લંડનઃ યુકેમાં અભ્યાસ કરવા આવતા ચીન અને અન્ય દેશોના વિદ્યાર્થીઓની સરખામણીએ ભારતીયોની સંખ્યા ખૂબ ઓછી હોવાં વિશે સાંસદ કિથ વાઝે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ બાબત ભારતથી આવતા વિદ્યાર્થીઓ માટે યુકેની ઈમિગ્રેશન પોલિસી વિશે શંકા ઉભી કરે છે.
યુકેમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું રોકાણ હંગામી હોવા છતાં માઈગ્રેશનના તમામ આંકડામાં તેમની ગણતરી થાય છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતીય વિદ્યાર્થીઓ યુકેના શિક્ષણ ક્ષેત્રનો મહત્ત્વનો હિસ્સો છે. વિશ્વમાં યુકેની યુનિવર્સિટીઓ શ્રેષ્ઠ ગણાય છે તેથી તે તેજસ્વી વિદ્યાર્થીઓને આકર્ષે તેવું હોવું જોઈએ. તેથી થોડા વિદ્યાર્થીઓ જ યુકેમાં અભ્યાસ કરવા આવે તે આઘાતજનક છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે યુકે સરકાર તેની નોંધ લેશે અને તેની ઈમીગ્રેશન અને હાયર એજ્યુકેશન પોલિસીમાં સુધારા કરશે.
૨૦૧૭-૧૮માં યુકેમાં ભારતના ૧૨,૫૦૦ વિદ્યાર્થીઓએ અભ્યાસ શરૂ કર્યો હતો. તે વર્ષે ઈયુના ૬૨,૦૦૦ અને માત્ર ચીનના જ ૭૬,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસાર્થે આવ્યા હોવાનું યુકે હાયર એજ્યુકેશન સ્ટેટિસ્ટિક્સ ઓથોરિટીના અહેવાલમાં જણાવાયું હતું.


