લંડનઃ બ્રિટનમાં આશ્રય માગનારા ૧૧,૯૮૮ માઈગ્રન્ટ્સ ભાગેડું છે, જેઓ બોર્ડર સત્તાવાળાઓ સાથે તેમની પ્રથમ બેઠક માટે હાજર થયા નથી. આ સાથે તેમની શોધખોળ માટેનો ખર્ચાળ તબક્કો શરુ કરાયો છે. આથી, ભારે વિલંબિત કાર્યવાહીમાં વધુ ખર્ચાળ વિલંબ થશે.
હાલ ૭૭,૦૦૦ એસાઈલમ સીકર્સની અરજીઓ પર કાર્યવાહી શરુ કરાઈ ત્યારે ૧૧,૯૮૮ માઈગ્રન્ટ્સ પ્રથમ બેઠક માટે હાજર થયા ન હતા. આનો અર્થ એવો પણ થઈ શકે છે કે તેમની અરજી પાછી ખેંચી લેવાઈ છે અને તે કદાચ ફરી રજૂ કરાશે. આ ઉપરાંત, હોમ ઓફિસે અદૃશ્ય થઈ ગયેલા માઈગ્રન્ટ્સને શોધવા માટે ટીમો પણ મોકલવી પડશે.
હોમ ઓફિસે જણાવ્યું છે કે તમામ ભાગેડુંની શોધખોળ માટે તેમને વોચ લિસ્ટ અને પોલીસ નેશનલ કોમ્પ્યુટર પર મૂકી દેવાયા છે. એસાઈલમ સીકર્સના કેસમાં જેટલો વિલંબ થાય તેનાથી તેમને દૂર કરવામાં નવા સંબંધો, બાળકના જન્મ તથા અન્ય કોમ્યુનિટી સંબંધો સહિતના નવા અંતરાયો સર્જાય છે.


