસ્પોરા યુકેમાં સૌથી મોટા માઈગ્રન્ટ સમુદાયોમાં એક છે. વિશ્વસ્તરે ભારતીય ડાયસ્પોરાનો યુવાન ઈનોવેશન અને નવતર ટેકનોલોજીઝમાં અનિવાર્ય ભૂમિકા ભજવે છે. આપણે ભારતમાં સ્થાનિક સમસ્યાઓ વિશે નવતર ઉપાયો શોધવામાં તેમને પ્રેરિત કરવાની જરૂર છે.’

યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર ગાયત્રી ઈસ્સાર કુમારે કહ્યું હતું કે,‘ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ‘જીવંતસેતુ’ તરીકે ઓળખાવે છે તે ભારતીય ડાયસ્પોરા ભારત અને યુનાઈટેડ કિંગ્ડમ વચ્ચે મજબૂત સંબંધોના ચાવીરુપ સ્થંભોમાં એક છે. અંદાજે 1.5 મિલિયનથી વધુના આ સમુદાયના એકેડેમિક્સ, સાહિત્ય, કળા. મેડિસિન્સ, સાયન્સ, ઈન્ડસ્ટ્રી, બિઝનેસ અને પોલિટિક્સ સહિતના દરેક પ્રવૃત્તિવર્તુળોમાં અભૂતપૂર્વ યોગદાનને કદર સાથે વ્યાપકપણે સ્વીકારાય છે.’

આ પ્રસંગે યુકેસ્થિત ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર સુજિત ઘોષ, યુકેસ્થિત ભારતીય હાઇ કમીશનના ફર્સ્ટ સેક્રેટરી (ઇકોનોમિક) રોહિતભાઇ વઢવાણા, FICCI (UK)ના ડિરેક્ટર પરમભાઇ શાહ, ગુજરાત સમાચાર-એશિયન વોઇસના એડિટર-ઇન-ચીફ સી. બી. પટેલ, SBI(UK)ના રીજનલ હેડ શ્રી શરદ ચાંડક સહિત અનેક ગણમાન્ય અતિથિગણ હાજર હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter