લંડનઃ આજીવન રામભક્ત ભારતીદેવી કંટારિયાને અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપવા આમંત્રિત કરાયાં હતાં. સતગુરુ પૂજ્ય હીરજીબાપા (જેમણે ઈસ્ટ આફ્રિકામાં હિન્દુઈઝમની સ્થાપના કરી) તથા યુકેમાં સનાતન ધર્મ અને રામ નામનો પાયો સ્થાપવામાં મદદરૂપ દિવંગત પિતા સંત શ્રી રામબાપાની પ્રેરણા, આશીર્વાદ અને માર્ગદર્શન થકી ભારતીદેવી હનુમાન ચાલીસા, સેવા અને રામ નામનો પ્રસાર કરી રહ્યાં છે. રામબાપાએ યુકેમાં મોરારિ બાપુની પ્રથમ રામકથાની યજમાની કરી હતી તેમજ ગત 50 વર્ષથી દર રવિવારે 108 હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરતા રહ્યા હતા.
યુકેમાં સનાતન ધર્મના સમર્થનની કામગીરી, સત્સંગ તેમજ ગ્રામીણ ગુજરાતમાં સ્ત્રીઓ અને છોકરીઓના સશક્તિકરણ, તેમના દિવ્ય સેવા ફાઉન્ડેશનના નેજા હેઠળ ભારતમાં સેવા પ્રોજેક્ટ્સ, કોવિડના ગાળામાં ઈમર્જન્સી હોસ્પિટલોના નિર્માણ તેમજ જ્યાં પણ જાય ત્યાં રામ નામના પ્રસારની કામગીરીને બિરદાવી ભારતીદેવીને રામ મંદિરના ઉદ્ઘાટનમાં આમંત્રિત કરાયાં હતાં.
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં યુકેથી આમંત્રિત કરાયેલાં ભારતીદેવીએ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથે ખાસ મુલાકાતમાં રામ જન્મભૂમિની ભવ્યતાના સાક્ષી બનવાના તેમના અનુભવની વાત કરી હતી. ભારતીદેવીએ જણાવ્યું હતું કે,‘આમંત્રણ મળવું એ જ સ્વપ્ન સમાન લાગે છે! મારાં રામલલ્લાના દર્શનના સાક્ષી બનવાં મારી પસંદગી કરાઈ છે તે વાસ્તવિકતા મને સ્વપ્નવત્ જણાયું હતું. મારાં યુવાનીકાળથી જ મને મારાં જીવનમાં મારાં રામજીને નિહાળવાની આંતરઈચ્છા હતી. ક્યાં અને્ ક્યારે તે અચોક્કસ હતું પરંતુ, જ્યારે આમંત્રણ આવ્યું ત્યારે મારી લાગણીઓનું ઘોડાપુર છવાઈ ગયું. મારાં મદિરમાં બેઠી હતી ત્યારે પ્રાણપ્રતિષ્ઠાના સાક્ષી બનવા મને બોલાવાઈ તે માટે મેં હજારો વખત આભાર વ્યક્ત કર્યો. મને તો પાછળથી જાણ થઈ કે યુકેમાંથી આ સમારંભમાં આમંત્રિત કરાયેલી હું એક માત્ર સ્ત્રી છું. મને જે નમ્રતા અને આભારની ઊંડાઈનો અનુભવ થયો તે હું શબ્દોમાં વર્ણવી શકતી નથી.’
તેમણે જણાવ્યું હતું કે,‘અયોધ્યાથી ઘણાં વર્ષો દૂર રહ્યા પછી મને એંગ્ઝાઈટીની લાગણી થતી હતી પરંતુ, હું ત્યાં પહોંચી તેની સાથે મારો ડર અદૃશ્ય થઈ ગયો. વાતાવરણ અતિ પવિત્ર અને શુદ્ધ હતુ, જાણે પ્રાચીન અવધનું સ્મરણ થઈ આવતું હતું. પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય દિવસ, 22 જાન્યુઆરીએ મારી લાગણીઓ સતત દોડી રહી હતી. સાચા દિવ્ય દર્શનનો અનુભવ કરી હું અંદરથી હલબલી ગઈ હતી. મારી યુવાનીમાં મારાં પિતાએ મને રામજીની મૂર્તિ ભેટ આપી હતી અને હું બધે જ તેને સાથે લઈને ફરતી હતી. આ ક્ષણ, આ દર્શન અને વાતાવરણ મારાં માટે એટલું મહત્ત્વ ધરાવે છે કે શબ્દો મારાં હૃદયની ઊંડી અનુભૂતિને પકડવામાં નિષ્ફળ જાય છે.’
પાશ્ચાત્ય મીડિયામાં રામમંદિર અને તેના નિર્માણ સંબંધે જે વિકૃત નિરુપણો આવે જાય છે તેના વિશે ટીપ્પણી કરતાં ભારતીદેવીએ કહ્યું હતું કે,‘ પશ્ચિમી મીડિયા તેને ફાવે તેમ કહી-લખી શકે છે પરંતુ, વાસ્તવિકતા એ જ છે કે 500 વર્ષના સતત સંઘર્ષ પછી આપણે આ મંદિર બાંધવા શક્તિમાન થયાં છીએ, વિશ્વભરમાં લાખો અનુયાયીઓ સુધી પહોંચી શક્યા છીએ. આનો અર્થ બહું મોટો છે. પૃથ્વીના તમામ ખૂણેથી લોકોએ, માત્ર આ એક દિવસ માટે, અહીં આવવા અને દર્શન કરવા અને આ સમારંભમાં ભાગ લેવા પ્રવાસ ખેડ્યો છે. માત્ર એક વ્યક્તિ નહિ પરંતુ, વિશ્વના ઘણા વ્યક્તિઓએ કાર્યક્રમમાં હાજરી આપી છે. તેમના માટે પણ આનું ઘણું મહત્ત્વ છે. આપણા માટે તો આ આજીવન સિદ્ધિ છે અને તેની પાછળ 500 વર્ષનો સંઘર્ષ છે તે જોતાં કદાચ તેનાથી વધુ છે. આ દિવસ આખરે આવ્યો છે. આગામી પેઢીઓ આની સાક્ષી નહિ બની શકે. આપણા હિન્દુ અને સનાતનની ભાવનાઓને જાળવી રાખવામાં આનું વિશેષ મહત્ત્વ હતું અન્યથા, આપણે ઘણું ગુમાવી ચૂક્યા હોત.’


