યુકેસ્થિત ઉદ્યોગપતિઓ ૫૦૦ કરોડના ખર્ચે ગંગા નદી કાંઠે રીવરફ્રન્ટ્સ– સફાઇ અભિયાન આદરશે

Wednesday 06th December 2017 05:33 EST
 
 

લંડનઃ ભારતના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરનીતિન ગડકરીએ ગત સપ્તાહે લંડનમાં સરકારના ‘નમામિ ગંગે અભિયાન’ ગંગા શુદ્ધિકરણ મિશનમાં ઇન્વેસ્ટમેન્ટ અને ટેક્નોલોજીના સહયોગ માટે આંતરરાષ્ટ્રીય રોડ ટ્રીપની શરૂઆત કરી છે. તેમને પહેલા જ પ્રયત્ને લંડન- યુકેમાંથી અનિલ અગરવાલ, હિન્દુજા બ્રધર્સ, પ્રકાશ લોહિયા અને રવિ મલ્હોત્રા તરફથી વિવિધ શહેરો અને રાજ્યોના રિવરફ્રન્ટના વિકાસ અને સફાઇ અભિયાન માટે રૂપિયા ૫૦૦ કરોડના રોકાણ માટે બાંહેધરી મળી હતી.

હિન્દુઓ જેને માતાનું સ્વરૂપ ગણે છે તે ગંગા નદીને સાફ કરવાના મહત્વાકાંક્ષી કાર્યક્રમ અંગે લંડનના સેન્ટ જેમ્સીસ કોર્ટ ખાતે આવેલ તાજ હોટેલ ખાતે બુધવાર તા. ૨૯ના રોજ બપોરે પત્રકારોને ઉદ્બોધન કરતા ગંગા નદીના કાયાકલ્પ, રિવર ડેવલોપમેન્ટ, જળસંપત્તિ, હાઇવે, શિપિંગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, ‘ગંગા નદીના શુદ્ધિકરણ અભિયાન ‘નમામિ ગંગે’ કાર્યક્રમ માટે આજે સવારે અમે વેદાંતા ગૃપના અનિલ અગરવાલ સહિત વિવિધ ઉદ્યોગપતિઓ સાથે બેઠકો કરી હતી. જેમાં તેમણે ગંગા નદીના કિનાર આવેલા ઘાટ, સ્મશાનગૃહો, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ, પાર્ક, સેનિટેશન ફેસેલીટીઝ સહિતના વિવિધ કાર્યો માટે ૧૦ હજાર કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ્સમાં ભાગ લેવા અપીલ કરી હતી. જેમાં અમને ખૂબજ સુંદર પ્રતિસાદ સાંપડ્યો હતો. સરકાર આ અભિયાનના ચાર તબક્કાના પ્રોજેક્ટમાં ખાનગી ક્ષેત્રના લોકોનો સાથ સહકાર લેવા માટે આતુર છે. અમે લંડનમાં ભારતીય મૂળના ઘણા લોકો સાથે આ સહયોગ માટે મુલાકાતો અને ચર્ચા વિચારણા કરી હતી. જેમાં અમને નોંધપાત્ર નાણાંકીય સમર્થન આપવા માટે ચાર ટોચના ઉદ્યોગપતિઓ સહમત થયા છે. વેદાંતા ગૃપના અનિલ અગરવાલે પટણા રિવરફ્રન્ટના વિકાસ માટે, ફોર્સાઇટના રવિ મલ્હોત્રાએ કાનપુરમાં ગંગા નદીના વિકાસ માટે, હિન્દુજા ગૃપે હરિદ્વારમાં ઘાટ અને અન્ય સુવિધાઓના વિકાસ માટે અને ઇન્ડોરામા ગૃપના પ્રકાશ લોહિયાએ કોલકાતાના ગંગાસાગરના વિકાસ અને પુનરોદ્ધાર માટે સહમતિ આપી કુલ ૫૦૦ કરોડના રોકાણની જાહેરાત કરી હતી. આ ઉદ્યોગ જુથો કોર્પોરેટ સોશ્યલ રીસ્પોન્સિબિલિટી અંતર્ગત ભારત સરકાર સાથે મળીને કાર્ય કરશે. આ ક્ષેત્રે બધા વિકલ્પો ખુલ્લા રખાશે અને સરકાર જરૂર પડે ત્યાં મદદરૂપ બનશે. અમે નમામિ ગંગે અભિયાનમાં ભાગ લેવા માટે તમામ ભારતીય કંપનીઓ, એનઆરઆઈ અને ડાયસ્પોરા સમૂહને વિનંતી કરીએ છીએ. અત્યાર સુધીમાં ૬૫૦ કરોડના ખર્ચે ૧૧૯ ઘાટના પુન: નિર્માણ માટે જવાબદારી ઉઠાવાઇ છે.’

ગડકરીએ જણાવ્યું હતું કે, ‘આગામી બે વર્ષમાં કાર્બન ડાયોક્સાઈડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ સ્તરમાં નોંધપાત્ર ઘટાડો થશે. સરકાર ગંગા નદીના કાયાકલ્પ માટે ૧૫૦ જેટલા પ્રોજેક્ટ્સ માર્ચ ૨૦૧૮ સુધીમાં લોન્ચ કરશે. જેનો હેતુ નદીમાં પ્રદૂષિત પાણી છોડવા પર પાબંદી, ગંદા પાણીને રિસાયકલ કરવા, પાવર ટ્રાન્સપોર્ટ ફ્લીટમાં બાયો સીએનજી બનાવવાનો છે. ગંગા નદીના કિનારે આવેલા વિવિધ મોટા શહેરોના ગંદા પાણી અને ઉદ્યોગો દ્વારા ઠાલવવામાં આવતા પાણીના કારણે પ્રદૂષણ થાય છે જેને પણ બંધ કરવામાં આવશે અને પ્રદુષણ ફેલાવતા લોકો સામે કાયદેસરના પગલા લઇ શકાય તે આશયે પ્રદુષણના કાયદાઓમાં જરૂરી સુધારા વધારા કરાશે.’

યુકેની મુલાકાત દરમિયાન ટેક્નોલોજી શેરિંગ અને ઇન્વેસ્ટમેન્ટ માટે પાંચ બ્રિટિશ કંપનીઓ સેલ્ટિક રિન્યૂએબલ્સ (સ્કોટિશ બાયોફ્યુઅલ કંપની), લિન્ડન વોટર (વોટર ટ્રીટમેન્ટ ફર્મ), મેબિફેર્મ, NVH ટેકનોલોજીસ અને આર્કાટેપ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર પણ કર્યા હતા. પત્રકાર પરિષદમાં ગડકરી સાથે નમામિ ગંગે મિશનના ડીજી યુપી સિંઘ, ડાયરેક્ટર મકવાણા, ભારતીય હાઇ કમિશનર વાય કે સિન્હા, ડેપ્યુટી હાઇ કમિશ્નર દિનેશ પટનાયક ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ માહિતી આપી હતી.

લંડન સ્ટાઈલની ટ્રાન્સપોર્ટ સિસ્ટમની તરફેણ

ભારતીય ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ લંડન સ્ટાઈલની ટ્રાન્સપોર્ટ સિસ્ટમની તરફેણ કરી છે. ગત મહિને તેમણે સ્પષ્ટ કર્યું હતું કે નીતિ આયોગ દ્વારા ભારતમાં એડવાન્સ્ડ ઈલેક્ટ્રિક મોબિલિટીને ઉત્તેજન આપવાની દરખાસ્ત છે પરંતુ, ભારત માટે તે મુશ્કેલ બની રહેશે. ઈલેક્ટ્રિક અને શેરિંગ વાહનોથી પેટ્રોલ અને ડિઝલના ખર્ચમાં ૬૦ બિલિયન ડોલરની બચત થવા ઉપરાંત, ૨૦૧૩૦ સુધીમાં ૧ ગીગાટન કાર્બન ઉત્સર્જનમાં કાપ આવશે તેમ આયોગના રિપોર્ટમાં જણાવાયું છે. તેમણે ભારતમાં અને ખાસ કરીને ભારે પ્રદૂષણ ધરાવતા દિલ્હીમાં લંડન સ્ટાઈલના પરિવહનની હિમાયત કરતા જણાવ્યું હતું કે લંડનમાં જાહેર પરિવહનની કાળજી લેનારા ૯ ટ્રાન્સપોર્ટર્સ છે. તેમણે આ મોડેલને સફળતા સાથેની ઈન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ તરીકે ગણાવ્યું હતું.   


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter