લંડનઃ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને હિન્દુ, જૈન અને શીખ સમુદાયો માટે સ્મશાનગૃહ સવલતો મુદ્દે સમીક્ષા આરંભી છે, જેથી તમામ ઉપયોગકર્તા અને સંપ્રદાયોની જરુરિયાતો પૂર્ણ કરી શકાય. વર્તમાન સવલતો નાની અને અપૂરતા સાધનોવાળી હોવાની ફરિયાદોના પગલે બ્રિટિશ હિન્દુઓ અને શીખો રજૂઆતો કરી શકશે. ડિપાર્ટમેન્ટ ફોર કોમ્યુનિટીઝ એન્ડ લોકલ ગવર્મેન્ટ સાથે આ મસલતો પછી વર્તમાન સવલતોને સુધારવા કાયદા અનુસાર કયા પગલાં લઈ શકાય તે સરકાર સમજી શકશે. ૨૦૧૧ સેન્સસ મુજબ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૨૭ ટકા (૮૧૭,૦૦) બ્રિટિશ નાગરિકો હિન્દુ છે અને ૧૪ ટકા (૪૨૩,૦૦૦) શીખ છે. બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીના પ્રતિનિધિઓએ સમીક્ષાને આવકારી છે.
હિન્દુ ફોરમ ઓફ બ્રિટનના પ્રમુખ તૃપ્તિ પટેલે કહ્યું હતું કે, ‘અમે ઘણા વર્ષથી સ્મશાનગૃહ સવલતો માટે અભિયાન ચલાવીએ છીએ. કન્ઝર્વેટિવ સરકાર આ મહત્ત્વપૂર્ણ મુદ્દે મસલતો આરંભશે તે પછી આપણા સમુદાયની જરુરિયાતો પૂર્ણ થશે તેવી આશા છે.’
નેશનલ કાઉન્સિલ ઓફ હિન્દુ ટેમ્પલ્સ (યુકે)ના જનરલ સેક્રેટરી સતીશ કે. શર્માએ કહ્યું હતું કે, ‘માત્ર ત્રણ મહિનાની સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. ઘણા હિન્દુ કર્મશીલો લાંબા સમયથી આ માટે અભિયાન ચલાવી રહ્યા છે. અમે તેમના આભારી છીએ.અમે આ મસલતોમાં ચોક્કસ ભાગ લઈશું.’
સિટી શીખ્સ નેટવર્કના અધ્યક્ષ જસવીરસિંહે જણાવ્યું હતું કે,‘યુકેમાં સ્મોશાનગૃહોની હાલત વિશે બ્રિટિશ પ્રજા સાથે મસલતો કરવાની સરકારની યોજનાને અમે આવકારીએ છીએ. યુકેમાં મૃત્યુ પામતા ૭૦ ટકા લોકોનો અગ્નિદાહ કરાય છે. આ માત્ર શીખો કે હિન્દુઓ જેવી ધાર્મિક કોમ્યુનિટીઝને સ્પર્શતો મુદ્દો નથી, પરંતુ માનવ ગૌરવ અને શોકાતુર લોકોની જરુરિયાતો પૂર્ણ કરવાનો મુદ્દો છે. અમે આ મસલતોમાં ચોક્કસ ભાગ લઈશું.’
ધ હિન્દુ કાઉન્સિલ ઓફ વેલ્સના વિમળાબહેને જણાવ્યું હતું કે,‘સ્મશાનગૃહોની સમીક્ષા કરવાનો નિર્ણય ખરેખર સારો છે. કાર્ડિફમાં સ્મશાનગૃહ ખાતે સાંસ્કૃતિક સંવેદનશીલતાના નિવારણ અર્થે કાર્ડિફ કાઉન્સિલ હિન્દુઓ સાથે મળી કામ કરી રહી છે. કાર્ડિફમાં હિન્દુ પરિવારો માટે મૃત સ્નેહીજનોના અસ્થિવિસર્જન માટે યોગ્ય સ્થળ અપાય તે માટે ધ હિન્દુ કાઉન્સિલ ઓફ વેલ્સ કાર્ડિફ કાઉન્સિલ સાથે વાતચીત કરી રહેલ છે. સ્નેહીજનોને પરંપરા અનુસાર આખરી વિદાય અપાય તે આવશ્યક છે. પરંતુ કાર્ડિફ બહાર હિન્દુઓની જરુરિયાતો પૂર્ણ થતી નથી. આ મહત્ત્વપૂર્ણ મુદ્દાની વિચારણા માટે અમે જ્યાર્જ ઓસ્બોર્નના આભારી છીએ અને તમામ હિન્દુઓ માટે અમે મસલતોમાં સામેલ થઈશું.’