લંડનઃ યુકેમાં જે વિદેશી વિદ્યાર્થી તેમની ડિગ્રી મેળવવામાં નિષ્ફળ જશે તેમને વિઝા આપવાનો ઇનકાર થઇ શકે છે. હોમ ઓફિસના સલાહકારોએ રજૂ કરેલા પ્રસ્તાવ અનુસાર યુકેમાં રહેવા માટે ગ્રેજ્યુએટે ચોક્કસ ગ્રેડ સાથે ડિગ્રી હાંસલ કરવી પડશે. હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલીએ માઇગ્રેશન એડવાઇઝરી કમિટીને અભ્યાસ પૂરો કર્યા પછી અંદાજિત એક લાખ વિદ્યાર્થીઓ દ્વારા અપનાવાતા રૂટની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે.
કમિટીના ચેરમેન પ્રોફેસર બ્રાયન બેલે જણાવ્યું હતું કે, અત્યારે ગ્રેજ્યુએટ માટે કોઇ ચોક્કસ નિયમ નથી. તેઓ યુકેમાં આવીને તેમનો અભ્યાસ પૂરો કરી શકે છે. તે ઉપરાંત તેમના માટે અભ્યાસક્રમમાં ચોક્કસ ગ્રેડ મેળવવાની પણ કોઇ જોગવાઇ નથી. તેથી અમે આ રૂટની સમીક્ષા કરવા માગીએ છીએ. તેમણે ચોક્કસ ગ્રેડ અથવા તો ચોક્કસ સિદ્ધી મેળવવી જોઇએ કે નહીં તે અંગેના નિયમ પર સમીક્ષા ચાલી રહી છે.

