લંડનઃ યુકેમાં રહેવા માટેના સૌથી ખુશહાલ સ્થળોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં લંડનના બરો રિચમન્ડ અપોન થેમ્સને પ્રથમ સ્થાન હાંસલ થયું છે. એક પ્રોપર્ટી પોર્ટલના 15મા વાર્ષિક ‘હેપી એટ હોમ ઇન્ડેક્સ’માં રિચમન્ડ અપોન થેમ્સને ટોચનું સ્થાન આપવામાં આવ્યું છે. અગાઉ 2023માં પ્રથમ અને ગયા વર્ષે બીજા ક્રમે રહ્યા બાદ રિચમન્ડે ફરી એકવાર નંબર વનનું સ્થાન મેળવ્યું છે. રિચમન્ડ અપોન થેમ્સના મેયર કાઉન્સિલર નેન્સી બાલ્ડવિને જણાવ્યું હતું કે, આ સન્માન અમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે અહીંના રહેવાસીઓએ તેમના સ્થાનિક વિસ્તાર, સુંદર બગીચાઓ અને રોજિંદા જીવનમાં ઉપયોગી સ્થાનિક સેવાઓ પ્રત્યે ગર્વની લાગણી વ્યક્ત કરી છે. સૌથી વિશેષ તો, અહીંના લોકો અને સમુદાયો રિચમન્ડને ખાસ બનાવે છે. રાષ્ટ્રીય સ્તરે ટોપ-20માં લંડનના અન્ય બે વિસ્તારોએ પણ સ્થાન મેળવ્યું છે, જેમાં કેન્સિંગ્ટન એન્ડ ચેલ્સિયા 12મા ક્રમે અને કિંગ્સ્ટન અપોન થેમ્સ 13મા ક્રમે રહ્યા છે. બીજી તરફ, રેન્કિંગમાં સૌથી નીચલા સ્તરે બાર્કિંગ એન્ડ ડેગનહામ લંડનનો સૌથી ઓછો ખુશહાલ વિસ્તાર રહ્યો છે, જે રાષ્ટ્રીય સ્તરે 221મા ક્રમે છે. લંડનના સૌથી પાછળ રહેલા પાંચ વિસ્તારોમાં બાર્કિંગ એન્ડ ડેગનહામ, લેવિશામ, હેવરિંગ, હેરો અને ક્રોયડનનો સમાવેશ થાય છે.
બ્રિટનના ટોપ 10 સૌથી ખુશહાલ સ્થળો
1. રિચમન્ડ અપોન થેમ્સ, લંડન 2. હેરોગેટ, યોર્કશાયર એન્ડ ધ હમ્બર 3. સિરેન્સેસ્ટર, સાઉથ વેસ્ટ 4. મોનમાઉથ, વેલ્સ 5. હોવ, સાઉથ ઈસ્ટ 6. ચોર્લી, નોર્થ વેસ્ટ 7. સ્કિપ્ટન, યોર્કશાયર એન્ડ ધ હમ્બર 8. લેન્ડ્રિન્ડોડ વેલ્સ, વેલ્સ 9. હોર્શમ, સાઉથ ઈસ્ટ 10. હેક્સહામ, નોર્થ ઈસ્ટ
લંડનના ટોપ 10 ખુશહાલ વિસ્તાર
1. રિચમન્ડ અપોન થેમ્સ 2. કેન્સિંગ્ટન એન્ડ ચેલ્સિયા 3. કિંગ્સ્ટન અપોન થેમ્સ 4. વેસ્ટમિન્સ્ટર 5. વાન્ડ્સવર્થ 6. કેમડેન 7. ઇસ્લિંગ્ટન 8. સાઉથવાર્ક 9. હેમરસ્મિથ એન્ડ ફુલહામ 10. મર્ટન
લંડનના સૌથી ઓછા ખુશહાલ 10 વિસ્તાર
33. બાર્કિંગ એન્ડ ડેગનહામ 32. લેવિશામ 31. હેવરિંગ 30. હેરો 29. ક્રોયડન 28. બ્રેન્ટ 27. હાઉન્સલો 26. ન્યુહામ 25. ટાવર હેમ્લેટ્સ 24. ઈલિંગ


