લંડનઃ યુકેમાં ૧૯૭૬ પછી પહેલી વખત ગયા વર્ષે જન્મ કરતાં મૃત્યુદર વધી ગયો હતો. કુલ ૬૮૩,૦૦૦થી થોડાં વધુ બાળકોના જન્મની સરખામણીએ લગભગ ૬૯૦,૦૦૦ મોત નોંધાયા હતા. ૧૮૯૦ના દાયકા પછી બીજી વખત મૃત્યુ વધી ગયા છે. ગયા વર્ષે કોરોના વાઈરસ મહામારીના કારણે મૃત્યુની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો હતો પરંતુ, બ્રિટનમાં ગત દાયકા દરમિયાન જન્મદર ઘટતો જ રહ્યો છે.
ગયા વર્ષે મૃત્યુમાં ૧૩ ટકાનો વધારો જોવાયો હતો જેના માટે આંકડાશાસ્ત્રીઓ કોરોના વાઈરસ મહામારીને કારણભૂત ગણાવે છે. બીજા વિશ્વ યુદ્ધ પછી કોઈ એક વર્ષમાં મૃત્યુનો સૌથી મોટો ઉછાળો છે જેનાથી મૃત્યુદર ૨૦૦૮ના સ્તરે પહોંચ્યો છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના આંકડા મુજબ પ્રથમ લોકડાઉન બાળજન્મની તીવ્ર વધારા (બેબી બૂમ) તરફ દોરી ગયું નથી. લોકડાઉન શરુ થયાના નવ મહિના પછી ડિસેમ્બર અને જાન્યુઆરીમાં જન્મદર એક વર્ષ અગાઉના આ જ મહિનાઓ કરતાં ઓછાં હતા. જોકે, મહામારીના લીધે રજિસ્ટર ઓફિસીસને પણ અસર થઈ હતી જેનાથી જન્મનોંધણી પર અસર થઈ હોઈ શકે છે.
યુકેમાં મહામારીના લીધે મૃત્યુ વધ્યા છે પરંતુ, ગત વર્ષોમાં ફળદ્રુપતા દરમાં પણ ભારે ઘટાડો જોવાયો છે. વર્ષ ૨૦૧૨માં કુલ ફળદ્રુપતા દર ૧.૯૨ હતો અને છ વર્ષમાં તે ઘટીને ૧.૬ થયો છે જેના પરિણામે જર્મની અને જાપાન જેવા વધુ વૃદ્ધ સમાજો જોવા મળે છે. યુકેના ચારે દેશોમાં ઓછામાં ઓછાં ૨૦૧૫થી જન્મદર સતત ઘટતો રહ્યો છે. ઓછાં બાળકો અને પાછલી જીંદગીએ બાળક રાખવાના વલણ આના માટે જવાબદાર ગણાવી શકાય.