યુકેમાં રોજગારીનો વિક્રમઃ કામ કરતા લોકો ૩૨.૭ મિલિયન

Wednesday 17th April 2019 03:01 EDT
 
 

લંડનઃ યુકેમાં કામ કરતા લોકોની સંખ્યા વિક્રમજનક વધીને કુલ ૩૨.૭ મિલિયન થઈ છે, જે ૧૯૭૧માં રેકોર્ડ રાખવાની શરૂઆત થઈ તે પછી સૌથી વધુ છે. ફેબ્રુઆરી ૨૦૧૯ સુધીના ત્રણ મહિનામાં રોજગારીમાં ૧૭૯,૦૦૦નો વધારો થયો છે. ગત વર્ષ દરમિયાન, પૂર્ણકાલીન તેમજ સ્વરોજગારી કામદારોમાં ૪૫૭,૦૦૦નો વધારો જોવાં મળ્યો હતો. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ અનુસાર પાર્ટ-ટાઈમ નોકરી કરતા લોકોની સંખ્યામાં ૧૫,૦૦૦નો ઘટાડો નોંધાયો છે.

૨૦૧૨ના આરંભથી થયેલો ટ્રેન્ડ આગળ વધવા સાથે બેરોજગારોની સંખ્યા ૨૭,૦૦૦ ઘટીને ૧.૩૪ મિલિયન થઈ છે. યુકેનો બેરોજગારી દર હવે ૩.૯ ટકા છે, જે ૧૯૭૫ના અંત પછી સૌથી નીચો છે. બીજી તરફ, ફેબ્રુઆરી સુધીના એક વર્ષમાં સરેરાશ કમાણીમાં ૩.૫ ટકાનો વધારો છે. ગયા મહિનાની સરખામણીએ ફેરફાર નથી પરંતુ, ફૂગાવાથી તો આગળ જ છે. ગત ત્રિમાસિક ગાળામાં આર્થિક રીતે નિષ્ક્રિય લોકોની સંખ્યા ૧૧૪,૦૦૦ ઘટીને ૮.૫૩ મિલિયન થઈ છે, જે ૨૧ ટકાથી થોડી જ ઓછી છે. ખાલી રહેલી જગાની સંખ્યા ૮૫૨,૦૦૦ યથાવત રહી છે.

મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર એમ્પ્લોયમેન્ટ આલોક શર્માના જણાવ્યા અનુસાર યુકેનું જોબ માર્કેટ વધુ મજબૂત થઈ રહ્યું છે, જે દેશના અર્થતંત્રની સ્થિતિસ્થાપકતા દર્શાવે છે. સૌથી વધુ સંખ્યામાં લોકો કામ કરી રહ્યાં છે ત્યારે વેતન પણ ઝડપી ગતિએ વધી રહ્યાં છે તે આનંદના સમાચાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter