લંડનઃ લોર્ડ મેઘનાદ દેસાઈના પુસ્તક ‘Rebellious Lord An Autobiography’નું શુક્રવાર ૮ જાન્યુઆરીએ લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે લંડનના ભારતીય હાઈ કમિશન ખાતે ધ નેહરુ સેન્ટરના ડાયરેક્ટર શ્રી અમીશ ત્રિપાઠી સાથે તેમણે વાતચીત કરી હતી. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ ખાતે પ્રોફેસર એમરિટસ લોર્ડ મેઘનાદ દેસાઈ ૩૮ વર્ષનો શિક્ષણ અનુભવ ધરાવે છે અને બ્રિટિશ હાઉસ ઓફ લોર્ડ્સમાં આજીવન ઉમરાવ છે. તેઓ ૨૦૦૮માં ભારતીય પ્રજાસત્તાકના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મભૂષણથી સન્માનિત કરાયા છે.
ભારતના ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં ૧૦ જુલાઈ,૧૯૪૦ના દિવસે જન્મેલા મેઘનાદ જગદીશચંદ્ર દેસાઈનો ઉછેર તેમના બે ભાઈઓ અને એક બહેન સાથે થયો હતો. તેઓ માત્ર ૭ વર્ષની વયે સેકન્ડરી સ્કૂલમાં ગયા હતા અને ૧૪ વર્ષની વયે મેટ્રિક્યુલેશન પસાર કર્યું હતું. તેમણે યુનિવર્સિટી ઓફ મુંબઈ સાથે સંકળાયેલી રામનારાયણ રુઈઆ કોલેજમાંથી સ્નાતકની ડીગ્રી મેળવી હતી અને યુનિવર્સિટી ઓફ મુંબઈમાંથી જ ઈકોનોમિક્સની માસ્ટર્સ ડીગ્રી માટે અભ્યાસ કર્યો હતો. આ પછી તેમણે ઓગસ્ટ ૧૯૬૦માં યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વાનિયા માટે સ્કોલરશિપ હાંસલ કરી હતી. તેમણે ૧૯૬૩માં પેન્સિલ્વાનિયાથી ઈકોનોમિક્સ વિષયમાં PhD પૂર્ણ કર્યું હતું.
લોર્ડ દેસાઈએ પૂર્વ પાર્ટી નેતા જેરેમી કોર્બીનને ફરી સભ્યપદે પ્રવેશ અપાયાના પગલે એન્ટિસેમેટિઝમ મુદ્દે લેબર પાર્ટીના ૪૯ વર્ષના સભ્યપદેથી નવેમ્બર ૨૦૨૦માં છેડો ફાડ્યો હતો.
તેમના પિતા સરકારી નોકરીમાં હતા તેથી તેમને અવારનવાર વડોદરાથી બોમ્બે (હવે મુંબઈ)નો પ્રવાસ કરવો પડતો હતો. ‘મને ઘણો સ્નેહાળ પરિવાર મળ્યો હતો’ તેમ કહેવા સાથે તેમણે પોતે ‘અભ્યાસનું ભારે વળગણ ધરાવતા’ હોવાનું (આ સમયે ત્રિપાઠીએ મલકાટ સાથે કહ્યું હતું કે લોર્ડ દેસાઈ લક્ષ્મીના નહિ પરંતુ, સરસ્વતીના ઉપાસક છે) પણ ઉમેર્યું હતું. જોકે, લોર્ડ દેસાઈના ઓનલાઈન બાયો-ડેટા અનુસાર તેઓ નાસ્તિક કે નિરીશ્વરવાદી છે. તેઓ નેશનલ સેક્યુલર સોસાયટીના ઓનરરી એસોસિયેટ પણ છે.
પોતાને બળવાખોર કરતા વધુ ‘ચાલાક’ ગણાવતા લોર્ડ દેસાઈએ જણાવ્યું હતું કે,‘જ્યારે કોઈ વાંચતું ન હોય ત્યારે મેં પુસ્તકો વાંચવાની શરુઆત કરી હતી. તેઓ લાઈબ્રેરીમાંથી બધા જ પુસ્તકો અને ખાસ કરીને જે લેખકોના નામ પણ સાંભળ્યા ન હોય તેવા પુસ્તકો લાવતા હતા. તેમણે ઉમેર્યું હતું કે,‘હું કહેતો કે તમે કરી શકો ત્યારે લાઈબ્રેરીમાંથી આનંદ મેળવી લેવો જોઈએ.’
લોર્ડ દેસાઈએ ઈકોનોમિક્સ, કાયદાથી માંડી ફિક્શન (કલ્પનાકથાઓ) અને અન્ય વિષયો પર અત્યાર સુધી ૩૫ જેટલી બૂક્સ લખી છે. તેમણે કહ્યું કે ,‘એક વખત હું પુસ્તક લખી લઉં, તે મારાથી દૂર થઈ જાય છે.’ તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમણે લખેલી કલ્પનાકથાઓ ઘણી વખત તેમના વાસ્તવિક જીવનના નિરીક્ષણોના આધારે લખાઈ હોય છે અને કેટલીક વાર્તાઓ તેમના જીવંત મિત્રો અને સાથી રાજકારણીઓને સંબંધિત હોવાથી તેને ખરેખર સાચી લાગે તે રીતે લખી શકતા ન હતા.
લંડનમાં વસી રહેલા અથવા વસવાની તૈયારી કરી રહેલા ભારતીય યુવાનોને સંદેશો આપવા જણાવાયું ત્યારે તેમનો તત્કાળ પ્રત્યાઘાત ‘એકીકૃત’ થવાનો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે કોઈએ તેમની માતૃભૂમિ પાસેથી મેળવેલા મૂળિયાં ભૂલી જવાની આવશ્યકતા નથી પરંતુ, જે ભૂમિમાં તેમણે વસવાટ કરવાનું પસંદ કર્યું છે તે દેશની સંસ્કૃતિ-સમાજના પ્રવાહમાં ભળી જવું અનિવાર્ય છે.
રંગભૂમિના ચાહક હોવાની સાથોસાથ લોર્ડ દેસાઈને બોલીવૂડ પણ ગમે છે. વાસ્તવમાં તેમણે એક વખત હાઉસ ઓફ લોર્ડ્સમાં કે. આસીફનું મુગલ-એ-આઝમ પણ દર્શાવ્યું હતું. તેમણે સમાપન વેળાએ બોલિવૂડના પોતાને મનગમતા ગીતોમાંથી એક પ્રિય ગીત ‘મેરા જૂતા હૈ જાપાની (રાજ કપૂરની ફિલ્મ શ્રી ૪૨૦)’ ગાયું હતું. આ ગીતના ક્રાંતિકારી, બંડખોર અને પ્રફુલ્લિત અર્થઘટન કરવા સાથે ઓડિયન્સની વિદાય લીધી હતી.


