યુકેમાં સલામતીને પ્રાધાન્ય સાથે લોકડાઉનમાં હળવી છૂટછાટ

Tuesday 12th May 2020 13:45 EDT
 
 

લંડનઃ વડા પ્રધાન જ્હોન્સને આંશિક છૂટછાટો સાથે લોકડાઉનને ૧ જૂન સુધી લંબાવવાની જાહેરાત કરી છે. લોકડાઉન ૨૩ માર્ચથી કઠોર નિયમો સાથે લાગુ કરવામાં આવ્યું હતું, જેમાં મોટા પાયે આર્થિક પ્રવૃત્તિઓ અને સામાજિક મેળાપની છૂટ અપાય તેવી શક્યતા જણાતી હતી. જોકે, કોરોના વાઈરસનો ચેપદર ઘટ્યો ન હોવાથી વડા પ્રધાને લોકોની સલામતીને વધુ પ્રાધાન્ય આપ્યું છે. અન્ય મહત્ત્વની બાબત એ પણ છે કે વેલ્શ, નોર્ધર્ન આયર્લેન્ડ અને સ્કોટલેન્ડની વિકેન્દ્રત સરકારોને આ પ્લાન લાગુ પડશે નહિ. તેઓએ હેલ્થકેર સહિતના આગવા નિયમો અને છૂટછાટ જાહેર કરવાનાં પગલાં લીધા છે.

વેલ્શ સરકારે દિવસમાં એકથી વધુ વખત લોકોને વ્યાયામની છૂટ આપી છે, સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમો સાથે ગાર્ડન સેન્ટર્સ ખોલવામાં આવશે તેમજ સ્થાનિક ઓથોરિટીઝ સલામતી સાથે લાઈબ્રેરીઓ અને રિસાયકલિંગ સેન્ટર્સ ખોલવા મુદ્દે આયોજન કરી રહી છે. સ્કોટલેન્ડના ફર્સ્ટ મ્નિસ્ટર નિકોલા સ્ટર્જને દૈનિક વ્યાયામ પરના નિયંત્રણો રદ કરવાની જાહેરાત કરી છે પરંતુ, તેનો ઉપયોગ સમૂહમાં પાર્ક્સ અથવા સમુદ્રતટો પર લોકો સાથે મેળમિલાપ કરવા, સૂર્યસ્નાન કરવા અથવા પિરનિક કે બાર્બેક્યુ માટે નહિ કરવાની ચેતવણી પણ આપી છે. બીજી તરફ, નોર્ધર્ન આયર્લેન્ડનો રોડમેપ થોડા ફેરફાર સાથે આગામી સપ્તાહે જાહેર કરાશે.

લોકડાઉનના નવા નિયમો શું કહે છે?

• વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કહ્યું છે કે યુકેમાં ૧ જૂન સુધી તો લોકડાઉન રહેશે. જોકે, આ દરમિયાન કડક નિયમો રહેશે નહિ. બીજી તરફ, સ્કોટલેન્ડ તેના માટે તૈયાર નથી. સ્કોટલેન્ડમાં ૨૮ મે સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે.

• વડા પ્રધાને ‘સ્ટે હોમ’ની બદલે ‘સ્ટે અલર્ટ’નો નારો આપ્યો છે. તેમનું અગાઉનું સૂત્ર ‘સ્ટે હોમ, પ્રોટેક્ટ ધ NHS, સેવ લાઈવ્ઝ’ હતું. તેમણે કહ્યું હતું કે લોકોએ વાઈરસ પર નિયંત્રણ અને લોકોના જીવન બચાવવા સજાગ રહેવું જોઈએ. સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને વડા પ્રધાનના ‘સ્ટે એલર્ટ’ સૂત્રને અસ્પષ્ટ ગણાવ્યું હતુ.

• જો શક્ય હોય તો ઘેર રહીને કામ કરી શકાશે પરંતુ, શક્ય ન હોય તો કામે જવાનું રહેશે. વડા પ્રધાને જણાવ્યું હતું કે કન્સ્ટ્રક્શન અને મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં લોકોને કામે જવા પ્રોત્સાહિત કરાશે. સરકાર કાર્યસ્થળોને કોવિડ સુરક્ષિત બનાવવા એમ્પ્લોયર્સ માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરશે.

• સંક્રમણથી બચવા ચહેરા ઢાંકવા અથવા માસ્ક પહેરવા સંબંધે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે પરંતુ, વડા પ્રધાને તેના વિશે ચોક્કસ ઉલ્લેખ કર્યો નથી. તેમણે શોપિંગ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપરાંત, સામાજિક અંતર જાળવી ન શકાય તેવાં બંધિયાર સ્થળોએ ચહેરા પર ઘરબનાવટના આવરણ લગાવવાની સલાહ આપી છે. લોકોએ મેડિકલ કે સર્જિકલ માસ્ક ખરીદવાની જરુર નથી.

• વડા પ્રધાને શક્ય તમામ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય અને ક્ષમતા મર્યાદિત રહેવાના કારણોસર પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ ટાળવા સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે કાર દ્વારા, ચાલતા અથવા સૌથી શ્રેષ્ઠ વિકલ્પ સાયકલ લઈ કામે જવાનો છે. અન્ય એમ્પ્લોયર્સના વર્કપ્લેસની માફક પબ્લિક ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સ પણ ‘કોવિડ સિક્યોર’ માપદંડોને અનુસરશે.

• ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે જણાવ્યું છે કે ઈંગ્લેન્ડનું પબ્લિક ટ્રાન્સપોર્ટ નેટવર્ક સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરવા છતાં, બે મીટરના સામાજિક અંતરના નિયમના કારણે સામાન્ય પેસેન્જર લોડના ૧૦ ટકા જેટલું જ સલામત વહન કરી શકે તેમ છે.

• ઈંગ્લેન્ડમાં ૧લી જૂનથી કેટલીક પ્રાઈમરી સ્કૂલ્સ ખોલવાની યેજના છે. ધોરણ ૧ (૪-૬ વયજૂથ) અને ધોરણ ૬ (૧૦-૧૧ વયજૂથ)થી આરંભ કરાશે. જોકે, શિક્ષકો અને શાળાઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોના પાલનની ખાતરી પર તેનો આધાર રહેલો છે. યુનિયનોએ શાળાઓ ખોલાય તે અગાઉ રાષ્ટ્રવ્યાપી ટેસ્ટિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ સ્કીમ શરુ કરવાની તેમજ પૂરતા પ્રમાણમાં PPE માટે ભંડોળની વ્યવસ્થાની પણ માગણી કરી છે.

• નર્સરીઝ વહેલા ખુલી જવાની આશા છે ત્યારે સેકન્ડરી સ્કૂલ્સ છેક સપ્ટેમ્બરમાં જ ખુલે તેવા અણસાર છે.

• શારીરિક અંતર જાળવવાના નિયમોના ભંગ બદલ દંડમાં વધારો કરાયો છે. પ્રથમ નિયમભંગ માટે ૧૦૦ પાઉન્ડ અને તે પછી દરેક ભંગ માટે બમણો દંડ રહેશે. આ દંડ મહત્ત્મ ૩,૨૦૦ પાઉન્ડ સુધીનો રહેશે. જો ૧૪ દિવસમાં દંડની રકમ ભરાય તો ૫૦ પાઉન્ડ ભરવાના થશે. હાલ પ્રથમ નિયમભંગ માટે ૬૦ પાઉન્ડ અને તે પછીના દરેક ભંગ માટે બમણો દંડ છે. 

• રેસ્ટોરાં અને કાફેઝ જુલાઈ સુધી તે બંધ જ રહેશે. શાળાઓની સાથોસાથ જૂનમાં કેટલીક દુકાનો ખુલી શકે છે પરંતુ, હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીએ ખુલવા માટે વહેલામાં વહેલા જુલાઈ સુધી રાહ જોવાની થશે અને તે પણ સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોના પાલનની ખાતરી મળવા પર આધારિત છે. પબ્સ પણ ક્યારે ખુલશે તે અનિશ્ચિત છે. અન્ય જાહેર સ્થળો ખુલે તેમાં ધાર્મિક સ્થળો અને શારીરિક અંતર જાળવી શકાય તેવી વ્યવસ્થા સાથેના સિનેમાગૃહો પણ હોઈ શકે છે.  

• ધારણા હતી તેમ ઘરની બહાર કસરતો અમર્યાદિત અથવા દિવસમાં એકથી વધુ વખત કરી શકાશે. કસરત કરવાના સ્થળે જવા ડ્રાઈવિંગની પણ છૂટ અપી છે. કેટલીક રમતો તેમજ અન્ય વ્યક્તિને બહાર મળવાની છૂટ પણ બુધવારથી શરુ કરી દેવાશે. જોકે, તેઓએ બે મીટરનું સામાજિક અંતર જાળવવું પડશે. સુર્યસ્નાન ઉપરાંત, રમતોમાં એન્ગલિંગ, તળાવ-સરોવર કે નદીઓમાં સ્વિમિંગ, ટેનિસ અને ગોલ્ફની રમતોની પણ છૂટ મળશે પરંતુ, આ પારિવારિક જૂથોમાં જ શક્ય બનશે.

• સરકાર લોકો એકલતા ન અનુભવે તે માટે બે પરિવારના સામાજિક મિલાપ કે ચાઈલ્ડકેરના હેતુસર ‘બબલ્સ’ આઈડિયા માટે નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવી રહી છે. જો આની પરવાનગી મળશે તો પરિવારોએ તેઓ કોની સાથે મેળ રાખવા માગે છે તે એક પરિવારની પસંદગી કરવા જણાવાશે, જેમાં પાછળથી કોઈ ફેરફાર થશે નહિ.

• નેનીઝ અને બાળકોની સંભાળ રાખનારા જેવી વેતનસહિતની બાળસંભાળ કડક નિયમો સાથે થઈ શકે તેવી સ્પષ્ટતા સરકારે કરી છે. આ ભૂમિકામાં વર્ક ફ્રોમ હોમ શક્ય નથી. આના પરિણામે, કામ કરતા વધુ પેરન્ટ્સ કામે જઈ શકશે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter