યુક્રેનયુદ્ધ રશિયાના વિજય પછી જ પૂરું થશેઃ બોરિસ જ્હોન્સન

Wednesday 27th April 2022 06:55 EDT
 

નવી દિલ્હી, લંડનઃ યુક્રેન સંઘર્ષ મહિનાઓ સુધી ચાલશે અને રશિયાનો વિજય થશે તેવા પશ્ચિમી ઈન્ટેલિજન્સ બ્રીફિંગ્સના આધારે બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન પણ માને છે કે રશિયા યુક્રેન જીતી નહિ લે ત્યાં સુધી આ યુદ્ધ ચાલુ રહેશે. ભારત પ્રવાસ દરમિયાન જ્હોન્સને કહ્યું કે, રશિયન પ્રમુખ વ્લાદિમિર પુટિન પાસે વિશાળ ફોજ છે તે હકીકત છે. આ જ કારણ છે કે રશિયાએ આટલા દિવસથી યુદ્ધ ચાલુ રાખ્યું છે.

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સને રશિયા-યુક્રેન યુદ્ધ અંગે કહ્યું કે, રશિયાનું અંતિમ લક્ષ્ય માત્ર વિજય જ છે. બંને દેશો વચ્ચે યુદ્ધ આગામી વર્ષ સુધી લંબાઈ શકે છે. જો આ પહેલા રશિયા યુદ્ધ જીતી જાય તો તે સમાપ્ત થઈ શકે છે. યુકે આગામી સપ્તાહે કિવમાં ફરી દૂતાવાસ ખોલી રહ્યું છે તેમ પણ જ્હોન્સને કહ્યું હતું.

જ્હોન્સને રશિયા-ભારતના સંબંધો પર પણ વિસ્તારથી વાત કરી હતી. આ યુદ્ધમાં ભારતના વલણ અંગે સવાલ કરવામાં આવતા તેમણે સ્પષ્ટ કહ્યું કે ભારતના રશિયા સાથે ઐતિહાસિક સંબંધો છે અને બધા જ તેનું સન્માન કરે છે. રશિયા અને યુક્રેન યુદ્ધ મુદ્દે ભારત અને બ્રિટનનું વલણ એક સમાન ન હોવા છતાં જ્હોન્સનનું માનવું છે કે ભારત સાથે બ્રિટનના સંબંધો ઘણા મજબૂત છે.

બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત ઈચ્છે છે કે આ વિવાદનો શાંતિપૂર્ણ રીતે વાતચીત મારફત ઉકેલ આવે. ભારત પહેલાથી જ કહેતું આવ્યું છે કે વિવાદનો ઉકેલ લાવતી વખતે બંને દેશોની સંપ્રભૂતા અને હિતોનું પણ ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter