લંડનઃ કોરોનાની સૌથી વધારે અસર જે દેશોને થઈ તેમાં બ્રિટનનો સમાવેશ થાય છે. યુકેમાં ૧૯૭૬ પછી એટલે કે ૪૫ વર્ષ પછી પહેલી વખત વર્ષ ૨૦૨૦માં જન્મ કરતાં મૃત્યુદર વધી ગયો હતો. કુલ ૬,૮૩,૧૯૧ બાળકોના જન્મની સરખામણીએ લગભગ ૬,૮૯,૬૨૯ મોત નોંધાયા હતા. જન્મ કરતાં મૃત્યુ પામનારાની સંખ્યા ૬૪૩૮ જેટલી વધારે નોંધાઈ હતી. જન્મ કરતા મૃત્ય વધારે હોય એવી ઘટના છેક સવાસો વર્ષમાં બીજી જ નોંધાઈ છે. અગાઉ ,૧૯૭૬માં અને ૧૮૯૦ના દાયકામાં આવી સ્થિતિ જોવા મળી હતી. ગયા વર્ષે કોરોના વાઈરસ મહામારીના કારણે મૃત્યુની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો હતો પરંતુ, બ્રિટનમાં ગત દાયકા દરમિયાન જન્મદર ઘટતો જ રહ્યો છે.
૨૦૧૯માં બ્રિટનમાં જન્મસંખ્યા ૭૧૨,૬૮૦ નોંધાઈ હતી, તેની સામે મૃત્યુઆંક ૬૦૪,૭૦૭ હતો. એટલે કે મૃત્યુ કરતા જન્મનારાની સંખ્યા ૧૦૦,૦૦૦ કરતાં પણ વધુ હતી. ગયા વર્ષે મૃત્યુમાં ૧૩ ટકાનો વધારો જોવાયો હતો જેના માટે આંકડાશાસ્ત્રીઓ કોરોના વાઈરસ મહામારીને કારણભૂત ગણાવે છે. બીજા વિશ્વ યુદ્ધ પછી કોઈ એક વર્ષમાં મૃત્યુનો સૌથી મોટો ઉછાળો છે જેનાથી મૃત્યુદર ૨૦૦૮ના સ્તરે પહોંચ્યો છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના આંકડા મુજબ પ્રથમ લોકડાઉન બાળજન્મની તીવ્ર વધારા (બેબી બૂમ) તરફ દોરી ગયું નથી. લોકડાઉન શરુ થયાના નવ મહિના પછી ડિસેમ્બર અને જાન્યુઆરીમાં જન્મદર એક વર્ષ અગાઉના આ જ મહિનાઓ કરતાં ઓછાં હતા. જોકે, મહામારીના લીધે રજિસ્ટર ઓફિસીસને પણ અસર થઈ હતી જેનાથી જન્મનોંધણી પર અસર થઈ હોઈ શકે છે.
યુકેમાં મહામારીના લીધે મૃત્યુ વધ્યા છે પરંતુ, ગત વર્ષોમાં ફળદ્રુપતા દરમાં પણ ભારે ઘટાડો જોવાયો છે. વર્ષ ૨૦૧૨માં કુલ ફળદ્રુપતા દર ૧.૯૨ હતો અને છ વર્ષમાં તે ઘટીને ૧.૬ થયો છે જેના પરિણામે જર્મની અને જાપાન જેવા વધુ વૃદ્ધ સમાજો જોવા મળે છે. યુકેના ચારે દેશોમાં ઓછામાં ઓછાં ૨૦૧૫થી જન્મદર સતત ઘટતો રહ્યો છે. ઓછાં બાળકો અને પાછલી જીંદગીએ બાળક રાખવાના વલણ આના માટે જવાબદાર ગણાવી શકાય. બ્રિટનમાં રહેનારા પરદેશીઓ મોટી સંખ્યામાં પોતાના વતનમાં સ્થળાંતર પણ કરી ગયા હોવાથી દેશની જનસંખ્યા માંડ ૦.૪ ટકાનો વધારો જોવા મળ્યો છે. ૨૦૧૯માં બ્રિટનની વસ્તી ૬૬.૮ મિલિયન હતી, જે થોડી જ વધીને ૨૦૨૦માં ૬૭.૧ મિલિયન નોંધાઈ હતી.