યુકેમાં સામૂહિક રસીકરણમાં બે વર્ષનો વિલંબ થવાની ચેતવણી

Wednesday 30th September 2020 08:00 EDT
 
 

લંડનઃ યુકેમાં દરેક વ્યક્તિને કોવિડ -૧૯ની રસી આપી ઈમ્યુનાઈઝ કરી શકાય તેની ચોકસાઈ માટે સપ્લાય ચેઈનની સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં સરકારની નિષ્ફળતાના પરિણામે સામૂહિક રસીકરણમાં બે વર્ષનો વિલંબ થઈ શકે તેવી ચેતવણી નિષ્ણાતોએ આપી છે. વેક્સિનના સંગ્રહ માટે મેડિકલ ગ્રેડ ગ્લાસ વાયલ્સ, પરિવહન માટે રેફ્રિજરેટેડ લોરી અને એરક્રાફ્ટ્સ, વેક્સિન આપતી વેળા પહેરવાની PPE કિટ્સ સહિત વેક્સિનેશન પ્રોસેસની સફળતા માટે આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો ઘણો ઓછો છે.

ઓક્સફર્ડ વેક્સિન ગ્રૂપ (OVG)ની ડિલિવરી સાથે સંકળાયેલા મેડિકલ લોજિસ્ટિક્સ નિષ્ણાતે જણાવ્યું હતું કે વેક્સિનને આ વર્ષના અંતે કે ૨૦૨૧ની શરુઆતમાં વેક્સિનને મંજૂરી મળી જાય તેવી સ્થિતિમાં સપ્લાય ચેઈન પ્રક્રિયાની ચોકસી સંદર્ભે પણ સરકારે હજુ સુધી ગ્રૂપ કે તેની ઉત્પાદન પાર્ટનર કંપની એસ્ટ્રેઝેનેકાનો સંપર્ક કર્યો નથી. સમગ્ર વસ્તીને રસી આપવાની ગોઠવણી બાબતે સરકારે કશું કર્યું હોય તેની કોઈને માહિતી નથી. આ પરિસ્થિતિમાં સામૂહિક રસીકરણ સમયસર નહિ થઈ શકે.

એક અંદાજ અનુસાર સમગ્ર વસ્તીને પ્રારંભિક રસીકરણ અને તે પછી બૂસ્ટર ડોઝ માટે યુકેને ૧૨૦ મિલિયન ડોઝની જરુર પડશે.જો ઓક્સફર્ડ વેક્સિનને મંજૂરી મળે તો તેના પરિવહન દરમિયાન ૨થી ૮ ડીગ્રી સેન્ટિગ્રેડ વચ્ચે નિયંત્રિત તાપમાન આવશ્યક છે અન્યથા રસી ખરાબ થઈ જશે. યુકે પાસે વેક્સિનના પરિવહન માટે પૂરતાં પ્રમાણમાં ‘કોલ્ડ ચેઈન’ ટ્ર્ક્સ નથી. આ ઉપરાંત, સરકારે વેક્સિનના સામૂહિક ઉત્પાદન માટે આવશ્યક રીએજન્ટ્સનો જથ્થો પણ મેળવવો પડશે અને હકીકત એ છે કે ચીન જેવા દેશો રીએજન્ટ્સની સંગ્રહાખોરી કરી રહ્યા છે. સરકારનો દાવો છે કે છ અલગ વેક્સિન ડેવલપર્સ સાથે ૩૪૦ મિલિયન વેક્સિન ડોઝ વેળાસર મેળવવા એગ્રીમેન્ટ્સ કરી લેવાયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter