તાજેતરમાં એઈલ્સબરીની ક્રિતિકા કાટલાએ હાઉસ ઓફ કોમન્સમાં ચોંકાવનારી વાત કરી હતી કે યુકેમાં હિન્દુ તરીકે ઉછરવું એટલે શું? તેણે વાતની શરૂઆત સ્કૂલના ડિનરથી કરી હતી. તે પાંચ વર્ષની હતી અને તેને સ્કૂલમાં બીફ-ગોમાંસ પીરસાયું હતું. હિન્દુ બાળક જેના માટે ગાય એટલે પવિત્ર માતા છે, આ નાનું છતાં ચોંકાવનારું અપમાન હતું. શા માટે અપમાન હતું તે સમજાવવા માટે તે ઘણી નાની હતી અને આસપાસના પુખ્ત લોકો પણ સમજી શકતા ન હતા. આઠ વર્ષ પછી તે 13 વર્ષની હતી ત્યારે તેની ક્રોમબૂક પર સ્વસ્તિક નિીહાળીને સહપાઠીઓ પૂછવા લાગ્યા તે નાઝી છે કે શું? ઘણા ઓછાં લોકોને ખબર હતી કે 20મી સદીના યુરોપમાં સ્વસ્તિક જોવા મળ્યો તેના 4000થી વધુ વર્ષ પહેલાંથી હિન્દુઈઝમમાં સ્વસ્તિક પવિત્ર પ્રતીક ગણાતું આવ્યું છે. પવિત્રતા અને કલ્યાણનું પ્રતીક યુકેના ક્લાસરૂમમાં ઘૃણા-તિરસ્કારના પ્રતીક તરીકે નિહાળાતું હતું. હિન્દુ બાળકોને શાળામાં મીડિયામાં અને તેમના વડીલો પાસેથી શીખવા-જાણવા મળે છે તેવું હિન્દુઈઝમનું મૂક અને ખોટું અર્થઘટન હતું.
હિન્દુવિરોધી ઘૃણા અને ક્લાસરુમ વચ્ચે ખાઈ
કાટલાએ આંકડા ટાંકીને જણાવ્યું હતું કે યુકે સ્કૂલ્સમાં હિન્દુઈઝમની સ્થિતિ, 2021 વિશે INSIGHT UKના રિપોર્ટ અનુસાર 51 ટકા હિન્દુ પેરન્ટ્સ કહે છે કે તેમના બાળકોએ હિન્દુફોબિયા અનુભવ્યો છે અને 98 ટકા માને છે કે શાળાઓમાં હિન્દુત્વ વિશે ખોટું ભણાવાય છે. મુદ્દો સ્પષ્ટ છે. ઘણા હિન્દુ પરિવારોને લાગે છે કે તેમની આસ્થા વિશે સમજાવાતું નથી કે યોગ્ય શીખવાતું નથી. કાટલાએ રોષ સાથે નહિ, પરંતુ રચનાત્મકપણે વધુ ચોકસાઈપૂર્ણ અભ્યાસક્રમો, વધુ આદરપાત્ર મીડિયા રિપોર્ટિંગ અને હિન્દુ સાહિત્ય અને ફીલોસોફીને સમાવતા પાઠ માટે અનુરોધ કર્યો હતો.
યુકેમાં હિન્દુવિરોધી ઘૃણા વિશે INSIGHT UKનો રિપોર્ટ શું કહે છે
INSIGHT UKતેના 2025ના હિન્દુવિરોધી ઘૃણાના સરવે પર આધારિત રિપોર્ટ લોન્ચ કરનાર છે. સરવેમાં યુકેના હિન્દુઓ ધાર્મિક ઘૃણાની ઘટનાઓ વિશે શું માને છે, અનુભવે છે અને રિપોર્ટ કરે છે તે પૂછવામાં આવ્યું હતું. માર્ચ અને જુલાઈ 2025ના ગાળામાં કરાયેલા સરવેમાં 2688 માન્ય પ્રતિભાવ મળ્યા હતા. આ તારણો કોમ્યુનિટીની ગંભીર ચિંતાને ઉજાગર કરે છે. INSIGHT UKના સરવેમાં 100 ટકા પ્રતિભાવકોએ નફરતની ઘટનાઓના સાક્ષી અથવા પ્રત્યક્ષ અનુભવ હોવાનુો રિપોર્ટ કર્યો હતો. આમાં શારીરિક હિંસાથી માંડી ઓનલાઈન ત્રાસ-કનડગતથી મંદિરોમાં તોડફોડ તેમજ મીડિયા અને શિક્ષણમાં હિન્દુત્વના સતત ખોટાં અર્થઘટનોનો સમાવેશ થયો હતો. INSIGHT UKના નિષ્કર્ષ અનુસાર યુકેમાં હિન્દુવિરોધી નફરત વધી રહી છે અને સિસ્ટેમિક-સર્વાંગી સમસ્યા બની રહી છે. કોઈ પણ કોમ્યુનિટીના સ્વપસંદગીના સરવેની માફક આ તારણોને પણ રાષ્ટ્રીય વ્યાપકતાના માપના બદલે કોમ્યુનિટીમાં જીવંત અનુભવના ચિત્ર તરીકે નિહાળવા-વાંચવા જોઈએ. તેના તરફ ઓછું ધ્યાન ન અંકાવુ જોઈએ.
ન્યાયની ખાઈ
તારણોમાં સૌથી ચિંતાજનક બાબત એ જોવા મળી છે કે ઘટના પછી શું થાય છે. રિપોર્ટ આ ચિંતાને ‘ન્યાયની ખાઈ’ કે ‘જસ્ટિસ ગેપ’ ગણાવે છે એટલે કે કાગળ પર અસ્તિત્વ ધરાવતી સુરક્ષાઓ અને તેના ઉપયોગની વિક્ટિમની ક્ષમતા વચ્ચેનું અંતર.
● જાગરુકતાઃ 48.5 ટકા પ્રતિભાવકો નફરતની ઘટનાઓને રિપોર્ટ કરવાના તેમના કાનૂની અધિકાર વિશે અથવા રિપોર્ટિંગ કેવી રીતે કરવું તેના વિશે જાણતા નથી.
● રિપોર્ટિંગઃ રિપોર્ટિંગ ચેનલ્સ વિશે જાણકારી ધરાવતા 51.5 ટકામાંથી માત્ર 6 ટકાએ જ સત્તાવાર સંસ્થાઓ સમક્ષ ઘટનાઓનું રિપોર્ટિંગ કર્યું હતું. INSIGHT UK ની દલીલ છે કે આના કારણે સત્તાવાર આંકડા હિન્દુવિરોધી નફરતનું પ્રમાણ ઓછું આંકે છે.
● અનુભવઃ પોલીસ, સ્કૂલ્સ અથવા એમ્પ્લોયર્સને રિપોર્ટ નહિ કરતી નાની લઘુમતીમાંથી 84 ટકાએ અનુભવને ‘ખરાબ’ અથવા ‘અતિ ખરાબ’ ગણાવ્યો હતો. તેમણે નિર્ણાયક કાર્યવાહીના અભાવ અને વળતા બદલાના ભયનો ઉલ્લેખ કર્યો હતો. ઘણા ઓછાં લોકો રિપોર્ટ કરે છે અને ઘણા રિપોર્ટ કરે છે ત્યારે યોગ્ય પ્રતિભાવ સાંપડતો નથી તે પરિસ્થિતિમાં સમસ્યા સત્તાવાર આંકડાઓમાં અદૃશ્ય જ રહી જાય છે.
કેવા પરિવર્તનની જરૂર છે
રિપોર્ટમાં ટર્મિનોલોજી સમસ્યા તરફ પણ અંગૂલિનિર્દેશ કરાયો છે. હિન્દુ કોમ્યુનિટી પાસે લક્ષ્યાંકિત ધર્માંધતા કે કટ્ટરતા માટે કોઈ વ્યાખ્યા કે વર્ગીકરણ નથી અને INSIGHT UK અનુસાર આના કારણે હિન્દુવિરોધી નફરત મોટા ભાગે નજરઅંદાજ કરાય છે અથવા તેને નાનું સ્વરૂપ અપાય છે.
તેની ભલામણોમાં આનો સમાવેશ થાય છેઃ
● નીતિવિષયક ચર્ચાઓમાં સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે હિન્દુ સમુદાયોને સાથે રાખવા ● શાળાઓ અને યુનિવર્સિટીઓમાં હિન્દુવિરોધી નફરત સંદર્ભે ફરજિયાત તાલીમ અને પૂર્વગ્રહવિરોધી શિક્ષણ સાથે હિન્દુત્વ વિશે શૈક્ષણિક અને જાગૃતિ અભિયાનો ● હિન્દુવિરોધી નફરતનો સામનો કરવા તેમજ હિન્દુ ડાયસ્પોરાના યોગદાનને બિરદાવતી નીતિઓ અને ઠરાવો ● ભેદભાવવિરોધી કાયદાની વ્યાખ્યામાં હિન્દુ સંસ્થાઓનો સ્પષ્ટપણે સમાવેશ કરતું લેજિસ્લેશન ● અન્ય ધાર્મિક ગ્રૂપ્સને પ્રાપ્ય રિસર્ચ, મોનિટરિંગ અને પ્રીવેન્શન માટેનું ફંડિંગ ● ઓનલાઈન હિન્દુવિરોધી કન્ટેન્ટ શોધવા અને દૂર કરવા મજબૂત મોડરેશન પોલિસી
તેની મુખ્ય દરખાસ્ત હિન્દુ નેતૃત્વમાં ઈન્ટરમેડિઅરી સંસ્થાની છે જેને હોમ ઓફિસ દ્વારા માન્ય રખાઈ છે. આ સંસ્થા ધાર્મિક નફરતના અપરાધને કેવી રીતે ઓળખવા અને રિપોર્ટ કરવા તેના વિશે જાગૃતિ ફેલાવશે, સાંસ્કૃતિક સંવેદના સાથે વિક્ટિમ સપોર્ટ અને સુરક્ષિત રિપોર્ટ ચેનલ્સની ઓફર કરશે અને વિશ્વસનીય વાર્ષિક ડેટા પ્રસિદ્ધ કરશે. તે પોલીસ સેવાઓ પરનો બોજ હળવો કરવા સાથે પોલીસ જેવી સંસ્થાઓ અને કોમ્યુનિટી વચ્ચે વિશ્વાસનું નિર્માણ કરશે.
યુકે બહુધર્મી સમાજ હોવાનું ગૌરવ ધરાવે છે. રિપોર્ટ કહે છે તેમ હિન્દુઓ દેશમાં સૌથી મોટું ત્રીજા ક્રમનું ધાર્મિક જૂથ છે. સમાજની પરીક્ષા એ છે કે તેની સંસ્થાઓ કોમ્યુનિટી પ્રત્યેની નફરતને ઓળખી શકે છે કે કેમ અને હિન્દુ બાળક ગેરસમજ થવાના કોઈ ભય વિના પવિત્ર ચિહ્ન ધરાવતી ક્રોમબૂક સાથે ક્લાસરૂમમાં બેસી શકે છે કે કેમ. રાજકારણીઓ, શાળાઓ અને મીડિયા પાસે હવે ટેસ્ટિમોની અને પુરાવાઓ, બંને છે. હવે તેઓ તેનો કેવો ઉપયોગ કરે છે તે જ જોવાનું રહે છે.


