યુકેમાં વર્ષ 2025 વિક્રમજનક સૂર્યપ્રકાશનું વર્ષ રહ્યું

વસંત ઋતુ સૌથી વધુ ગરમ અને સૂકી રહી

Tuesday 30th December 2025 09:12 EST
 
 

લંડનઃ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 2025નું વર્ષ યુકેમાં સૌથી વધુ સૂર્યપ્રકાશનું વર્ષ રહ્યું હતું. 1910માં રેકોર્ડ રાખવાનું શરૂ કરાયા બાદ આ પહેલું એવું વર્ષ છે જેમાં યુકેમાં સૌથી વધુ સૂર્યપ્રકાશ રહ્યો હતો. વર્ષ 2025માં યુકેમાં 1622 કલાક સૂર્યપ્રકાશ રહ્યો હતો. જે વર્ષ 2003ના અગાઉના રેકોર્ડ કરતાં વધુ છે. આ વર્ષે ફેબ્રુઆરી અને ઓક્ટોબરને બાદ કરતાં દેશમાં સૂર્યપ્રકાશ સરેરાશ કલાકો કરતાં વધુ રહ્યો હતો.

યુકેમાં આ વખતની વસંત ઋતુમાં ન કેવળ સૂર્યપ્રકાશ વધુ રહ્યો પરંતુ તાપમાન પણ ઊંચુ રહ્યું હતું. મહત્વની વાત એ છે કે આ વર્ષની વસંત ઋતુમાં છેલ્લા 50 વર્ષનો સૌથી ઓછો વરસાદ નોંધાયો હતો.

સૂર્યપ્રકાશના મામલામાં આમ તો સમગ્ર યુકેમાં સરેરાશ કરતાં વધુ કલાકો સૂર્યપ્રકાશ મળ્યો પરંતુ પ્રાદેશિક તફાવત પણ ઊંચો રહ્યો હતો. ઇંગ્લેન્ડમાં સૌથી વધુ સૂર્યપ્રકાશ રહ્યો જ્યારે સ્કોટલેન્ડમાં બીજા ક્રમનું સૌથી વધુ અને વેલ્સમાં છઠ્ઠા ક્રમનું સૌથી વધુ સૂર્યપ્રકાશ ધરાવતું વર્ષ રહ્યું હતું. પૂર્વ ઇંગ્લેન્ડ અને ઉત્તર સ્કોટલેન્ડમાં સૌથી વધુ સૂર્યપ્રકાશ રહ્યો હતો.

યુકેમાં 300 મેટ ઓફિસ ખાતે સૂર્યપ્રકાશના કલાકોની માપણી કરાય છે. તેમાં કેમ્પબેલ સ્ટોક્સ સનસાઇન રેકોર્ડર અથવા તો મોડર્ન સનસાઇન ડ્યુરેશન ડિક્ટેક્ટર નામના સાધનો વપરાય છે.

વર્ષ 2025માં યુકેમાં 309 ભૂકંપના આંચકા અનુભવાયા

વર્ષ 2025માં યુકેમાં 300 કરતાં વધુ ભૂકંપના આંચકા નોંધાયા હતા. બ્રિટિશ જિયોલોજિકલ સરવેના જણાવ્યા અનુસાર 3.7 અને 3.6ની સૌથી વધુ તીવ્રતા ધરાવતા ભૂકંપના બે આંચકા 20 ઓક્ટોબરના રોજ સ્કોટલેન્ડના પર્થ એન્ડ કિનરોસમાં નોંધાયા હતા. 18 ડિસેમ્બર 2025 સુધીમાં સમગ્ર યુકેમાં 309 આંચકા નોંધાયા હતા. વર્ષ દરમિયાન સ્કોટલેન્ડ, વેલ્સના દક્ષિણી વિસ્તારો, ઇંગ્લેન્ડના યોર્કશાયર અને લેન્કેશાયરમાં સૌથી વધુ સિસ્મિક ગતિવિધિ જોવા મળી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter