લંડનઃ યુકેમાં એપાર્ટમેન્ટ અને મેન્શન સહિતની સંપત્તિઓ ખરીદવા માટે વિદેશી કંપનીઓનો ઉપયોગ કરતા અમીર ભારતીયો પર ઇડીનો સકંજો કસાયો છે. લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ અંતર્ગત ભારતીયો પ્રતિ વર્ષ 2,50,000 ડોલર વિદેશમાં સંપત્તિની ખરીદી માટે મોકલી શકે છે. જોકે પ્રોપર્ટીની માલિકી ધરાવતી વિદેશી કંપનીઓના શેરની ખરીદી ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન્સનું ઉલ્લંઘન ગણાય છે.
તેમ છતાં ચોક્કસ અમીર ભારતીય પરિવારોએ સ્ટેમ્પ ડ્યુટી, કેપિટલ ગેઇન્સ અને ઇનહેરિટન્સ ટેક્સ ન ચૂકવવા પ્રોપર્ટીની માલિકી ધરાવતી વિદેશી કંપનીઓના શેર ખરીદાયા છે. તેઓ એમ માનતા હોય છે કે આ પ્રકારના સોદા સામે આવશે નહીં.
અત્રે નોંધનીય છે કે બ્રિટિશ સરકારે ટેક્સ કાયદાઓમાં રહેલા છીંડા દૂર કર્યાં છે. કંપનીઓ દ્વારા પ્રોપર્ટીની માલિકીના ચોક્કસ કર લાભ જો કે ઉપલબ્ધ છે. આ પ્રકારની કંપનીઓના માલિકોની ઓળખ હવે છતી થવા લાગી છે.
છેલ્લા એક મહિનામાં ઇડી દ્વારા પ્રોપર્ટી ધરાવતી વિદેશી કંપનીઓના શેરની ખરીદી કરવા માટે ચાર ભારતીયોને નોટિસ પાઠવાઇ છે. આ કંપનીઓ ક્યાં તો યુકે અથવા અન્ય દેશોમાં સ્થિત છે.