લંડનઃ યુકેનો કરી ઉદ્યોગ ભાંગી પડવાના આરે છે. હજારો કરી હાઉસ બંધ પડે તેવી શક્યતાઓ વચ્ચે ચાલે છે. કેટલાક આ માટે મોબાઈલ ટેક્સી એપ ઉબેરને પણ આંશિકપણે જવાબદાર ઠરાવે છે. નિષ્ણાતો કહે છે કે આ ટેક્સી સેવાએ સંખ્યાબંધ શેફ્સ, વેઈટર્સ, મેનેજર્સ અને અનેક સ્થળોએ રેસ્ટોરાંમાલિકોની પણ ભરતી કરી હોવાથી કથળેલાં ઉદ્યોગને વધુ માર પડ્યો છે.
બાંગલાદેશી કેટરર્સ એસોસિયેશનના વાઈસ પ્રેસિડેન્ટ ઓલી ખાને કહ્યું હતું કે,‘ઉદ્યોગ સમક્ષના અનેક કારણોથી હજારો કરી હાઉસ બંધ પડવાનું જોખમ છે. ઘરની રસોઈ, ટેકઅવેઝ અને વિશ્વમાં ખોરાકની પસંદગીમાં બદલાવથી ‘કરી કટોકટી’ સર્જાઈ છે.’ ઉબેર પણ આ સમસ્યાનો હિસ્સો હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે,‘લંડનમાં શેફ્સ, તંદૂરી રસોઈયા, વેઈટર્સ, મેનેજર્સ અને રેસ્ટોરાં માલિકો સહિત સંખ્યાબંધ લોકો ઉબેર ટેક્સી સેવામાં જોડાઈ ગયા છે.’
‘કરી હાઉસમાં અગાઉ જેવો નફો રહ્યો નથી અને લોકોને સ્વતંત્રતા માફક આવી ગઈ છે. કિચનમાં છ લોકો પર ધ્યાન રાખવાનું શિરદર્દ રહેતું નથી. જો તમારું ફૂડ સતત સારું ન રહે તો તમારી જવાબદારી આવી જાય છે. કેબ કંપનીમાં તો તમારે ત્યાં જઈને માત્ર કાર ડ્રાઈવ કરવાની રહે છે’, તેમ ખાને કહ્યું હતું.


