લંડન
ભારતની મુલાકાતે પહોંચેલા બ્રિટિશ વિદેશમંત્રી જેમ્સ ક્લેવરલીએ જણાવ્યું હતું કે, ભારતીયો પર થતા હુમલા પર યુકેની પોલીસ અને સિક્યુરિટી સેવાઓ ચાંપતી નજર રાખી રહી છે. યુકે સરકાર કોઇપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે પગલાં લેવા પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે, અમે લોકોની સુરક્ષાને ગંભીરતાથી લઇએ છીએ. ભારતીયોને હંમેશા યુકેમાં આવકાર અપાયો છે.
યુકેમાં ખાલિસ્તાન તરફી સંગઠનો દ્વારા અવારનવાર લંડનમાં ભારતીય હાઇકમિશન સામે હિંસક દેખાવો કરવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં જ 18મી ફેબ્રુઆરીના રોજ ખાલિસ્તાની સંગઠનો દ્વારા હાઇકમિશન સામે ખાલિસ્તાન તરફી અને ભારત વિરોધી નારાબાજી કરાઇ હતી.
ક્લેવરલીએ જણાવ્યું હતું કે, અમે ભારતીયો સાથેના સંપર્કને વધારી રહ્યાં છીએ. અમે ભવિષ્યમાં બંને દેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનાવવા માગીએ છીએ. ભારત અને યુકે વચ્ચે પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર પર તેમણે જણાવ્યું હતું કે, યુકે ભારત સાથે મોટાપાયા પર વેપાર કરી રહ્યો છે અને તેના પર વ્યાપક કામગીરી ચાલી રહી છે. બંને દેશ વચ્ચે મુક્ત વેપાર કરાર થાય અને તેના દ્વારા બંને દેશને લાભ થાય તે માટે હું ભારતના વાણિજ્ય મંત્રી સાથે મુલાકાત કરવાનો છું.
ભારત માટેની યુકેના વડાપ્રધાન રિશી સુનાકની પ્રાથમિકતાઓનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, સુનાકે યંગ પ્રોફેશનલ સ્કીનો પ્રારંભ કર્યો છે જેનો 3000 ભારતીય યુવા સ્નાતકોને લાભ મળશે.


