યુકેમાં સેટલ થયેલા પરિવારોને વિઝા રિન્યુઅલ સમયે 38700 પાઉન્ડનો નિયમ લાગુ નહીં થાય તેવો સંકેત

Tuesday 19th December 2023 12:12 EST
 
 

લંડનઃ હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલીએ સંકેત આપ્યો છે કે બ્રિટનમાં અગાઉથી સેટલ થયેલા પરિવારોને તેમના વિઝા રિન્યૂ કરાવતી વખતે નવી પગાર મર્યાદાનો નિયમ લાગુ નહીં પડે. ઇમિગ્રેશન ઘટાડવાની યોજના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. તેનો અમલ પાછલી અસરથી કરાશે નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે નવા નિયમો અનુસાર વિદેશમાંથી પોતાના પરિવારજનને યુકેમાં લાવવા ઇચ્છતી વ્યક્તિનો પગાર 38700 પાઉન્ડ હોવો જરૂરી છે. આ નવા નિયમો એપ્રિલ 2024થી અમલમાં આવી રહ્યાં છે પરંતુ યુકેમાં હાલમાં વસવાટ કરી રહેલા પરિવારો મૂંઝવણમાં મૂકાઇ ગયાં છે કારણ કે સરકારે વિઝા રિન્યુઅલ અને નવી અરજીઓ પર નવી પગાર મર્યાદાના નિયમ લાગુ થશે કે નહીં તે અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી.

ક્લેવરલીએ જણાવ્યું હતું કે, અમે આ મામલે સંપુર્ણ સ્પષ્ટતા કરીશું કારણ કે દુર્ભાગ્યે જાહેરાત થતાંની સાથે જ આ મામલા પર ઝડપથી ચર્ચા ચગાવવામાં આવી રહી છે. એવા કેટલાંક લોકો છે જેઓ અમારા પ્રસ્તાવોને સાચી રીતે સમજી જ શક્યાં નથી.

યુકેમાં વસવાટ કરી રહ્યાં છે તેવા પરિવારોની આવક 38,700 પાઉન્ડથી ઓછી હશે તો ચાલશે કે કેમ તેવા સવાલના જવાબમાં ક્લેવરલીએ જણાવ્યું હતું કે, આ ભૂતકાળ માટે નહીં પરંતુ ભવિષ્ય માટેની યોજના છે.

વિઝા માટેની ક્રુર આવક મર્યાદાને અદાલતમાં પડકાર આપવાની તૈયારી

યુકેમાં નવા વિઝા નિયમોમાં નવી આવક મર્યાદાના કારણે ઘણા મલ્ટીનેશનલ પરિવારો વિભાજિત થવાનું જોખમ સર્જાયું છે. વિદેશી જીવનસાથી ધરાવતા બ્રિટિશ નાગરિકોના હજારો પરિવાર પર આગામી એપ્રિલથી વિભાજિત થવાનું જોખમ સર્જાયું છે. હવે 38700 પાઉન્ડની આવક ધરાવતા બ્રિટિશ નાગરિકને જ તેના વિદેશી પારિવારિક સભ્યોને યુકેમાં વસવાટ માટેની પરવાનગી અપાશે. હવે સપોર્ટ ઓર્ગેનાઇઝેશન રિયુનાઇટ ફેમિલીઝ સરકારના આ નિયમને અદાલતમાં પડકાર આપવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે તેણે કાયદા કંપનીને કાયદાકીય વિકલ્પો શોધી કાઢવાની સૂચના પણ આપી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter