લંડનઃ બ્રિટનવાસીઓ સ્ટ્રીટમાં લૂંટાય તેના કરતાં કોમ્પ્યુટર પર ઓનલાઈન છેતરાય તેવી ૨૦ ગણી શક્યતા વધારે છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ દ્વારા એકત્ર માહિતી મુજબ ગયા વર્ષે ઓનલાઈન ફ્રોડ અને અન્ય સાઈબર ક્રાઈમના ૫.૮ મિલિયન ગુના નોંધાયા હતા. એનો અર્થ એવો થાય કે દેશની દર ૧૦ વ્યક્તિમાંથી એક તેનો ભોગ બની હતી.
આ આંકડા માત્ર છેલ્લા છ મહિનાના છે. તેમાંથી ૨.૫ મિલિયન બેંક અને ક્રેડિટ કાર્ડ ઠગાઈના, એક મિલિયનથી વધુ ઓનલાઈન શોપિંગ કૌભાંડના અને ૧.૮ મિલિયન રોમાન્સ કૌભાંડના હતા. હાલ સૌથી વધુ પ્રમાણમાં થતો ગુનો છેતરપિંડી છે. લોકો અન્ય રીતે ચોરીનો ભોગ બને તેના કરતાં ઠગાઈનો ભોગ બનવાની શક્યતા દસ ગણી વધારે છે.
પરંપરાગત ગુનાઓ કરતાં સાઈબર ગુનાનો ભોગ તમામ વયના, તમામ સમાજના અને તમામ વિસ્તારના લોકો બને છે. તેનો અર્થ થાય કે નિયમિતપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરતી કોઈ પણ વ્યક્તિ સલામત નથી. ક્રાઈમ સર્વે ઓફ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં ફ્રોડ અને સાઈબર ગુના વિશેના પ્રશ્રોનો સમાવેશ કરાયા બાદ આ પ્રથમ વખત આ સમસ્યાની પ્રમાણ વિશે સત્તાવાર અંદાજ મૂકાયો છે.
ઓનલાઈન ફ્રોડ અને સાઈબર ગુનાના આંકડા સિવાયના ગુનામાં છેલ્લાં ૧૨ મહિનામાં ૬ ટકાનો ઘટાડો થયો છે. ૬.૩ મિલિયન લોકોએ પોતે ગુનાનો ભોગ બન્યા હોવાની નોંધ કરાવી હતી. જોકે, હત્યા, નાઈફ અને ગન ક્રાઈમ તથા સેક્સ ગુનાઓના આંકમાં પણ પ્રતિ વર્ષ વધારો થઈ રહ્યો છે


