લંડનઃ બ્રિટનમાં અભ્યાસ કરતા ભારતીયો સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વર્ષ ૨૦૧૮ આનનંદદાયક બની રહેશે કારણકે ૧૧ જાન્યુઆરીથી નવા ઇમિગ્રેશન નિયમો અમલી બનતાં તેમને વર્ક વિઝા મેળવવા વધુ છૂટછાટો પ્રાપ્ત થશે. નવા નિયમો મુજબ વિદેશી વિદ્યાર્થી અભ્યાસક્રમ પૂરો કરવા સાથે ટિયર-૨ (અથવા સ્કીલ્ડ વર્કર) વિઝાના વિકલ્પનો લાભ મેળવી શકશે.
વર્તમાન નિયમો મુજબ વિદેશી વિદ્યાર્થીઓને ટિયર-૨ વિઝાની અરજી કરવા ડિગ્રી મળવા સુધી રાહ જોવી પડતી હતી અને દેશમાં રોકાણ કરવા છતાં રોજગારી મેળવવા ઘણો ઓછો સમય જ મળતો હતો. આનો અર્થ એ થાય કે પોસ્ટ ગ્રેજ્યુએટ ડીગ્રી જેવું ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓએ તેમના થીસિસને માર્કિંગ અપાય અથવા ડીગ્રી મળે તે પછી જ વર્ક વિઝાની અરજી કરી શકાય છે. હવે તેઓને થોડાં મહિના વહેલા અરજી કરવાની તક મળશે.
લંડનના મેયર સાદિક ખાન પણ પોસ્ટ સ્ટડી વર્ક વિઝાની નવી કેટેગરીની તરફદારી કરતા રહ્યા છે. પોતાના બ્લુપ્રિન્ટ પેપર ‘ઈમિગ્રેશન, અ ફ્યુચર એપ્રોચ’માં ખાને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યા તરફ નિર્દેશ કર્યો હતો. તેમણે સૂચન કર્યું હતું કે પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા ટિયર-૨ રુટથી અલગ જ હોવાં જોઈએ, જેનાથી વિદેશી વિદ્યાર્થીઓને યુકેમાં ગ્રેજ્યુએશન પછી ૧૨-૨૪ મહિના સુધી કામ કરવાની તક મળી શકે છે.
યુકેની યુનિવર્સિટીઓ અને સરકાર વચ્ચે લાંબી વાટાઘાટોના પરિણામે નિયમોમાં આ ફેરફાર કરાયો છે. ઈમિગ્રેશન નિષ્ણાતોના જણાવ્યું હતું કે ટિયર-૪ તરીકે જાણીતા સ્ટુડન્ટ વિઝા અભ્યાસક્રમના સમયગાળા અને થોડાં વધારાના મહિના માટે અપાય છે. તેનાથી યુકેમાં નોકરી શોધવાની ક્ષમતા અવરોધાય છે. જો આ ગાળામાં નોકરી ન મળે તો તેમણે સ્વદેશ પાછાં ફરવું પડે છે.
બ્રેક્ઝિટ પછી ઈયુ વર્કર્સ દ્વારા નોકરીઓ માટેની સ્પર્ધા ઘટે તેવી શક્યતા જણાય છે, જેનો લાભ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મળી શકે છે.