યુક્રેનને શસ્ત્રસહાય મુદ્દે યુકે પર હુમલાની રશિયાની ચેતવણી

Tuesday 03rd May 2022 16:53 EDT
 

લંડનઃ રશિયાએ યુક્રેનને હથિયારોની નિકાસ કરવા બદલ યુકેની ઝાટકણી કાઢતાં ચેતવણી આપી છે કે આ બાબતે યુકેની ભૂમિ પર હુમલો થઈ શકે છે. રશિયાએ ધમકી આપતા કહ્યું છે કે બહારના કોઈ પણ રાષ્ટ્ર દ્વારા આવા પ્રયાસોથી યુક્રેનના પ્રાંતોમાં વધારે રક્તપાત થશે. અગાઉ, રશિયાના સરકારી ટેલિવિઝન પરથી બ્રિટનને નકશા પરથી ભૂંસી નાખવાની ટિપ્પણી પણ કરાઈ હતી. રશિયાએ જણાવ્યું છે કે યુક્રેનમાં નાટો શસ્ત્રો કાયદેસરના લક્ષ્ય છે અને કીવમાં બ્રિટિશ રાજદ્વારીઓ પણ નિશાન બની શકે છે.

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુટિને સંભવિત ન્યુક્લિયર હુમલાનો સંકેત આપી જણાવ્યું હતું કે, હાલમાં જે ચાલે છે તેમાં જો કોઈ બહારથી હસ્તક્ષેપ કરશે તો તેણે માઠાં પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે કારણકે આવા હસ્તક્ષેપને રશિયા વિરુદ્ધ જોખમ તરીકે ગણી વળતો હુમલો કરવામાં આવશે. પ્રમુખ પુટિને ઉમેર્યું હતું કે, અમારે જેની જરૂર છે તે શસ્ત્રો અમારી પાસે ઉપલબ્ધ છે જ અને કોઈએ બડાઈ હાંકવાની જરૂર નથી. રશિયા પોતાનાં હથિયારોનો ઉપયોગ આવડે છે. રશિયાએ નાટોના સભ્યદેશોને પણ આ બાબત કડકાઈપૂર્વક જણાવી દીધી છે.

રશિયાના વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મારિયા ઝખારોવાએ જણાવ્યું કે, ‘નાટોના સભ્યદેશોના લશ્કરી ટાર્ગેટ્સની સામે આ પ્રકારનું કડક પગલું ભરી શકાશે. જે નાટો-દેશો કિવના પ્રદેશોને શસ્ત્ર-સહાયતા પૂરી પાડી રહ્યા છે તેમની સામે પણ રશિયા શસ્ત્ર-કામગીરી કરી શકે છે અને મારી સમજ મુજબ બ્રિટન પણ એવા દેશો પૈકીનો એક છે. આખરે તો આ બધી બાહ્ય શસ્ત્રસહાયના કારણે યુક્રેનના પ્રદેશોમાં વધારે લોહિયાળ સ્થિતિ સર્જાય છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter