લંડનઃ યુકેમાં સ્ત્રીઓ સામે જર્મનીના કોલોન સ્ટાઈલના સામૂહિક સેક્સ હુમલા થવાના જોખમની ચેતવણી શીખ અને હિન્દુ કોમ્યુનિટીના અગ્રણીઓએ આપી છે. અગાઉના બાળ યૌનશોષણ કૌભાંડોમાંથી પાઠ ભણવો જોઈએ તેમ ધર્મનેતાઓએ કહ્યું હતું. તેમણે બિનમુસ્લિમ સ્ત્રીઓ પર મુસ્લિમ પુરુષોના હુમલાઓને હેટ ક્રાઈમ ગણવા સરકારને હાકલ કરી છે.
શીખ અને હિન્દુ નેતાઓએ સંયુક્ત નિવેદનમાં જર્મનીમાં સ્ત્રીઓ પર આરબ અને નોર્થ આફ્રિકન જણાતા પુરુષો દ્વારા સામૂહિક બળાત્કાર અને જાતીય હુમલાની યોજનાને રોધરહામ શોષણકૌભાંડ સાથે સરખાવી હતી. આ કૌભાંડમાં મુખ્યત્વે પાકિસ્તાની મૂળના પુરુષો સહિતના જૂથો દ્વારા ૧૯૯૭-૨૦૧૩ના ગાળામાં ઓછામાં ઓછાં ૧,૪૦૦ બાળકોનું જાતીય શોષણ કરાયું હતું. આ જૂથોએ હિન્દુ અને શીખ બાળાઓને પણ લક્ષ્ય બનાવી હતી.
નેતાઓએ સત્તાવાળાઓ ઈસ્લામોફોબિયાના આક્ષેપના ભયે આ અપરાધોને નજરઅંદાજ કરી રહ્યાં હોવાનું પણ જણાવ્યું હતું. પ્રોફેસર જયની ઈન્ક્વાયરીનો રિપોર્ટ ઓગસ્ટ ૨૦૧૪માં આવી જવા છતાં કોઈની ધરપકડ થઈ નથી કે સત્ય છુપાવી અપરાધીઓને છાવરવા બદલ કોઈના પર આરોપ દાખલ કરાયા નથી.
શીખ અને હિન્દુ જૂથોના સંયુક્ત નિવેદન પર નેટવર્ક ઓફ શીખ ઓર્ગેનાઈઝેશન્સના લોર્ડ ઈન્દરજિતસિંહ ઓફ વિમ્બલ્ડન, ધ હિન્દુ કાઉન્સિલ યુકેના અનિલ ભાનોટ, ધ શીખ અવેરનેસ સોસાયટીના મોહનસિંહ ખાલસા અને ધ શીખ મીડિયા મોનિટરિંગ ગ્રૂપ યુકેના આશિપ જોષીએ હસ્તાક્ષર કર્યા છે.

