લંડનઃ બ્રિટનમાં શિક્ષકોની ભારે અછત વર્તાઈ રહી છે. મેથ્સ અને ફીઝિક્સ સહિતના વિષયોમાં શિક્ષકોની શોધ આદરવા ખાનગી કંપનીને ૩૦૦,૦૦૦ પાઉન્ડનો કોન્ટ્રાક્ટ અપાયો છે. ઝેક રિપબ્લિક, જર્મની, પોલેન્ડ અને યુએસમાંથી શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવામાં આવશે. ૧૯૭૦ના દાયકા પછી પ્રથમ વાર વિદેશમાંથી આવી ભરતી થઈ રહી છે.
માઈગ્રેશન એડવાઈઝરી કમિટીએ બિન-ઈયુ દેશોમાંથી શિક્ષકોની ભરતી થઈ શકે તેવા વિષયોની યાદી વ્યાપક બનાવવા મિનિસ્ટર્સને ભલામણ કરી છે. મહત્ત્વના વિષયોના શિક્ષકોની અછત હોવાથી અન્ય વિષયોના શિક્ષકોને આ વિષયો શીખવવાની ફરજ પડે છે. માઈગ્રેશનના કારણે બેબી બૂમ સર્જાતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ભારે વધારો થયો છે તે પણ આ પરિસ્થિતિ માટે અંશતઃ જવાબદાર છે. ઘણા વર્ષોથી પ્રાઈમરી સ્કૂલ્સમાં વર્ગો વધારવા પડ્યા છે અને હવે આ વસ્તીવધારાની અસર સેકન્ડરી સ્કૂલ્સને અસર કરી રહ્યો છે. બાળકો મેથ્સ અને સાયન્સના વિષયોનો અભ્યાસ કરે તેવા સરકારી અભિયાનના પગલે એ-લેવલમાં આ વિષયોના શિક્ષકોની માગ વધી છે.
કમિટીએ સ્પષ્ટ કર્યું હતું કે અછતના વિષયો શીખવતા શિક્ષકોને અહીં નોકરી મેળવવામાં સરળતા રહેવી જોઈએ. કમિટીને મેથ્સ અને ફીઝિક્સ ઇપરાંત, કોમ્પ્યુટર સાયન્સ અને મેન્ડેરિન વિષયોમાં શિક્ષકોની અછત વર્તાઈ હતી. આ વિષયોને શોર્ટેજ લિસ્ટમાં મૂકવાથી ઈમિગ્રેશન નિયંત્રણો ઉઠાવી લેવાતાં ઓસ્ટ્રેલિયા, યુએસ, કેનેડા તેમજ ઈયુથી દૂરના દેશોમાંથી ભરતી કરવાનું શાળાઓ માટે સરળ બનશે.


