લંડનઃ ઈમિગ્રેશન નિયંત્રણો ઉઠાવી લેવાયાના ત્રણ વર્ષ પછી બ્રિટનમાં રહેનારા રોમાનિયન અને બલ્ગેરિયન્સની સંખ્યા બમણાંથી પણ વધી છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડા મુજબ ડિસેમ્બર ૨૦૧૬ના અંતે રોમાનિયા અને બલ્ગેરિયાના આશરે ૪૧૩,૦૦૦ નાગરિક યુકેમાં રહે છે અને ૨૦૧૩ના અંતે આ સંખ્યા ૧૮૬,૦૦૦ની હતી. આ બે દેશો પરના ઈમિગ્રેશન નિયંત્રણો જાન્યુઆરી ૨૦૧૪થી ઉઠાવી લેવાયાં અને મુક્તપણ કામ કરવાનો અધિકાર અપાયો ત્યાર પછી તેમની સંખ્યામાં ૨૨૭,૦૦૦નો વધારો થયો છે.
જોકે, આનાથી વિપરીત, માત્ર ૬,૨૦૦ બ્રિટિશ નાગરિકોએ જ આ બે દેશમાં સ્થળાંતર કરવાનું પસંદ કર્યું છે. આ આંકડાઓ તાજેતરના વર્ષોમાં બ્રિટન પર લદાયેલા ઈયુના મુક્ત અવરજવરના નિયમોથી ઊંચા પ્રમાણમાં ઈમિગ્રેશન સ્તર સૂચવે છે. જાન્યુઆરી ૨૦૧૪ અગાઉ, રોમાનિયા અને બલ્ગેરિયાના નાગરિકો પર બ્રિટનમાં રહેવા અને કામ કરવાના અધિકારો પર અંકુશ હતા. અંકુશો અન્વયે તેમના રોકાણના પ્રથમ ૧૨ મહિનામાં તેમણે એસેશન વર્કર કાર્ડ મેળવવું પડતું હતું અથવા ઓછી કુશળતાના ક્વોટાની બે સ્કીમ્સમાંથી એક માટે અરજી કરવાની રહેતી હતી. આ પછી, તેઓ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ માટે અરજી કરી શકતા હતા જેનાથી યુકેમાં રહેવાના અધિકારનો પુરાવો મળતો હતો. જાન્યુઆરી ૨૦૧૪થી આ નિયંત્રણો ઉઠાવી લેવાયાં પછી તેમની સંખ્યા આભને આંબી ગઈ છે.
યુકેમાં રહેતા આ બે દેશના નાગરિકોના ૮૧ ટકામાંથી એટલે કે ૨૧૧,૨૦૦થી વધુ લોકો તો ૧૬થી ૬૪ વર્ષની વર્કિંગ એજના છે, જેઓ બાંધકામ, હોટેલ્સ, રેસ્ટોરાં, જાહેર વહીવટ, આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રે કામકાજ કરે છે, જ્યારે ૧૧,૫૦૦ નોકરી વિનાના, ૧૨,૬૦૦ વિદ્યાર્થી અને ૩૨,૧૦૦ લોકો આર્થિક રીતે નિષ્ક્રિય છે.