લંડનઃ વિશ્વમાં સૌથી ધનિકવર્ગની ટકાવારી માત્ર એક ટકો છે. દરેકને તેમાં સ્થાન હાંસલ કરવું અવશ્ય ગમે. ધનિકોની યાદીમાં સ્થાન મેળવવા તમારી પાસે કેટલી અંગત સંપત્તિ હોવી જોઈએ તેની ગણતરી ધ નાઈટ ફ્રાન્ક વેલ્થ રિપોર્ટમાં કરવામાં આવી છે. દરેક દેશ માટે આ પ્રમાણ અલગ અલગ છે. રિપોર્ટ અનુસાર યુકેના એક ટકા ધનિકવર્ગમાં સ્થાન મેળવવા વ્યક્તિ પાસે ઓછામાં ઓછી આશરે ૧.૪ મિલિયન પાઉન્ડની સંપત્તિ (નેટ વેલ્થ) હોવી જરુરી છે. વિશ્વમાં ધનિકોની યાદીમાં યુકેનું ૧૧મું સ્થાન છે. મોનાકો માટે ધનિક ક્લબમાં પ્રવેશ મેળવવા ૧.૪ મિલિયન પાઉન્ડની સંપત્તિ જરુરી છે. તમારી પાસે ૪૪ લાખ રૂપિયાની ચોખ્ખી સંપત્તિ હોય તો ભારતના એક ટકા ધનિકવર્ગમાં ચોક્કસપણે સ્થાન મેળવી શકો છો.
આંતરરાષ્ટ્રીય પ્રોપર્ટી કન્સલ્ટન્સી ફર્મ નાઈટ ફ્રાન્કના ‘ધ વેલ્થ રિપોર્ટ ૨૦૨૧’માં વિવિધ દેશના સૌથી અમીર લોકોનું કટઑફ જાહેર કરાયું છે. યુએસ, સ્વિટ્ઝર્લેન્ડ અને મોનાકો પછી યુકેનો ક્રમ આવે છે. મોનાકોમાં રહેવાસીઓએ ઈન્કમ ટેક્સ ભરવાનો ન હોવાથી વિશ્વના રિચ લિસ્ટમાં તેઓ મોખરે રહે છે. દરમિયાન, બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર વિશ્વના સૌથી વધુ ૫૦૦ ધનિકોએ તેમની સંપત્તિમાં ૧.૨૮ ટ્રિલિયન પાઉન્ડનો ઉમેરો કર્યો છે.
જો તમારી નેટવેલ્થ (કુલ એસેટ માઈનસ લાયેબિલિટી) ૪૪ લાખ રુપિયા છે તો તમે પણ ભારતના ૧ ટકા ધનિકોમાં સ્થાન મેળવવાના હકદાર છો. આ રિપોર્ટ પ્રમાણે ઈન્ડોનેશિયા અને ફિલિપાઈન્સમાં પણ ૧ ટકા સૌથી અમીરોની ક્લબમાં સામેલ થવા માટે ભારતની જેમ જ રુપિયા ૪૪ લાખની સંપત્તિનો માપદંડ રખાયો છે, પરંતુ ભારતમાં વ્યક્તિગત સર્વોચ્ચ નેટવર્થ ધરાવનારાઓની સંખ્યા ઈન્ડોનેશિયાથી ૧૦ ગણી અને ફિલિપાઈન્સથી ૧૪ ગણી વધુ છે. નાઈટ ફ્રાન્ક ઈન્ડિયાના અનુમાન પ્રમાણે, ભારતમાં ૧ ટકા સૌથી અમીર ક્લબમાં સામેલ થવાની મર્યાદા આગામી પાંચ વર્ષમાં બમણી થઈ જશે.
નાઈટ ફ્રાન્ક રિપોર્ટ મુજબ લંડનમાં ૮૭૪,૩૫૪ લોકો પાસે પ્રોપર્ટી સહિતની સંપત્તિ છે જેનું મૂલ્ય ૭૨૦,૦૦૦ પાઉન્ડથી વધારે હોય. આના કારણે તેઓ હાઈ નેટવર્થ ઈન્ડિવિડ્યુઅલ્સ (HNWI) વર્ગમાં આવે છે. આની સામે ન્યૂ યોર્કમાં ૮૨૦,૦૦૦ HNWI છે. આનો અર્થ એ છે કે લંડનમાં રહેતી ૧૦માંથી એક વ્યક્તિ હવે ડોલર મિલિયોનેર્સ છે.
ભારતમાં અતિ ધનવાનો ૬૩ ટકા વધશે
આ રિપોર્ટ પ્રમાણે, દુનિયામાં હાલ ૧૯૦,૦૮૫ લોકો અતિ ધનવાન અથવા તો અલ્ટ્રા હાઈ નેટવર્થ ઈન્ડિવિડ્યુઅલ છે જેમાં, ભારતના ૬,૮૮૪ અતિ ધનવાન લોકો પણ સામેલ છે. વિશ્વના અતિ ધનવાનોની સંખ્યા ૨૦૨૦-૨૫ના ગાળામાં ૨૭ ટકા વધીને ૬૬૩,૪૮૩ થવાની સંભાવના છે. બીજી તરફ, ભારતમાં અતિ ધનવાનોની સંખ્યા આગામી પાંચ વર્ષમાં ૬૩ ટકા વધીને ૨૦૨૫માં ૧૧,૧૯૮ થવાનું અનુમાન છે.