લંડનઃ બ્રિટનમાં એક મિલિયન જેટલા ગેરકાયદે માઈગ્રન્ટ્સ રહે છે અને તેમના દેશનિકાલની શક્યતા ખૂબ ઓછી હોવાનું યુકે બોર્ડર એજન્સીના પૂર્વ વડા રોબ વ્હાઈટમેને જણાવ્યું હતું. અગાઉના અંદાજ કરતાં આ સંખ્યા વધુ છે અને તેનાથી થેરેસા મેએ તેઓ જ્યારે હોમ સેક્રેટરી હતા ત્યારે ઘડેલી ઈમિગ્રેશન પોલિસી પર પ્રશ્રો ઉભા થશે. બ્રિટનની સીમા સુરક્ષા તદ્દન બેહાલ છે અને લોકોની ગેરકાયદે હેરાફેરી રોકવા ૭,૦૦૦ માઈલના સમુદ્રીતટના રક્ષણ માટે ત્રણ પેટ્રોલ બોટ જ કાર્યરત છે.
૨૦૧૧થી ૨૦૧૩ સુધી યુકે બોર્ડર એજન્સીના ચીફ રહેલા વ્હાઈટમેને જણાવ્યું હતું કે દેશમાં મોટી સંખ્યામાં રહેતા ગેરકાયદે વર્કરોના મુદ્દે ધ્યાન આપવાની જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે બ્રિટન માટે ઘેરી બનેલી આ સમસ્યાનો સામનો કરવાનું સરળ નથી. હજારો લોકોને દેશનિકાલ કરવા માટે સરકાર પાસે પૂરતા સંસાધનો કે રાજકીય વ્યવસ્થા નથી. યુકેમાં ગેરકાયદે કામ કરતા માઈગ્રન્ટ્સની ચોક્કસ સંખ્યા પણ હોમ ઓફિસ પાસે નથી.
માઈગ્રેશન ક્રાઈસીસ વિશેના MP's રિપોર્ટમાં જણાવાયું હતું કે બ્રિટનના બોર્ડર સિક્યોરિટી ફોર્સ પાસે ૭,૦૦૦ માઈલના દરિયાકાંઠાની સુરક્ષા માટે માત્ર ત્રણ પેટ્રોલ બોટ છે, જે ગંભીર ચિંતાની બાબત છે. તેની સરખામણીમાં બ્રિટનથી ૩,૦૦૦ માઈલ નાનો દરિયાકિનારો ધરાવતા ઈટાલી પાસે સુરક્ષા માટે ૬૦૦ જહાજ છે. રિપોર્ટમાં દાણચોરો અને માઈગ્રન્ટ્સનું સોફ્ટ ટાર્ગેટ બનેલા નાના બંદરો અને બીચનું રક્ષણ કરવા માટે બોર્ડર ફોર્સને રોયલ નેવી શીપ્સની મદદ પૂરી પાડવા ભલામણ કરાઈ હતી.
ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશન મુજબ યુરોપમાં ગયા વર્ષે ૧.૨૫ મિલિયન શરણાર્થીઓની સામે આ વર્ષે છ મહિનામાં ૨.૫૦ લાખથી વધુ માઈગ્રન્ટ્સ આવ્યા હતા.


