લંડનઃ યુકેમાં જી-૭ બેઠકમાં આગોતરી મંત્રણાઓ માટે ગયેલા ભારતીય પ્રતિનિધમંડળના બે સભ્ય બુધવાર, ૫મેએ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા ગભરાટ ફેલાયો હતો. જોકે, ભારતીય વિદેશપ્રધાન ડો.એસ. જયશંકર અને તમામ સભ્યો સેલ્ફ- આઈસોલેટ થઈ ગયા હતા અને બેઠકોમાં વર્ચ્યુઅલ હાજરી આપી હતી.
બીજી તરફ, રુબરુ બેઠક બોલાવવી ભૂલ હતી તેવા પ્રશ્નનો ઉત્તર આપતા વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કહ્યું હતું કે સરકાર તરીકે તમે જેટલો વહીવટ કરવાનું ચાલુ રાખો તે યોગ્ય અને મહત્ત્વપૂર્ણ ગણાશે. વડા પ્રધાન જ્હોન્સને જણાવ્યું હતું કે ભારત અને અમારા જી-૭ પાર્ટનર્સ સાથે ઘણા મહત્ત્વપૂર્ણ સંબંધો રહ્યા છે. તેમણે વિદેશ પ્રધાન ડો.જયશંકર સાથે ઝૂમ મારફત બેઠક યોજી હતી. ભારત જી-૭નું સભ્ય નથી પરંતુ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ કોરિયા સાથે તેને બેઠકમાં હાજરી આપવા આમંત્રિત દેશ તરીકેનું સ્થાન અપાયું છે. બે વર્ષ પછી આવી રુબરુ બેઠક યોજાઈ રહી છે.
બ્રિટન દ્વારા જૂન મહિનાની જી-૭ બેઠક અગાઉ ડિપ્લોમસીના ભાગરુપે ત્રણ દિવસની વિદેશ પ્રધાનોની ‘કોવિડ- સિક્યોર ટોક’ બેઠક યોજાઈ હતી. ગત મંગળવાર અને બુધવારે ભારતના વિદેશપ્રધાન ડો. એસ.જયશંકર અને તેમની ટીમ આ બેઠકોમાં હાજરી આપવાના હતા. પરંતુ, બે સભ્યો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા સાવચેતીના પગલાંરુપે બધા સભ્યો સેલ્ફ-આઈસોલેટ થયા હતા અને બેઠકોમાં વર્ચ્યુઅલ હાજરી આપી હતી. ભારતીય પ્રતિનિધિમંડળે લેન્કેસ્ટર હાઉસમાં યોજાયેલી મુખ્ય બેઠકમાં રુબરુ હાજરી આપી ન હતી પરંતુ, હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ અને ડો. જયશંકર વચ્ચે બેઠકમાં યુકે-ઈન્ડિયા માઈગ્રેશન એગ્રીમનેન્ટ પર સહીસિક્કા કરાયા હતા.
ભા૪રતીય પ્રતિનિધિમંડળને યુકેના ક્વોરેન્ટાઈન નિયમોમાંથી રાજદ્વારી મુક્તિ અપાઈ હતી પરંતુ, પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના ટેસ્ટિંગ કાર્યક્રમ હેઠળ પ્રતિનિધિમંડળના સભ્યોના PCR ટેસ્ટ કરાયા હતા. બે સભ્યો પોઝિટિવ આવતા સમગ્ર પ્રતિનિધિમંડળે ૧૦ દિવસના સેલ્ફ આઈસોલેશનનો નિર્ણય લીધો હતો.