લંડનઃ સ્ટાફની અછત અનુભવી રહેલા અન્ય કોઈપણ સેક્ટર માટે યુકે કોઈ વિઝા સ્કીમ અમલી બનાવશે નહિ તેમ સૂત્રો દ્વારા જણાવાયું હતું. ક્રિસમસ તહેવાર નજીક આવી રહ્યો છે તે દરમિયાન પુરવઠો ખોરવાય નહિ તે માટે તાજેતરમાં સરકારે HGV ડ્રાઈવર્સ અને પોલ્ટ્રી વર્કર્સ માટે ટેમ્પરરી વિઝા સ્કીમ અમલમાં મૂકી હતી. હોસ્પિટાલિટી અને કેર સહિતના ક્ષેત્રોમાં સ્ટાફની અછતને લીધે અન્ય સેક્ટરો માટે પણ પોસ્ટ બ્રેક્ઝિટ ઈમિગ્રેશન નિયમોમાં તેવી જ છૂટછાટ આપવા માટે અનુરોધ થઈ રહ્યા છે. પરંતુ, સરકારે જણાવ્યું હતું કે કંપનીઓએ પગારધોરણ સુધારવું જોઈએ.
યુકે હોસ્પિટાલિટીના કેટ નિકોલ્સે ચેતવણી આપી હતી કે ટેમ્પરરી વિઝા જેવાં પગલાં વિના મહામારીમાંથી રીકવરી અટકી જશે. તેમણે ઉમેર્યું કે સેક્ટર લોકોને એપ્રેન્ટિસશીપમાં મદદ કરી રહ્યું હતું, ટ્રેનિંગ સ્કીમ્સ આપતું હતું અને તેમણે નોંધ્યું કે છેલ્લાં પાંચ વર્ષમાં પગારમાં ૧૯ ટકાનો વધારો થયો હતો. જોકે, સ્ટાફની લાંબા ગાળાની અછત હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીની રિકવરીમાં અવરોધરૂપ બની રહેશે. તેમણે તમામ વ્યાવહારિક પગલાં વિશે વિચારણા માટે સરકારને અનુરોધ કર્યો હતો.
પરંતુ, BBC ને કહેવાયું હતું કે હોમ ઓફિસ અને ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસીસ, એનર્જી એન્ડ ઈન્ડસ્ટ્રીયલ સ્ટ્રેટેજી દ્વારા અન્ય સેક્ટરો માટે વિઝાની શક્યતા વિશે હાલ કોઈ ચર્ચા કરાતી નથી. યુકે સરકારના એક સૂત્રે જણાવ્યું હતું કે ઉચ્ચ વેતનધોરણ, હાઈ સ્કીલ્ડ ઈકોનોમી માટે બિઝનેસીસે તેમના સ્ટાફ પાછળ મૂડીરોકાણ કરવું જોઈએ અને પગાર ધોરણ સુધારવું જોઈએ.