લંડનઃ ભારત અને યુકે વચ્ચેના મુક્ત વેપાર કરાર પર જુલાઇના અંત સુધીમાં હસ્તાક્ષર થવાની સંભાવના છે ત્યારે ગ્રાન્ટ થોર્નટનના એક અહેવાલ અનુસાર યુકેમાં ભારતીય માલિકીની કંપનીઓની સંખ્યા 1000ને પાર કરી 1197 પર પહોંચી ગઇ છે. જે છેલ્લા એક વર્ષમાં 23 ટકાનો વધારો દર્શાવે છે. 2024માં આ સમયે ભારતીય માલિકીની કંપનીઓની સંખ્યા 971 હતી. આમ પહેલીવાર યુકેમાં ભારતીય માલિકીની કંપનીઓની સંખ્યા 1000ને પાર કરી ગઇ છે.
ગ્રાન્ટ થોર્નટન ખાતે સાઉથ એશિયા બિઝનેસ ગ્રુપના વડા અનુજ ચંદેએ જણાવ્યું છે કે આ આંકડો એ વાતનો સાક્ષી છે કે ભારત અને યુકે વચ્ચે કેવા ગાઢ ઐતિહાસિક સંબંધો છે. આ દર્શાવે છે કે ભારત યુકેને મહત્વનું ઇન્વેસ્ટમેન્ટ હબ ગણે છે જ્યાં ભારતીય કંપનીઓ વિકાસ સાધી શકે છે.
યુકેમાં ભારતીય માલિકીની કંપનીઓની વિકાસગાથા
- 1197માંથી 74 કંપનીઓનો રેવન્યૂ ગ્રોથ ઓછામાં ઓછો 10 ટકા, સરેરાશ રેવન્યૂ ગ્રોથ 42 ટકા
- 2024માં સંયુક્ત ટર્ન ઓવર 32.6 બિલિયન પાઉન્ડ
- 2024માં ચૂકવેલો કોર્પોરેશન ટેક્સ 73.6 મિલિયન પાઉન્ડ
- 2024માં ભારતીય કંપનીઓમાં કામ કરતા કર્મચારી 68,413
- 250 મિલિયન પાઉન્ડ કરતાં વધુનું ટર્ન ઓવર ધરાવતી કંપનીની સંખ્યા 02
- 5 મિલિયનથી 25 મિલિયન પાઉન્ડ ટર્નઓવર ધરાવતી કંપનીની સંખ્યા 33
- 25 મિલિયનથી 250 મિલિયન પાઉન્ડ ટર્નઓવર ધરાવતી કંપનીની સંખ્યા 39