લંડનઃ નાટો સંમેલનમાં ભાગ લેતાં પહેલાં અમેરિકાના પ્રમુખ જો બાઇડેન સોમવારે યુકેની મુલાકાતે પહોંચ્યા હતા. 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે બાઇડેને વડાપ્રધાન રિશી સુનાક સાથે મુલાકાત કરી ત્યારબાદ તેઓ લંડનમાં વિન્ડસર કેસલ ખાતે કિંગ ચાર્લ્સ તૃતીયની મુલાકાતે પહોંચ્યા હતા. જો બાઇડેન કિંગ ચાર્લ્સના કોરોનેશનમાં હાજર રહ્યાં નહોતાં તેથી ચાર્લ્સ કિંગ બન્યા ત્યારપછીની તેમની આ પહેલી મુલાકાત હતી. વિન્ડસર કેસલ ખાતે જો બાઇડેનને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.
લંડનઃ અમેરિકાના પ્રમુખ જો બાઇડેને 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે મુલાકાત દરમિયાન બ્રિટિશ વડાપ્રધાન રિશી સુનાક સાથે યુક્રેનને ક્લસ્ટર બોંબ આપવાના મુદ્દે ચર્ચા કરી હતી. રિશી સુનાકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, યુકે ક્લસ્ટર બોંબનો ઉપયોગ અટકાવવાના કરારમાં સામેલ છે તેથી યુક્રેનને ક્લસ્ટર બોંબ આપશે નહીં. પરંતુ આ અંગેનો નિર્ણય લેવાનો દરેક દેશને પોતાનો અધિકાર છે. અમે આ કરાર અંતર્ગતની અમારી જવાબદારીને વળગી રહીશું. અમે અમારી આ નીતિમાં કોઇ બદલાવ કરવાના નથી. આ મુદ્દે નિર્ણય લેવાનો દરેક દેશને અધિકાર છે.
બાઇડેન અને રિશી સુનાક વચ્ચે ઇન્ડો પેસિફિક રિજિયન પર પણ ચર્ચા થઇ હતી. જ્યારે કિંગ ચાર્લ્સ અને બાઇડેન વચ્ચેની મુલાકાતમાં ક્લાઇમેટ ચેન્જ મુખ્ય ચર્ચાનો વિષય રહ્યો હતો.


