લંડનઃ યુકેમાં કામ કરતી ભારતીયોની માલિકીની કંપનીઓની સંખ્યા આ વર્ષે 954ની ટોચની સપાટી પર પહોંચી ગઇ છે. ઇન્ડિયા મીટ્સ બ્રિટન ટ્રેકર 2023ના જણાવ્યા અનુસાર બ્રિટનમાં સંચાલિત ભારતીયોની માલિકીની કંપનીઓનું ટર્ન ઓવર 2023માં 50 બિલિયન પાઉન્ડને પાર કરી ગયું છે. 2014માં ભારતીયોની માલિકીની કંપનીઓનું ટર્ન ઓવર 19 બિલિયન પાઉન્ડ હતું.
ભારતના યુકે ખાતેના હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, બ્રિટનમાં ભારતીયોની માલિકીની આટલી મોટી સંખ્યામાં કંપનીઓ કામ કરતી હશે તેની કોઇને ખબર નહીં હોય. આપણે બંને અર્થતંત્રો વચ્ચે સમન્વય સાધીએ તેવી આ તક છે જેમાં ભારતીય કંપનીઓ અહીં આવીને મળતી છૂટછાટોનો ઉપયોગ કરી ફિનિશ્ડ પ્રોડક્ટ ભારતમાં પરત મોકલી શકે છે. દોરાઇસ્વામીએ ભારતમાં બ્રિટિશ કંપનીઓને અપાતી છૂટછાટનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીની અસરના કારણે કંપનીઓ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે તેવી સ્થિતિમાં પણ છેલ્લા 12 મહિનામાં યુકેમાં કામ કરતી ભારતીયોની માલિકીની કંપનીઓની સંખ્યા અત્યારસુધીની ટોચ પર રહી છે.
સાઉથ એશિયા બિઝનેસ ગ્રુપ ગ્રાન્ટ થોર્નટન યુકેના હેડ અનુજ ચંદેએ જણાવ્યું હતું કે, ગયા વર્ષની સરખામણીમાં ભારતીયોની માલિકીની કંપનીઓમાં વધારો નોંધપાત્ર છે. યુકેમાં ભારતીયોની કંપનીઓમાં વધારો બંનેદેશ વચ્ચેના ગાઢ સંબંધ દર્શાવે છે. ભારત અને યુકે વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર બમણો થયો છે. 2013માં બંને દેશ વચ્ચેનો વેપાર 16.4 બિલિયન પાઉન્ડ હતો જે 2022માં 35.9 બિલિયન પાઉન્ડ પર પહોંચી ગયો છે.


