લંડનઃ યુકે સરકાર દ્વારા અફઘાન શરણાર્થીઓ માટે સેટલમેન્ટ સ્કીમ હેઠળ પાંચ વર્ષના ગાળામાં ૨૦,૦૦૦ શરણાર્થીને યુકેમાં આશરો અપાશે. ટીનેજર બાળાઓને તાલિબાન લડવૈયાઓ સાથે બળજબરીથી લગ્ન કરાવવાના આઘાતજનક અહેવાલો વચ્ચે ભાગી રહેલી સ્ત્રીઓ અને બાળકોને બચાવવાની યોજના ઘડાઈ છે. નવી યોજનામાં મહિલાઓ, બાળકો તથા ધાર્મિક અને અન્ય લઘુમતીઓને યુકેમાં કાયમી ઘર વસાવવાને પ્રાધાન્ય અપાશે. જોકે, હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે સ્પષ્ટ કર્યું છે કે એક સાથે ૨૦,૦૦૦ અફઘાન શરણાર્થીને આશરો આપી શકાય તેમ નથી.
અફઘાનિસ્તાનમાં તાલિબાન કટ્ટરવાદીઓએ સત્તા હાંસલ કર્યા અગાઉના બે દાયકામાં પશ્ચિમી મિત્રદેશોને મદદ કરનારાઓને તાલિબાનના કબજાથી જોખમમાં આવી પડેલા લોકોને આ યોજનાથી મદદ કરાશે. જોકે, ૨૦,૦૦૦ શરણાર્થીમાંથી મોટા ભાગના લોકો પાકિસ્તાન જેવા પડોશી દેશોમાં નાસી છૂટ્યા હોય તેમ પણ બની શકે છે. પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરનના સીરિયન રીસેટલમેન્ટ પ્રોગ્રામ જેવી યોજના પર વિચારણા થઈ છે. કેમરનની યોજનામાં નજીકના રેફ્યુજી કેમ્પ્સમાંથી ૪ વર્ષમાં ૨૦,૦૦૦ લોકોને વસાવાયા હતા. બીજી તરફ, કેનેડાએ પોતાની યોજના હેઠળ ૨૦,૦૦૦ શરણાર્થીઓને આશરો આપવા ખાતરી આપી છે.
બીજી તરફ, હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે બ્રિટન પૂરતી ઉદારતા દાખવી રહ્યુ નથી તેવી ટીકાઓ વચ્ચે ભારપૂર્વક સ્પષ્ટતા કરી છે કે એક સાથે ૨૦,૦૦૦ અફઘાન શરણાર્થીને આશરો આપી શકાય તેમ નથી. તેમણે જણાવ્યું હતું કે પહેલા જ વર્ષમાં ૫૦૦૦થી વધુ શરણાર્થીને આશરો આપવો વ્યહવારુ રીતે શક્ય નથી. આપણે સમગ્ર યુકેમાં સપોર્ટ સ્ટ્રક્ચર હોય તેની ચોકસાઈ પણ કરવી પડશે. પાંચ વર્ષના ગાળામાં આટલા શરણાર્થી યુકે આવી શકશે અને પ્રથમ વર્ષમાં ૫,૦૦૦ શરણાર્થી આવે તેવી ધારણા છે. અફઘાનિસ્તાનની વસ્તી સીરિયાની સરખામણીએ બમણી છે અને યુકે આ લડાઈમાં સક્રિય પાર્ટનર હતું ત્યારે આશરો અપાનારા શરણાર્થીઓની સંખ્યા ઓછી હોવાની ટીકાઓ પણ કરી રહી છે.
આ નવો રુટ સીરિયાના નિરાધાર લોકો માટે પુનઃવસન યોજના પર આધારિત છે જેમાં ૨૦૧૪થી ૨૦૨૧ના સાત વર્ષના ગાળામાં ૨૦,૦૦૦ સીરિયન નિર્વાસિતોને યુકેમાં વસાવવામાં આવ્યા હતા. આ નવો રુટ જિંદગી સામે ગંભીર જોખમ ધરાવતા નોકરી હેઠળના પૂર્વ અથવા વર્તમાન સ્ટાફ અફઘાન રિલોકેશન્સ એન્ડ આસિસ્ટન્સ પોલિસી (ARAP)થી અલગ અને તે ઉપરાંતનો છે. ARAP હેઠળ ૫૦૦૦ પૂર્વ અફઘાન સ્ટાફ અને તેમના પરિવારના સભ્યોને આ વર્ષના અંત સુધીમાં યુકેમાં વસાવવાની ધારણા છે.
યુકેમાં પોતાના જીવનનું પુનઃસર્જન કરનારા અફઘાન શરણાર્થીઓને જરૂરી સપોર્ટ આપવા સરકાર વિકેન્દ્રિત વહીવટકારો અને લોકલ કાઉન્સિલ્સ સહિત પુનઃવસન યોજનાના હિસ્સેદારો સાથે કામ કરશે. યુકે તેના આંતરરાષ્ટ્રીય સહયોગીઓ સાથે મળી સૌથી વધુ જોખમ ધરાવનારા અફઘાન લોકોની ઓળખ અને તેમના પુનઃવસનની અને જરૂરિયાતમંદોને મદદ મળવાની ચોકસાઈ સાથેની સિસ્ટમ વિકસાવવા કાર્યરત છે. વડા પ્રધાન જ્હોન્સન આગામી દિવસોમાં G7ના નેતાઓ સાથે વર્ચ્યુઅલ બેઠકમાં આની ચર્ચા કરવાના છે.
તાલિબાને અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કર્યા પછી ફેલાયેલી હિંસા અને અરાજકતા વચ્ચે બ્રિટિશ દળોએ ૩૦૦ લોકોને કાબુલમાંથી સલામત બહાર કાઢ્યા હતા. આશરે ૩,૦૦૦ વધુ બ્રિટિશરો અને ઓછામાં ઓછાં ૧,૦૦૦ અફઘાનીઓ તાલિબાનથી બચવા બ્રિટન નાસી આવવા પ્રયાસ કરી રહ્યા છે.