યુકેમાંથી 70 મિલિયન પાઉન્ડ દુબઇ મોકલનાર ગેંગને 70 કરતાં વધુ વર્ષની કેદ

ભારતીય મૂળના લોકોની આ ગેંગ માનવ તસ્કરીમાં પણ સામેલ હતી

Tuesday 19th September 2023 12:39 EDT
 
 

લંડનઃ માનવ તસ્કરીની યોજના બનાવી યુકેમાંથી 70 મિલિયન પાઉન્ડ જેવી રકમ વિદેશમાં મોકલનાર એક ગેંગના સભ્યોને 70 કરતાં વધુ વર્ષની કેદ ફટકારવામાં આવી છે. બ્લેક કન્ટ્રીના બે સહિત આ ગેંગના સભ્યોએ મની લોન્ડરિંગ માટે નાણાની હેરફેર કરવા દુબઇની સેંકડો ટ્રીપ કરી હતી. આ ગેંગના સભ્યોએ 17 માઇગ્રન્ટ્સને ગેરકાયદેસર રીતે યુકેમાં ઘૂસાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. નેશનલ ક્રાઇમ એજન્સી દ્વારા કરાયેલી તપાસમાં સામે આવ્યું હતું કે, આ ગેંગના સભ્યોએ યુકેમાંથી 70 મિલિયન પાઉન્ડની રોકડ રકમ વિદેશમાં મોકલી દીધી હતી. એમ માનવામાં આવે છે કે તેમણે ઓર્ગેનાઇઝ્ડ ઇમિગ્રેશન ક્રાઇમ અને માદક દ્રવ્યોના વેચાણ દ્વારા આ કાળી કમાણી કરી હતી.

આ ગેંગના સભ્યોએ 2017થી 2019 વચ્ચે સેંકડો વાર દુબઇનો પ્રવાસ કર્યો હતો. યુકેથી જતા આ ગેંગના સભ્યો પાસેથી 1.5 મિલિયન પાઉન્ડની રોકડ જપ્ત કરાઇ હતી પરંતુ આ ગેંગના સભ્યો દ્વારા કરાયેલા પ્રવાસની સંખ્યાને જોતાં તેમણે મોટી રકમ સગેવગે કરી હોવાનો અંદાજ છે.

આ ગેંગના માસ્ટર માઇન્ડ ચરણસિંહને નવેમ્બર 2019માં પશ્ચિમ લંડનના હૌન્સ્લો ખાતેથી ઝડપી લેવાયો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે ચરણસિંહ યુએઇમાં રહેતો હતો અને રોકડની હેરાફેરી માટેની તમામ વ્યવસ્થા તે કરતો હતો.

કોને કેટલી સજા

ચરણ સિંહઃ 12 વર્ષ 6 માસ, વલજિત સિંહઃ 11 વર્ષ, સ્વાન્દેર સિંહઃ 15 વર્ષ, જસબીર સિંહ કપૂરઃ 9 વર્ષ 6 માસ, જસબીરસિંહ ઢાલઃ 7 વર્ષ 6 માસ, દિલજાનસિંહ મલ્હોત્રાઃ 6 વર્ષ, મર્સિયા ડેનેસઃ 6 વર્ષ, સુંદર વેન્ગાદાસલમઃ 10 માસ, અમરજિત અલાબાદિસઃ 1 વર્ષ 11 માસઃ જગિન્દર કપૂરઃ 3 વર્ષ 9 માસ, જેકદાર કપૂરઃ 4 વર્ષ 6 માસ, મનમોનસિંહ કપૂરઃ 4 વર્ષ, પિન્કી કપૂરઃ 11 માસ, જસબીરસિંહ મલ્હોત્રાઃ 1 વર્ષ પાંચ માસ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter