યુકેમાં સપ્ટેમ્બરથી નવાં હુવેઈ 5G ઉપકરણો પર પ્રતિબંધ

Wednesday 09th December 2020 02:15 EST
 
 

લંડનઃ બ્રિટિશ સરકારે યુકેના 5G નેટવર્ક્સ માટે આગામી સપ્ટેમ્બર મહિનાથી ચાઈનીઝ ટેલિકોમ જાયન્ટ હુવેઈ સહિત કંપનીઓના ઉપકરણોના ઉપયોગ પર પ્રતિબંધની જાહેરાત કરી છે. ડિજિટલ સેક્રેટરી ઓલિવર ડાઉડેને પાર્લામેન્ટ સમક્ષ ટેલિકોમ્યુનિકેશન્સ (સિક્યુરિટી) બિલ લવાય તે અગાઉ હાઈ રિસ્ક વેન્ડર્સને દૂર કરવાની રુપરેખા જાહેર કરી હતી. કાયદામાં રાષ્ટ્રીય સલામતી સત્તાનો સમાવેશ કરાશે જે અનુસાર ટેલિકોમ ફર્મ્સ પર હુવેઈ જેવી કંપનીઓ મારફત સપ્લાય કરાતી સામગ્રી- સાધનોનો ઉપયોગ કરવા પર નિયંત્રણો લાદી શકાશે.

સરકારે યુકેના નેટવર્ક્સ માટે ચાઈનીઝ કંપની હુવેઈના સંવેદનશીલ ઉપકરણો પર પ્રતિબંધ લાદવા અને ૨૦૨૭ સુધીમાં 5G નેટવર્ક્સમાંથી તેના તમામ ઉપકરણો દૂર કરવાની યોજનાની ઉનાળામાં જાહેરાત કરી હતી. આ નિર્ણયોને નવા બિલથી કાયદાનું સ્વરુપ અપાશે. જોકે, ડિજિટલ સેક્રેટરી ડાઉડેને સ્પષ્ટ કર્યું છે કે ઓપરેટર્સે હવે આગામી સપ્ટેમ્બરના અંતથી હુવેઈના અગાઉ ગોઠવેલા ઉપકરણોની જાળવણી સિવાય 5G નેટવર્ક્સમાં હુવેઈ ઈક્વિપમેન્ટ્સ ઈન્સ્ટોલ કરવાનું બંધ કરવાનું રહેશે. યુકે ફરી કદી ગણ્યાગાંઠ્યા ટેલિકોમ વેન્ડર્સ પર આધારિત ન રહે તેની ચોકસાઈ અર્થે તેમણે ‘5G સપ્લાય ચેઈન ડાઈવર્સિફિકેશન સ્ટ્રેટેજી’ પણ પ્રસિદ્ધ કરી હતી.

આ સ્ટ્રેટેજી હેઠળ સરકાર ટેલિકોમ્યુનિકેશન્સ માટે વૈવિધ્યપૂર્ણ, સ્પર્ધાત્મક અને ઈનોવેટિવ સપ્લાય માર્કેટ તેમજ નેસનલ ટેલિકોમ્સ લેબ રિસર્ચ ફેસિલિટી, નવતર ઓપન રેડિયો ટેકનોલોજી સહિતના ક્ષેત્રોમાં પ્રારંભિક ૨૫૦ મિલિયન પાઉન્ડનો ખર્ચ કરશે. યુકે નેટવર્ક્સ માટે સિક્યુરિટી પ્રોટોકલ્સના નવા ધારાધોરણો પરિપૂર્ણ કરે નહિ તેના માટે ટર્નઓવરના ૧૦ ટકા અથવા દિવસના ૧૦૦,૦૦૦ પાઉન્ડના દંડની જોગવાઈ પણ નવા કાયદામાં રાખવાની જોગવાઈ છે. ટેલિકોમ પ્રોવાઈડર્સ માટે સિક્યુરિટી પ્રોટોકલ્સના મૂલ્યાંકન અને દેખરેખની જવાબદારી કોમ્યુનિકેશન્સ રેગ્યુલેટર Ofcomને સોંપાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter