યુકેમાં સૌપ્રથમ જર્સીએ આસિસ્ટેડ ડાઈંગ કાયદો ઘડવાનો માર્ગ મોકળો બનાવ્યો

Wednesday 01st December 2021 06:22 EST
 
 

લંડનઃ ચેનલ આઈલેન્ડ જર્સીની સ્ટેટ્સ એસેમ્બલીએ ૩૬ વિરુદ્ધ ૧૦ મતથી આસિસ્ટેડ ડાઈંગનો કાયદો બદલવાને મંજૂરી આપી છે. આના પરિણામે, ભવિષ્યમાં સહાય મૃત્યુનો કાયદો ઘડવાનો માર્ગ મોકળો બન્યો છે. આ સાથે આસિસ્ટેડ ડાઈંગને બહાલી આપવામાં જર્સી પ્રથમ બ્રિટિશ પાર્લામેન્ટ બની છે.

જર્સીની કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ હવે આસિસ્ટેડ ડાઈંગનો કાયદાનો મુસદ્દો ઘડવાની કામગીરી હાથ ધરશે જેના પર આગામી વર્ષના અંત સુધીમાં સ્ટેટ એસેમ્બલીમાં ચર્ચા કરાશે. જોકે, આસિસ્ટેડ ડાઈંગને પરવાનગી આપતા કોઈ પણ કાયદાને બહાલી ૨૦૨૩ સુધી અપાય તેવી શક્યતા નથી. બ્રિટિશ ક્રાઉન ડિપેન્ડન્સી તરીકે જર્સી વેસ્ટમિન્સ્ટરથી સ્વતંત્ર રીતે આ મુદ્દે કાયદો ઘડી શકે છે.

જર્સી સ્વિટ્ઝર્લેન્ડના ડિગ્નિટાસ ક્લિનિકનો માર્ગ અનુસરશે નહિ જ્યાં, વિશ્વભરના લોકોને પોતાના જીવનનો અંત લાવવા જઈ શકે છે. જર્સીના કાયદા અનુસાર યાતનાને દૂર ન કરી ન શકાય તેવી અસાધ્ય બીમારીથી પીડાતા હોવાનું નિદાન કરાયું હોય અને છ મહિનાની અંદર જેમના મોતની સંભાવના હોય તેવા ૧૮ અથવા તેથી વધુ વયના સ્થાનિક રહેવાસીઓ જ સહાયમૃત્યુનો વિકલ્પ પસંદ કરી શકશે. આ કાયદામાં એમ પણ સ્પષ્ટ કરાશે કે જે લોકો પોતાના જીવનનો અંત લાવવા ઈચ્છતા હોય તેમની ‘પોતાના જીવનનો અંત લાવવાની સ્પષ્ટ, સ્થિર અને માહિતી આપતી ઈચ્છા વ્યક્ત’ કરવાની રહેશે અને તેમનામાં ‘આવો નિર્ણય લેવાની ક્ષમતા’ પણ હોવી જોઈશે. આ કાયદામાં આસિસ્ટેડ ડાઈંગ સેવા નિઃશુલ્ક રખાશે કે તેની કોઈ ફી લેવાશે તેનો પણ સમાવેશ કરાશે. જર્સીમાં NHS નથી અને હોસ્પિટલ સારવાર નિઃશુલ્ક છે પરંતુ, GPને મળવા સહિત અન્ય આરોગ્ય મુલાકાતો માટે ચૂકવણી કરવાની રહે છે.

આસિસ્ટેડ ડાઈંગ અને બ્રિટન

ઈંગ્લેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં આત્મહત્યામાં મદદ કરવાને અપરાધ ગણાય છે. દોષિતને ૧૪ વર્ષ સુધી જેલની સજા થઈ શકે છે. સ્કોટલેન્ડમાં આત્મહત્યામાં મદદ ચોક્કસ અપરાધ નથી પરંતુ, વ્યક્તિને મરવામાં મદદ કરવાથી કલ્પેબલ હોમિસાઈડ- સજાપાત્ર માનવવધ માટે કાનૂની કાર્યવાહી થઈ શકે છે. જોકે. યુકે અને બ્રિટિશ ડિપેન્ડન્સીસના કેટલાક વિસ્તારો આસિસ્ટેડ ડાઈંગ કાયદાઓ ટુંક સમયમાં બદલી શકે છે.

ઓક્ટોબરમાં બેરોનેસ મિશેરનું આસિસ્ટેડ ડાઈંગ બિલ વિના વિરોધે પસાર કરાયું છે અને હવે હાઉસ ઓફ લોર્ડ્સમાં બીજા વાંચન પછી કમિટીના સ્ટેજ પર પહોંચશે. સાંસદ રોબ મારિસે ૨૦૧૫માં આવું જ બિલ કોમન્સમાં રજૂ કર્યું હતું તેનો પરાજય થયો હતો. જાન્યુઆરી ૨૦૨૦માં વેસ્ટમિન્સ્ટર હોલની ચર્ચામાં બહુમતી સભ્યોએ વર્તમાન કાયદાની સમીક્ષાની તરફેણ કરી હતી. સ્કોટલેન્ડમાં આસિસ્ટેડ ડાઈંગ સ્કોટલેન્ડ મેમ્બર્સ બિલની દરખાસ્તો જૂન મહિનામાં મૂકાી હતી. જેના વિશે સપ્ટેમ્બરમાં લોન્ચ કરાયેલું કન્સલ્ટેશન ૨૨ ડિસેમ્બર સુધી ખુલ્લું છે. આ બિલમાં સ્કોટલેન્ડમાં અતિ ગંભીર બીમાર, માનસિક સક્ષમ વયસ્કોને સહાયમૃત્યુની પસંદગીનો અધિકાર આપવાનો મુદ્દો છે.

વિશ્વમાં સ્વિટ્ઝર્લેન્ડ, બેલ્જિયમ, નેધરલેન્ડ્સ, લક્ઝમબર્ગ, ન્યૂ ઝીલેન્ડ, સ્પેન, ઓસ્ટ્રેલિયા, કોલમ્બિયા, કેનેડા તેમજ યુએસના ૧૧ રાજ્યોમાં આસિસ્ટેડ ડાઈંગ કાયદા હેઠળ અધિકારો અપાયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter