યુકેમાં વિઝા માટે અરજીઓની સંખ્યામાં 33 ટકા કરતાં વધુનો ઘટાડો

જુલાઇમાં હેલ્થ-કેર વિઝાની અરજીમાં 82 ટકા અને સ્ટુડન્ટ વિઝાની અરજીમાં 15 ટકાનો ઘટાડો

Tuesday 13th August 2024 11:37 EDT
 
 

લંડનઃ અગાઉની રિશી સુનાક સરકારે વિઝા પર લાદેલા નિયંત્રણોના પરિણામ સામે આવી રહ્યાં છે. યુકે આવવા માટે વિદ્યાર્થીઓ અને વિદેશી કામદારોની અરજીઓની સંખ્યામાં મોટો ઘટાડો થતાં ઇમિગ્રેશનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. સ્કીલ્ડ વર્કર, હેલ્થ એન્ડ કેર અને સ્ટડી વિઝા પર બ્રિટન આવવા માટે માઇગ્રન્ટ્સ અને તેમના પરિવારના સભ્યો દ્વારા કરાતી અરજીની સંખ્યા જુલાઇ 2024માં 33 ટકા કરતાં વધુ ઘટી છે. જુલાઇ 2023માં આ અરજીની સંખ્યા 91,300 રહી હતી.

દર મહિને થતી અરજીના સંદર્ભમાં હેલ્થ એન્ડ કેર વિઝા માટેની અરજીની સંખ્યા જુલાઇ 2024માં 82 ટકા ઘટીને 2900 પર આવી ગઇ હતી. યુકેમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓની અલજી 15 ટકા ઘટીને 69,500 થઇ હતી.

અગાઉની કન્ઝર્વેટિવ સરકારે યુકેમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ અને હેલ્થ કેર વિઝા પર આવતા પ્રોફેશનલ્સના પરિવારજનોને યુકેમાં લાવવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. સત્તામાં આવેલી નવી લેબર સરકારે પણ આ નીતિમાં કોઇ બદલાવ કરવાનો ઇનકાર કરી દીધો છે.

સત્તાવાર આંકડા સંકેત આપી રહ્યાં છે કે કુલ ઇમિગ્રેશનની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થવા જઇ રહ્યો છે. 2022માં નેટ માઇગ્રેશન રેકોર્ડ 7,64,000 પર પહોંચી ગયું હતું જે 2023માં ઘટીને 6,85,000 થયું હતું. માઇગ્રેશન વોચડોગના વડા અનુસાર આગામી શિયાળા સુધીમાં નેટ માઇગ્રેશન ઘટીને 2,00,000થી ઓછું થઇ જશે. તેનો અર્થ એ થયો કે રિશી સુનાકની સરકાર દ્વારા અમલી બનાવાયેલી નીતિઓનો લાભ સ્ટાર્મર સરકારને થવાનો છે.

રિશી સુનાક સંસદની ચૂંટણી પાછી ઠેલવા ઇચ્છતા હતા

રિશી સુનાક જુલાઇમાં સંસદની ચૂંટણી યોજવાના પોતાના નિર્ણયને રદ કરવા ઇચ્છતા હતા પરંતુ તેમણે કિંગ ચાર્લ્સને આ અંગે જણાવી ચૂક્યા હોવાથી પીછેહઠ કરી શકે તેમ નહોતા. આ દાવો એક પુસ્તકમાં કરાયો છે. સુનાકને એવો પણ ભય હતો કે બે પત્રકાર આ યોજના અંગે જાણતા હતા અને જો તેમણે આ નિર્ણય લીધો હોત તો તેઓ જાહેર કરી દેતાં.

નેડિન ડોરિસ દ્વારા લિખિત પુસ્તકમાં દાવો કરાયો છે કે સુનાકે આ અંગે પોલીસને પણ જાણ કરી હતી. સુનાક ચૂંટણીની તારીખ બદલવા વિચારણા કરી રહ્યાં હતાં પરંતુ તેઓ તેને પાનખર સુધી ટાળી શકે તેમ નહોતા. તેમના આ નિર્ણયને કારણે તેમના સલાહકારો પણ ચોંકી ગયા હતા.

ચૂંટણી પ્રચાર દરમિયાન કિંગ તેમના કાર્યક્રમો રદ કરી નાખતા હોય છે. તેમને આ અંગેની ગંધ આવતાં ઘણા નારાજ થયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter