લંડનઃ M15ના ડિરેક્ટર જનરલ એન્ડ્રયુ પાર્કરે બીબીસી રેડિયોને આપેલી મુલાકાતમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે ૩,૦૦૦થી વધુ શકમંદ ઈસ્લામિક ઉગ્રવાદીઓ બ્રિટનમાં હુમલાઓ કરવાની યોજનાઓ ઘડી રહ્યા છે. M15અને ત્રાસવાદવિરોધી પોલીસ આ શકમંદો પર નજર રાખી રહી છે. તરુણો સહિત બ્રિટિશ સ્ત્રી-પુરુષોને હિંસા ઉપજાવવા ઉદ્દામવાદી બનાવાઈ રહ્યા હોવાનું પણ તેમણે કહ્યું હતું. ટેરરિસ્ટ વોચલિસ્ટ પર રહેલા ઈસ્લામિક શકમંદોમાં અડધાથી વધુ તો લંડનના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં રહે છે, જ્યારે સાઉથઈસ્ટ, માન્ચેસ્ટર અને વેસ્ટ મિડલેન્ડ્સમાં પણ તેમનું મોટું પ્રમાણ છે.
M15ના ૧૦૬ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત લાઈવ બ્રોડકાસ્ટ આપનારા ૫૩ વર્ષીય ડિરેક્ટર જનરલ એન્ડ્રયુ પાર્કરે બીબીસી રેડિયો-૪ને જણાવ્યું હતું કે ઈન્ટેલિજન્સ સત્તાવાળાએ ગયા વર્ષે હુમલાની છ યોજના નિષ્ફળ બનાવી હતી. આ દેશમાં જન્મેલા- ઉછરેલા અને ત્રાસવાદ સાથે સંકળાયેલા લોકો આપણી શિક્ષણપદ્ધતિમાંથી જ બહાર આવ્યા છે, જેઓ પોતાના વતન અને જન્મના રાષ્ટ્રને દુશ્મન માને છે. આશરે ૧,૦૦૦ બ્રિટિશરો સીરિયાના જેહાદી જૂથોમાં જોડાયા હોવાનું મનાય છે, જેમાંથી ૩૦૦ પાછાં ફર્યા છે અને ૭૦ લોકોનું સીરિયા અને ઈરાકમાં યુદ્ધોમાં મોત થયું છે.
સિક્યુરિટી એજન્સીઓ પાસે ૨૦૦૭માં અલ-કાયદાના ૨૦૦૦ સક્રિય સમર્થકોની યાદી હતી તેમાં સીરિયામાં ઈસ્લામિક સ્ટેટના ઉદય પછીના બે વર્ષમાં ૫૦ ટકા હિંસક શકમંદોનો વધારો થયો છે.