યુકેમાં ૧૨ ડિસેમ્બરે ચૂંટણીઃ ઈલેક્શન બિલ પાર્લામેન્ટમાં પસાર

બોરિસને ચોથા પ્રયાસે સફળતાઃ કોમન્સમાં ૧૨મી ડિસેમ્બરે ચૂંટણી યોજવાનું બિલ અભૂતપૂર્વ ૪૩૮ વિરુદ્ધ ૨૦ મતથી પસારઃ જેરેમી કોર્બીનનો ચૂંટણીબિલને નાટ્યાત્મક ટેકોઃ યુરોપિયન યુનિયને ૩૧ જાન્યુઆરી સુધી બ્રેક્ઝિટ લંબાવવા બહાલી આપી

Tuesday 29th October 2019 23:48 EDT
 
 

લંડનઃ ક્રિસમસ ૨૦૧૯માં મધ્યસત્ર ચૂંટણી કરાવી બ્રેક્ઝિટ મડાગાંઠ તોડવાની યોજનામાં વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને આખરે ચોથા પ્રયાસે સફળતા મળી હતી. જોકે, ૩૧ ઓક્ટોબરે બ્રેક્ઝિટની તેમની ઈચ્છા પૂર્ણ થઈ નથી. વડા પ્રધાને સ્કોટિશ નેશનલ પાર્ટી અને લિબરલ ડેમોક્રેટ્સના સમર્થન સાથે આ બિલ રજૂ કર્યું હતું. હાઉસ ઓફ કોમન્સમાં સાંસદોએ ૧૨મી ડિસેમ્બરે ચૂંટણી યોજવાના બિલને અભૂતપૂર્વ ૪૩૮ વિરુદ્ધ ૨૦ મતથી પસાર કર્યું હતું. એક પેજના ખરડાને હાઉસ ઓફ લોર્ડ્સમાં પણ વિના અવરોધ બહાલી અપાઈ છે. અગાઉ ચૂંટણીનો વિરોધ કરનારા લેબરનેતા જેરેમી કોર્બીને નાટ્યાત્મકપણે વલણ બદલી ચૂંટણીબિલને ટેકો આપ્યો હતો. જોકે, ૧૦૦થી વધુ લેબર સાંસદોએ કોર્બીનના આદેશને અવગણ્યો હતો અને મતદાનનો બહિષ્કાર કર્યો હતો. અગાઉ, વહેલી ચૂંટણી યોજવાના સરકારના પ્રયાસને બે તૃતીઆંશ બહુમતી ન મળવાથી તેનો પરાજય થયો હોવાથી નવો ખરડો લાવવાની જરૂર પડી હતી. યુરોપિયન યુનિયને ૩૧ જાન્યુઆરી સુધી બ્રેક્ઝિટ લંબાવવા બહાલી આપી હોવાથી ૨૦૨૦ના આરંભે જ બ્રેક્ઝિટ શક્ય બનશે.

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ૧૨ ડિસેમ્બરે ચૂંટણી યોજવાના પ્રયાસને કોમન્સમાં સફળતા પ્રાપ્ત થયા પછી નવા વર્ષના આરંભે યુકેને ઈયુમાંથી બહાર લાવી શકાય તે માટે તેમને અને ટોરી પાર્ટીને બહુમતી આપવા મતદારોને જણાવ્યું હતું. વડા પ્રધાને ખાતરી ઉચ્ચારી હતી કે જો તેઓ ચૂંટણીમાં વિજયી નીવડશે તો બ્રેક્ઝિટ સમજૂતી પસાર કરાવવા તત્કાળ કોમન્સ સમક્ષ આવશે અને વર્તમાન અચોક્કસતાનો અંત લાવશે. ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે તેઓ જાન્યુઆરીમાં બ્રેક્ઝિટ પસાર કરાવશે તેમજ ૨૦૨૦માં શાળાઓ, હોસ્પિટલ્સ અને પોલીસ વ્યવસ્થા સહિતના ડોમેસ્ટિક એજન્ડાને પૂર્ણ કરવા તરફ ધ્યાન આપશે.

વડા પ્રધાન જ્હોન્સન, સ્કોટિશ નેશનલ પાર્ટી અને લિબરલ ડેમોક્રેટ્સના ભારે દબાણ સામે જેરેમી કોર્બીને આખરે નમતું જોખ્યા પછી ૧૨ ડિસેમ્બરે દેશમાં ચૂંટણી યોજવાનો માર્ગ મોકળો બન્યો છે. રાજકારણ અને પ્રક્રિયાના કડવા કાવાદાવાઓ પછી ખરડાને કોમન્સમાં બહાલી મળી હતી. સાંસદોએ નવ ડિસેમ્બરે ચૂંટણી યોજવાના સુધારાને ૩૧૫ વિરુદ્ધ ૨૯૫ મતથી નકાર્યો હતો અને સરકારની ધારેલી ૧૨ ડિસેમ્બરે ચૂંટણી યોજવાની તરફેણમાં અભૂતપૂર્વ ૪૩૮ વિરુદ્ધ ૨૦ મતથી બહાલી આપી હતી. આ ખરડાને હાઉસ ઓફ લોર્ડ્સમાં પણ પસાર કર દેવાયો હતો. ૧૯૨૩ પછી પહેલી વખત ડિસેમ્બરમાં ચૂંટણી યોજાનાર છે.

લોર્ડ્સમાં પણ બિલ પસાર

યુકેમાં ક્રિસમસ અગાઉ ૧૨ ડિસેમ્બરે સામાન્ય ચૂંટણી કરાવવાના બિલને હાઉસ ઓફ લોર્ડ્સમાં પણ બહાલી મળી હતી. કોમન્સમાં પસાર કરાયેલા ખરડાને લોર્ડ્સમાં બીજા વાંચનમાં કોઈ વિરોધ વિના પસાર કરાયું હતું. હવે તેને કાયદા તરીકે મંજૂર કરાવવા મહારાણીની મહોર માટે મોકલવામાં આવ્યું છે. લોર્ડ્સના નેતા બેરોનેસ ઈવાન્સ ઓફ બાઉસ પાર્કે જણાવ્યું હતું કે ચૂંટણીથી મડાગાંઠ ઉકેલી શકાશે. આ પછી છઠ્ઠી નવેમ્બરે પાર્લામેન્ટને વિસર્જિત કરાવા સાથે ૧૨ ડિસેમ્બરની ચૂંટણીનો માર્ગ મોકળો થશે. ધ અર્લી પાર્લામેન્ટરી જનરલ ઈલેક્શન બિલથી ધ ફિક્સ્ડ-ટર્મ પાર્લામેન્ટ્સ એક્ટની જોગવાઈઓ બાજુએ રાખી શકાય છે જેનો, અર્થ એ છે કે સરકારને તેને પસાર કરાવવા બે તૃતીઆંશ બહુમતીની જરૂર રહેતી નથી.

લેબર પાર્ટીમાં આંતરિક ઘમાસાણ

હાઉસ ઓફ કોમન્સમાં લેબર પાર્ટીએ સામાન્ય ચૂંટણીના બિલને પસાર કરાવવામાં ટેકો આપ્યો પરંતુ, જેરેમી કોર્બીનના આ પગલાથી પાર્ટીમાં આંતરિક બળવાની સ્થિતિ સર્જાઈ છે. લિબરલ ડેમોક્રેટ્સ અને સ્કોટિસ નેશનલ પાર્ટીએ બોરિસ જ્હોન્સનના બિલને ટેકો જાહેર કર્યા પછી અઠવાડિયાઓ સુધી અવઢવમાં રહેલા જેરેમી કોર્બીન પાસે પણ સમર્થન આપવા સિવાય કોઈ માર્ગ રહ્યો ન હતો. જોકે, ચૂંટણીથી પોતાની બેઠક ગુમાવવી પડે તેવા ભય સાથે ૧૦૪ લેબર સાંસદોએ મતદાનથી અળગા રહી કોર્બીન સામે વિરોધ પ્રગટ કર્યો હતો જ્યારે, ૧૧ સાંસદોએ બિલની વિરુદ્ધ મતદાન કર્યું હતું. માત્ર ૧૨૭ લેબર સાંસદોએ કોર્બીનની સાથે રહી ઈલેક્શનની તરફેણમાં મત આપ્યો હતો. અગાઉ, ફ્રન્ટબેન્ચના વરિષ્ઠ સભ્યોએ ચૂંટણીને સમર્થન નહિ આપવા કોર્બીનને અનુરોધ કર્યો હતો. લેબર પાર્ટીના સભ્યોને ચૂંટણીમાં ટોરી પાર્ટી ઉપરાંત, લિબરલ ડેમોક્રેટ્સ અને બ્રેક્ઝિટ પાર્ટીને સામનો કરવો પડશે તેવો ડર છે.

૧૦ બળવાખોર ટોરી સાંસદો પુનઃ પાર્ટીમાં

સામાન્ય ચૂંટણીના ખરડાને વિજય મળવાના સંકેતો સાથે જ જ્હોન્સને તેમના નો-ડીલ બ્રેક્ઝિટનો વિરોધ કરવાના પગલે હકાલપટ્ટી કરાયેલા ૨૧ પૂર્વ સભ્યોમાંથી ૧૦ સભ્યને પુનઃ પાર્ટીમાં સ્થાન આપી દીધું છે. જ્હોન્સન આ સભ્યોને કોમન્સમાં મળ્યા હતા અને પાર્ટીમાં પુનઃ સમાવી લેવાની તક ઓફર કરી હતી. આ સભ્યોએ ઓફર સ્વીકારી લેતા તેઓ ઈચ્છા હશે તો આગામી ચૂંટણીમાં ટોરી પાર્ટીના ઉમેદવાર તરીકે ઉભા રહી શકશે. કન્ઝર્વેટિવ પાર્ટીમાં પરત આવેલા સભ્યોમાં એલિસ્ટર બર્ટ, કેરોલિન નોક્સ, ગ્રેગ કર્લાર્ક, સર નિકોલસ સોમ્સ, એડ વેઈઝી, માર્ગોટ જેમ્સ, રિચાર્ડ બેન્યોન, સ્ટીફન હેમન્ડ, સ્ટીવ બ્રાઈન અને રિચાર્ડ હેરિંગ્ટનનો સમાવેશ થાય છે. પૂર્વ ચાન્સેલર ફિલિપ હેમન્ડ અને કેન ક્લાર્ક સહિત ૧૧ બંડખોરોને પાર્ટીમાં આવકારની તક અપાઈ નથી. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર વડા પ્રધાનના ટીકાકારોને પણ પાર્ટીમાં પરત ફરવાની તક રહેલી છે.

ચૂંટણીમાં વિજયની કોને તક?

બ્રેક્ઝિટ પર કેવી અસર થશે?

ટોરી પાર્ટીને બોરિસ જ્હોન્સનની આગેવાની હેઠળ ચૂંટણીમાં વિજયની ભારે તક જણાય છે. નાઈજેલ ફરાજની બ્રેક્ઝિટ પાર્ટીનો સાથ પણ તેમાં મળી શકે છે. ઈયુવિરોધી મતનું વિભાજન ન થાય તે માટે ફરાજે જાહેર કર્યું છે કે તેઓ બધી બેઠકો લડવાના નથી અને લેબર પાર્ટીની સામે વધુ ઉમેદવાર ખડા કરશે. લિબરલ ડેમોક્રેટને તેમના નેતા જો સ્વિન્સન અને રીમેઈનર્સ ગઠબંધન પાસે મોટી આશા છે. જો સ્વિન્સન વડા પ્રધાન બનવાની હોડમાં રહેશે. તેઓ આ ચૂંટણીને બ્રેક્ઝિટ અટકાવવાની શ્રેષ્ઠ તક ગણાવે છે. સ્કોટિશ નેશનલ પાર્ટી (SNP)ના નેતા અને સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જન ચૂંટણીને આઝાદીના બીજા રેફરન્ડમને તેમના એજન્ડામાં મૂકવાની મોટી તક ગણાવે છે. SNPનો વિજય અભૂતપૂર્વ રહેશે અને પોતાનું ભાવિ નક્કી કરવાની પસંદગીના સ્કોટલેન્ડના અધિકારને આગળ વધારશે. ઉલ્લેખનીય છે કે સ્કોટલેન્ડ ઈયુમાં રહેવાની તરફેણ કરે છે.

ઈયુ દ્વારા બ્રેક્ઝિટમાં ત્રણ મહિનાના વિલંબને મંજૂરી આપી દેવાઈ છે તેથી ચૂંટણી માટે પૂરતો સમય મળી રહેશે અને બ્રેક્ઝિટ પ્રક્રિયા હાલ પૂરતી અટકાવી દેવાઈ છે. જો બોરિસ જ્હોન્સન બહુમતી મેળવે તો તેઓ પોતાની બ્રેક્જિટ સમજૂતી સાથે આગળ વધશે. જો જેરેમી કોર્બીનની લેબર પાર્ટી સત્તા પર આવશે તો તેઓ બ્રેક્ઝિટ માટે સેકન્ડ રેફરન્ડમ યોજશે. આખરે લિબરલ ડેમોક્રેટ્સના જો સ્વિન્સન બહુમતી મેળવશે તો તેઓ ઈયુમાં જ રહેવા આર્ટિકલ ૫૦ને રદ કરી સમગ્ર બ્રેક્ઝિટને જ બિનઅસરકારી બનાવી દેશે.

ક્રિસમસમાં ચૂંટણી મોટો પડકાર

યુકેમાં પાંચ વર્ષમાં ત્રીજી વખત ચૂંટણી યોજાવાની છે ત્યારે ક્રિસમસની ચૂંટણી ૧૯૨૩ પછી પ્રથમ વખત યોજાશે. આ ચૂંટણી સામે ભારે ઠંડી, દિવસમાં ઓછા પ્રકાશથી પ્રચારને અસર, મતદાનનું ઓછું પ્રમાણ, ચર્ચ તેમજ ઓફિસોમાં પાર્ટીઓ સહિત અનેક પડકારો છે. ચૂંટણીનું પરિણામ કમનસીબ શુક્રવાર,૧૩ તારીખે જાહેર થવાનું હોઈ કેટલાક વહેમી લોકોને તેની પણ ચિંતા છે. ટોરી પાર્ટીની મોટા ભાગના મતદારો વૃદ્ધ વયના હોવાથી ભારે ઠંડીના કારણે તેઓ મતદાન માટે ઉમટી પડે તેવી શક્યતા ઓછી છે. જોકે, ઠંડીની સમસ્યા બધા જ પક્ષોને નડવાની છે. છેલ્લે સ્ટેનલી બાલ્ડવિન દ્વારા ક્રિસમસમાં ઈલેક્શન યોજાયું હતું જેમાં ત્રિશંકુ પાર્લામેન્ટ રચાઈ હતી અને છેલ્લે ટોરી પાર્ટીનો પરાજય થયો હતો. સામાન્યપણે દર વર્ષે પહેલી ડિસેમ્બરે મતદારયાદીઓ અપડેટ કરવામાં આવે છે પરંતુ, આ વખતે મતદાન માટે સત્તાવાળાએ બે અલગ મતદારયાદી બનાવવાની ફરજ પડશે કારણકે મતપત્રો નવેમ્બરમાં જ મોકલી દેવા પડશે.

મતદાન કરવાની નોંધણીમાં ધસારો

યુકેમાં સામાન્ય ચૂંટણીની હવા ફેલાઈ છે ત્યારે સરકારી આંકડા અનુસાર આશરે ૨૦ લાખ લોકોએ મતદાન કરવા માટે નોંધણી કરાવી છે. આ તેની અગાઉના બે મહિના દરમિયાન નોંધણી કરતાં બમણું પ્રમાણ છે. મતદાન કરવાની નોંધણી માટે છેલ્લી તારીખ ૨૬ નવેમ્બર છે. અગાઉ, ૨૯ ઓક્ટોબર મંગળવારે આશરે ૧૪૦,૦૦૦ અને ૩૦ ઓક્ટોબર બુધવારે આશરે ૧૭૦,૦૦૦થી વધુ અરજી કરાઈ હતી. બે દિવસમાં ૩૧૬,૨૬૪ લોકોએ નોંધણી કરાવવા અરજી કરી હતી જેમાં, ત્રીજા ભાગના લોકો ૨૫ વર્ષથી ઓછી વયના છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સૌપ્રથમ સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં અચાનક ચૂંટણી યોજવાનો ખ્યાલ તરતો મૂક્યો હતો ત્યારથી દર સપ્તાહે આશરે સરેરાશ અઢી લાખ લોકો મતદાન કરવા પોતાનું નામ નોંધાવી રહ્યાં છે. ઓક્ટોબર ૨૭ સુધીના આઠ મહિનામાં કુલ ૧,૯૬૬,૮૭૬ અરજીઓ રજૂ કરવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter