યુકેમાં ૮ પૂર્વ યુરોપીય દેશોના ૧.૩ મિલિયન નાગરિકો રહે છે

Tuesday 11th July 2017 09:35 EDT
 
 

લંડનઃ પૂર્વ યુરોપના આઠ દેશોના આશરે ૧.૩ મિલિયન નાગરિકો યુકેમાં વસવાટ કરતા હોવાનું ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના સત્તાવાર આંકડા જણાવે છે. આમાંથી ૨૫૪,૦૦૦ લોકો ૧૫ વર્ષથી ઓછી વયના છે. આનાથી વિરુદ્ધ ૧૪,૦૦૦થી થોડાં વધુ બ્રિટિશ વસાહતીઓ EU8 દેશોમાં રહે છે. EU8 જૂથમાં પોલેન્ડ, લિથુઆનિયા, ઝેક રિપબ્લિક, હંગેરી, સ્લોવેકિયા, સ્લોવેનિયા, ઈસ્ટોનિયા અને લેટવિયા દેશોનો સમાવેશ થાય છે.

EU8 જૂથના પોલેન્ડ સહિત દેશો ૨૦૦૪માં ઈયુમાં જોડાયા તે પછી તેમનું સ્થળાંતર વધવા સાથે ૧.૩ મિલિયન લોકો બ્રિટનમાં વસવાટ કરે છે. આ લોકોમાં પોલેન્ડના નાગરિકોની સંખ્યા સૌથી વધુ એટલે કે ૮૧૩,૭૦૦ જેટલી છે. યુકેમાં ઈયુ નાગરિકોના ૨૫૦,૦૦૦થી વધુ બાળકો બ્રિટનમાં હોવાનું ONSનો રિપોર્ટ જણાવે છે.

અભ્યાસ અનુસાર આ દેશોના નાગરિકો દ્વારા યુકે સરકારી પેન્શનનો લાભ લેનારી સંખ્યા પણ વધી છે. ગયા વર્ષના અંત સુધીમાં આ જૂથના ૬,૦૦૦ નાગરિકો યુકેનું સરકારી પેન્શન મેળવતા હતા, જેમાં ૨,૯૦૦ પોલીશ નાગરિકોનો સમાવેશ થાય છે. ONS રિપોર્ટ અનુસાર યુકેમાં EU8ના બહુમતી નાગરિકોની વર્કિંગ એજના છે. ૨૦૧૩-૨૦૧૫ના ગાળાના સર્વે મુજબ ૧૬થી ૬૪ વયજૂથના ૮૦ ટકા લોકો બ્રિટનમાં કામ કરતા હતા. સમગ્રતયા રાષ્ટ્રીય કાર્યદળના ત્રણ ટકા વર્કર EU8ના નાગરિકો છે.

એક અન્ય અભ્યાસ અનુસાર ઈયુ દેશોમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાં ફ્રાન્સ બીજા ક્રમે છે પરંતુ, ત્રીજા ક્રમનું યુકે હવે તેની આગળ વધી જશે તેમ જણાય છે. આ વર્ષના જાન્યુઆરી સુધીમાં યુકે અને ફ્રાન્સ અનુક્રમે ૬૫.૮ મિલિયન અને ૬૭ મિલિયનની વસ્તી ધરાવતા હતા. યુકેની વસ્તી ઝડપથી વધી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter