લંડનઃ સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે,‘અન્ય તમામ દેવી-દેવતાઓને ભૂલી જાઓ અને એક માત્ર ‘ભારત માતા’ની જ સેવા કરો!’ આમાંથી પ્રેરણા લઈને યુકેમાં વસતા ભારતીયોની એકતા માટે નવા વંદે માતરમ ગ્રૂપનો આરંભ શુક્રવારે કરવામાં આવ્યો હતો. ગ્રૂપનું ધ્યેય આપણે સહુ બહુલ ભાષાઓ અને આસ્થાઓને આવરી લેતી સંવાદી સંસ્કૃતિઓનાં અનોખા સમન્વય ભારતના સમૃદ્ધ વારસાનો હિસ્સો છીએ તેનું સ્મરણ કરાવવાનો છે.
આ કાર્યક્રમ અસ્મા સુતરવાલા, કાલિન્દી ચંદેરિયા અને ભારતી સેઠીઆના મૌલિક વિચારનું પરિણામ હતો. મહાત્મા ગાંધી પુરાણા ચર્ચની ઈમારતમાં પ્રાર્થના કરતા હતા તે સ્થળ ભવન્સમાં તેનું લોન્ચિંગ કરાયું તે સર્વથા ઉચિત હતું. કેટલાંક રમૂજપૂર્ણ મનોરંજન, પાર્વતી નાયર, આરતી ભંડારી અને શિવાની સેઠીઆ દ્વારા ઉત્કૃષ્ટ નૃત્યોની રજૂઆતો પછી લેડી બાગરી અને ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ના પ્રકાશક/તંત્રી સી. બી. પટેલના હસ્તે દીપપ્રાગટ્ય સાથે સાંજના કાર્યક્રમનો આરંભ થયો હતો.
આ કાર્યક્રમનો સિતારો તો છ વર્ષનો ઈશ્વર વિશ્વનાથ બની રહ્યો હતો. જેણે ભગવદ ગીતા અને ઉપનિષદોમાંથી વૈશ્વિક શાંતિ અને બંધુત્વ સંબંધિત શ્લોકો ગાયા હતા. અસ્મા સુતરવાલાએ પણ કુરાનમાંથી સુંદર અંશો ગાયાં હતાં. આ પછી, ઈકબાલ અને પ્રદીપજી જેવા મહાન કવિઓના દેશભક્તિના લોકપ્રિય અને હૃદયસ્પર્શી ગીતોનાં અદ્ભૂત સંમિશ્રણ થકી તમામ ઉપસ્થિતોને ભારતનો મનોપ્રવાસ કરાવાયો હતો. ભારતી સેઠીઆ દ્વારા ગીતગાનને પ્રતિભાવંત સંગીતકારો અને ઉત્સાહી ગાયકવૃંદનો સાથ મળ્યો હતો. પ્રેક્ષકગણે પણ એકસાથે ભારતીય ધ્વજો લહેરાવી હૃદયપૂર્વક ગીતગાનમાં સૂર પુરાવ્યો હતો. મંચ પર નાના ‘શુભપ્રતીક’ ઈશ્વર, સોફી અને જાસ્મીનની ઉપસ્થિતિએ આ દૃશ્યમાં વધુ મીઠાશ ઉમેરી હતી. આધુનિક ભારતમાં ગુજરાતના નોંધપાત્ર પ્રદાનને બિરદાવતી અને ભારતી સેઠીઆ દ્વારા સ્વરનિયોજિત અલગ પંક્તિઓ ‘આઓ બચ્ચોં તુમ્હે દિખાયેં’ ગીતમાં ઉમેરવામાં આવી હતી, જેને તાળીઓથી વધાવી લેવાઈ હતી.
આ ગીતગાનથી સ્મરણયાત્રા, ગૌરવ અને પ્રેરણા અનુભવનારાં લલિતા અહમદ ચેટરજી સહિત વિશેષ મહાનુભાવો દ્વારા હૃદયસ્પર્શી પ્રવચનો કરવામાં આવ્યા હતા.
મુખ્ય મહેમાન સી.બી. પટેલે ભાગ લેનારાઓને નાના બીજમાંથી વટવૃક્ષ વિકસે છે તે યાદ રાખવાની શીખામણ આપતા કહ્યું હતું કે વંદે માતરમ ગ્રૂપની સ્થાપના પાછળના આદર્શોને સંપૂર્ણપણે સમજી તમામ કોમ્યુનિટી સેન્ટર્સ, સ્કૂલ્સ અને સંસ્કૃતિઓમાં ઉપયોગ કરવો જોઈએ.
ઓડિટોરિયમ ૨૦૦થી વધુ લોકોથી ભરેલું હતું અને તમામના ચહેરા રાષ્ટ્રીય ગૌરવથી ચમકતા હતા અને આ સાંજ ખરેખર સ્મરણીય બની રહી હતી. સંવાદિતા અને ઐક્યના સંવર્ધનમાં સંગીતની રૂપાંતરકારી શક્તિનો ઉપયોગ કરવા સાથે આ ગ્રૂપ આપણને ભારત અને આપણે અપનાવેલા દેશ યુકેની સેવા કરવાની પ્રેરણા આપશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી.
ગ્રૂપનું આગામી સંગીત સત્ર સોમવાર, નવ મે, ૨૦૧૬ના દિવસે બપોરના ૩.૦૦થી ૪.૩૦ના ગાળામાં ધ ભવન્સ, લંડન ખાતે યોજાશે, જેમાં ઉપસ્થિત રહેવાં તમામને આમંત્રણ છે. આપનો રસ દર્શાવવા તેમજ આ નવા ઉત્તેજનાપૂર્ણ ગ્રૂપ સાથે કેવી રીતે સંકળાઈ શકાય તેની વધુ માહિતી મેળવવા ભારતી સેઠીઆ ([email protected])નો સંપર્ક કરવા વિનંતી છે.


