લંડનઃ યુકેમાં શ્વેત પરિવારોની આવક અશ્વેત પરિવારોની સરખામણીએ ૬૩ ટકા વધારે છે અને ટેક્સીસ અને લાભોની ગણતરી કરીએ તો પણ લગભગ ૨૦ ટકા શ્વેત પરિવારો વધુ સારી સ્થિતિમાં હોવાનું ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના સત્તાવાર આંકડામાં જણાવાયું છે. અભ્યાસ જણાવે છે કે કોરોના વાઈરસ મહામારીના પરિણામે અસમાનતાની ખાઈ વધુ પહોળી બની રહી છે.
ONSના આંકડા જણાવે છે કે ગત બે વર્ષમાં યુકેમાં આવકની અસમાનતાની ખાઈ- અંશતઃ બેનિફિટ્સ સ્થગિત કરાવા સાથે વધુ પહોળી થઈ છે તેમજ કોરોના મહામારીના પરિણામે આ ખાઈ વધુ પહોળી થવાની શક્યતા છે. ૨૦૧૯ સુધીના નામાકીય વર્ષમાં વ્હાઈટ પરિવારની સરેરાશ આવક ૪૨,૩૭૧ પાઉન્ડ હતી જેની સરખામણીએ એશિયન અને આફ્રિકન-કેરેબિયન પરિવારોની સરેરાશ આવક અનુક્રમે ૩૫,૫૨૬ પાઉન્ડ અને ૨૫,૯૮૨ પાઉન્ડ રહી હતી. ટેક્સ અને બેનિફિટ્સની ગણતરો પછી વ્હાઈટ પરિવારની ‘ફાઈનલ’ આવક ૩૮,૨૨૨ પાઉન્ડ હતી જે, એશિયન કુટુંબોની આવક ૩૫,૦૨૩ પાઉન્ડ કરતાં ૯ ટકા તેમજ અશ્વેત પરિવારોની આવક ૩૨,૩૫૩ પાઉન્ડ કરતાં ૧૮ ટકા વધારે હતી.
જોકે, ONS દ્વારા જણાવાયું હતું કે ભારતીય, પાકિસ્તાની, બાંગલાદેશી અને ચાઈનીઝ સહિત એશિયન કેટેગરીના અલગ જૂથો માટે તેની પાસે અલાયદો ડેટા નથી. આમ છતાં, ફેમિલી રિસોર્સીસ સર્વેના અગાઉના ડેટા અનુસાર ૪૨ ટકા ભારતીય પરિવાર સાપ્તાહિક ૧૦૦૦ પાઉન્ડથી વધુ આવક ધરાવતા હતા જેની સરખામણીએ માત્ર ૨૦ ટકા બાંગલાદેશી અને પાકિસ્તાની પરિવારની આટલી આવક હતી.
ONSના આંકડાએ એમ પણ જણાવ્યું છે કે યુકેના ટોપ ૨૦ ટકા પરિવારો ૧૦૫,૦૦૦ પાઉન્ડની આવક ધરાવતા હતા પરંતુ, નીચલા સ્તરના ૨૦ ટકા પરિવારની આવક માત્ર ૭,૭૦૦ પાઉન્ડ હતી. ૨૦ ટકા ધનવાન લોકોની આવક સૌથી ગરીબ ૨૦ ટકા લોકોની આવક કરતાં ૧૩.૭ ગણી વધુ હતી. જોકે, ટેક્સીસ અને બેનિફિટ્સ આ ખાઈને નોંધપાત્રપણે ઘટાડે છે. ડાયરેક્ટ ટેક્સીસ પછી સૌથી ધનવાન ૨૦ ટકા લોકો પાસે ખર્ચવાલાયક આવક રહે છે તે સૌથી ગરીબ ૨૦ ટકા લોકો કરતાં ૫.૭ ગણી હોય છે. આ પછી, VAT જેવા પરોક્ષ ટેક્સીસ અને NHS, સરકારી શિક્ષણ જેવાં લાભની ગણતરી કરીએ ત્યારે તે આવક વધુ ઘટીને ૩.૮ ગણી રહે છે.