યુકેમાં મહામારીના ચાર વર્ષ અગાઉ PPEનો સંગ્રહ કરવાની ચેતવણી

Wednesday 13th October 2021 07:38 EDT
 
 

લંડનઃ વિશ્વમાં કોરોના વાઈરસ મહામારી ફેલાઈ તેના ચાર વર્ષ અગાઉ ૨૦૧૬માં જ એક વોર ગેમમાં હેલ્થ સત્તાવાળાઓએ સરકારને PPEનો સંગ્રહ કરી રાખવા તેમજ કોમ્પ્યુટરાઈઝ્ડ કોન્ટેક્ટ ટ્રેસિંગ સિસ્ટમ સ્થાપવા તેમજ વિદેશી પ્રવાસીઓ માટે સ્ક્રીનિંગની જરૂરિયાત બાબતે ચેતવણી આપી હતી. જાહેર નહિ કરાયેલા ૨૩ પાનાના રિપોર્ટથી મહામારી સામે લડવા યુકેની અપૂરતી તૈયારી મુદ્દે નવા પ્રશ્નો ઉભા થયા છે.

હેલ્થ વિભાગ દ્વારા ફેબ્રુઆરી ૨૦૧૬ તત્કાલીન ચીફ મેડિકલ ઓફિસર ડેમ સોલી ડેવિસ તેમજ NHS ઈંગ્લેન્ડ, પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડને સાથે રાખી હેલ્થ પ્લાનિંગ કવાયત ‘Exercise Alice’ હાથ ધરાઈ હતી. આ કવાયતમાં મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (MERS-CoV)ના કેસ લંડન અને બર્મિંગહામમાં આવ્યાની અને મોટા પાયે રોગચાળા તરીકે ફેલાવાની કલ્પના કરાઈ હતી. કોવિડની માફક MERSથી શ્વસનતંત્રની જીવલેણ બીમારી ફેલાય છે જેની કોઈ સારવાર કે વેક્સિન નથી.

સરકારના મિનિસ્ટર્સે મહામારીના આયોજનમાં ફ્લુ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાથી PPE, હોસ્પિટલ્સ અને કેર હોમ્સની મોટા પાયે જરૂરિયાતો સર્જાઈ તેના પર ભાર મૂક્યો ન હતો. સરકારે રિપોર્ટ જાહેર કર્યો ન  હતો પરંતુ, ફ્રીડમ ઓફ ઈન્ફોર્મેશન કાયદા હેઠળ આ ફાઈલ જાહેર કરવાની ફરજ પડી છે. ‘Exercise Alice’ ના રિપોર્ટની ભલામણોથી વિપરીત સંગ્રહ ન કરાવાથી કોવિડ મહામારીના પ્રારંભિક સપ્તાહોમાં PPEની ભારે તંગી સર્જાઈ હતી. સરકારે ચીન અને ઈટાલી જેવાં કોવિડ હોટસ્પોટ્સમાંથી લોકોને કોઈ પણ તપાસ કે ચકાસણી વિના જ યુકેમાં આવવાની છૂટછાટ આપી હતી. સરકારે પ્રથમ લોકડાઉનના બે મહિના પછી ૨૮ મે, ૨૦૨૦ના દિવસથી NHS ટેસ્ટ એન્ડ ટ્રેસ સર્વિસ શરૂ કરી હતી. સરકારની અપૂરતી તૈયારીના કારણે અત્યાર સુધી કોવિડથી ૧૩૭,૪૧૭થી વધુ લોકોએ જાન ગુમાવ્યા છે. કોરોના વાઈરસમાં સરકારની તૈયારી મુદ્દે સ્પ્રિંગ ૨૦૨૨થી સંપૂર્ણ વૈધાનિક સ્વતંત્ર ઈન્ક્વાયરી હાથ ધરવાની જાહેરાત કરી દેવાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter