લંડનઃ બ્રિટનમાં દર ૧૦ વ્યક્તિએ ઓછામાં ઓછો એક CCTV કેમેરા છે. રિપોર્ટ અનુસાર તો યુકેમાં ૬૦ લાખ CCTV કેમેરા છે પરંતુ, તેમાંના ઘણા નકામા પણ છે. આ કેમેરા આપણા જીવનની પળે-પળ પર નજર રાખે છે. બ્રિટનની વસ્તી સમગ્ર વિશ્વની વસ્તીના એક ટકાથી પણ ઓછી હોવાં છતાં વિશ્વના સર્વેલન્સ કેમેરાના અંદાજે ૨૦ ટકા કેમેરા બ્રિટન ધરાવે છે. વધતાં આંકડાથી દેશ ‘સર્વેલન્સ સ્ટેટ’ બનવા તરફ આગળ વધી રહ્યો હોવાની ચિંતા ટીકાકારોએ દર્શાવી છે.
સર્વેલન્સ કેમેરા કમિશનર ટોની પોર્ટર કહે છે કે છ મિલિયન કેમેરા તો છે પરંતુ, તેમાંના ઘણાની ગુણવત્તા નબળી છે અથવા ખોટાં સ્થળોએ લગાવાયાં છે. છ મિલિયન કેમેરાનો અંદાજ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં સીસીટીવી કેમેરાના સંચાલન અંગે નેશનલ સ્ટ્રેટેજીના મુસદ્દામાં જારી કરાયો છે. આ કેમેરાના અંદાજમાં ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિઝેશન, શરીર પર રખાતાં અથવા ડ્રોન્સનો સમાવેશ થતો નથી. પોલીસ અધિકારીઓ, સિક્યુરિટી ગાર્ડ્સ અને કાર પાર્ક એટેન્ડન્ટ્સ દ્વારા પહેરાતાં કેમેરાની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. મેટ્રોપોલીટન પોલીસે ૨૨,૦૦૦ સર્વેલન્સ કેમેરા ખરીદ્યાં છે.
કેમ્પેઈનર્સ કહે છે કે સમુદાયોના રક્ષણ માટે સીસીટીવીની જરૂરિયાત અને વ્યક્તિઓનાં ખાનગી જીવન વચ્ચે સમતુલા જાળવવા માટે પૂરતી કામગીરી થતી નથી. કેમેરાને આપણી સ્ટ્રીટ્સ પર વિનાશક અસરો સર્જાવતાં અટકાવવાં મજબૂત અને તંદુરસ્ત સિસ્ટમ સ્થાપિત કરવાની જરૂર છે.
અગાઉ સર્વેલન્સ ઈન્ડસ્ટ્રી પાછળ ખર્ચાતી ૨.૧ બિલિયન પાઉન્ડને રકમને મુખ્ય યુરોપિયન ફૂટબોલ ટીમને ખરીદવા માટે પૂરતી હોવાની સરખામણી કરનારા ટોની પોર્ટરે કહ્યું હતું કે સર્વેલન્સ કેમેરાનો ઉપયોગ લોકોની જાસૂસી કરવાના બદલે તેમના રક્ષણ માટે થાય તેમ તેઓ ઈચ્છે છે. જાહેર સંસ્થાઓ, કાઉન્સિલો અને બિઝનેસીસ કેટલા કેમેરા ધરાવે છે અને તે કેટલા પ્રમાણમાં ઉપયોગી છે તે જાહેર કરવાનું દબાણ વધી રહ્યું છે.


