લંડનઃ કોરોના વાઈરસ મહામારી સામે દેશના પ્રતિસાદ તરીકે કરાયેલો સંયુક્ત ખર્ચ ૩૭૨ બિલિયન પાઉન્ડે પહોંચ્યો હોવાનો આંકડો નેશનલ ઓડિટ ઓફિસે આપ્યો છે. કોઈ પણ સરકારી વિભાગ દ્વારા કરાયેલા ખર્ચમાં HMRC દ્વારા કરાયેલો ખર્ચ સૌથી વધુ છે. બીજા ક્રમે હેલ્થ અને સોશિયલ કેર તેમજ ત્રીજા ક્રમે બિઝનેસ અને ઈનોવેશન વિભાગ આવે છે.
જાહેર ખર્ચ વોચડોગ નેશનલ ઓડિટ ઓફિસના એનાલિસીસ મુજબ કોવિજ-૧૯નો સામનો કરવામાં સરકારી વિભાગોએ ઓછામાં ઓછાં ૩૭૨ બિલિયન પાઉન્ડ ખર્ચી નાખ્યા છે. બિઝનેસીસ અને સેલ્ફ એમ્પ્લોઈડ લોકો માટે સપોર્ટ સ્કીમ્સના કારણે રેવન્યુ અને કસ્ટમ્સ (HMRC) વિભાગે હેલ્થ અને સોશિયલ કેર વિભાગ (DHSC) કરતાં પણ વધુ ખર્ચ કર્યો છે. ૩૭૨ બિલિયન પાઉન્ડનો આંકડો જાન્યુઆરીના અંદાજિત આંકડા કરતાં ૧૦૧ બિલિયન પાઉન્ડ વધારે છે. કોવિડ-૧૯ સંબંધિત નિયંત્રણો હેઠળ કાર્યરત રહેવાના પરિણામે વધારાનો ખર્ચ થયો છે જેમાં, સ્ટાફની સંખ્યામાં વધારો, ઓવરટાઈમ, ઘેરથી કામ કરવાના એલાવન્સીસ અને સપોર્ટ સ્ટાફ માટે IT અને હોમ-ઓફિસ ફર્નિચરનો ખર્ચ સહિતનો સમાવેશ થાય છે.
૩૭૨ બિલિયન પાઉન્ડનું વિભાજન કરવામાં આવે તો ૧૫૦.૮ બિલિયન પાઉન્ડ બિઝનેસીસને સપોર્ટ, ૯૭.૪ બિલિયન પાઉન્ડ હેલ્થ અને સોશિયલ કેર, ૫૪.૯ બિલિયન પાઉન્ડ યુનિવર્સલ ક્રેડિટ સ્કીમ, સેલ્ફ-એમ્પ્લોયમેન્ટ ઈન્કમ સપોર્ટ સ્કામ તેમજ ઘરબારવિહોણા લોકોને મદદ માટે ખર્ચાયા હતા. આ ઉપરાંત, અન્ય જાહેર સેવાઓ અને ઈમર્જન્સી રિસ્પોન્સ પાછળ ૬૫ બિલિયન પાઉન્ડ અને અન્ય સપોર્ટ અને કામકાજી ખર્ચમાં ૩.૫ બિલિયન પાઉન્ડ વપરાયા હતા.
HMRC દ્વારા સૌથી વધુ ૧૧૧.૨ બિલિયન ખર્ચનો અંદાજ મૂકાયો હતો જેમાંથી ૭૦.૩ બિલિયન પાઉન્ડ ખર્ચાઈ ચૂક્યા છે. આ ખર્ચમાં ફર્લો સ્કીમ અથવા કોરોના વાઈરસ જોબ રિટેન્શન સ્કીમ પાછળનો ૬૧.૬ અને સેલ્ફ-એમ્પ્લોયમેન્ટ સપોર્ટ પેમેન્ટના ૨૭.૩ બિલિયન પાઉન્ડનો સમાવેશ થયો છે.
બીજા ક્રમે ૯૧.૫ બિલિયન પાઉન્ડ ખર્ચ સાથે DHSC આવે છે જેમાંથી 3૧.૪ બિલિયન પાઉન્ડ ખર્ચાઈ ચૂક્યા છે. કુલ ખર્ચમાં NHS ટેસ્ટ અને ટ્રેસ માટે ૩૮ બિલિયન પાઉન્ડ, ફ્રન્ટલાઈન સ્ટાફને PPE માટે ૧૬.૮ બિલિયન પાઉન્ડનો સમાવેશ થાય છે.